નેતાઓ માટે સ્વાસ્થ્ય નહીં સ્વાર્થ મહત્ત્વનો

એકસ્ટ્રા અફેર- રાજીવ પંડિત
ભારતમાં રાજકારણીઓને પોતાના સ્વાર્થ સિવાય બીજા કશાની પડી નથી તેનો અનુભવ આપણને વારંવાર થયા કરે છે.
એકબીજાને ગાળાગાળી કરતા ને હલકા ચિતરવામાં કોઈ કસર ના છોડતા રાજકારણીઓ પોતાના સ્વાર્થની વાત આવે ત્યારે બધું છોડીને એક થઈ જાય છે એ પણ આપણે જોયું છે ને પંજાબની ચૂંટણીના મામલે આપણને ફરી આ વાતનો અનુભવ થઈ ગયો. માત્ર રાજકારણીઓ જ નહીં પણ ચૂંટણીપંચમાં બેઠેલા લોકો પણ તેમના જેવા જ સંવેદનહીન છે ને તેમને પણ લોકોની કંઈ પડી જ નથી. પંજાબમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ પાછી ઠેલીને પંચમાં બેઠેલા મહાનુભાવોએ પણ આ વાત સાબિત કરી દીધી.
ચૂંટણીપંચે પંજાબમાં વિધાનસભા ચૂંટણીની તારીખ પાછી ઠેલવાની જાહેરાત કરીને એલાન કર્યું છે કે, હવે પંજાબમાં ૧૪ ફેબ્રુઆરીની જગ્યાએ ૨૦ ફેબ્રુઆરીએ મતદાન કરાશે. ચૂંટણી પંચે શ્રી ગુરુ રવિદાસજીની જન્મજયંતીના બહાને તારીખો પાછી ખેંચી છે પણ વાસ્તવમાં ચૂંટણીની તારીખો પાછળ કરવાનું કારણ રાજકારણીઓએ કરેલી વિનંતી છે. શ્રી ગુરુ રવિદાસજીની જન્મજયંતી ૧૬ ફેબ્રુઆરી છે. શ્રી ગુરુ રવિદાસજી પંજાબમાં શ્રદ્ધેય હોવાથી તેમની જન્મદિવસની ઉજવણીમાં લાખો લોકો જોડાય છે. શ્રી ગુરુ રવિદાસજી ઉત્તર પ્રદેશના બનારસમાં જન્મેલા તેથી શ્રી ગુરુ રવિદાસજીની જન્મજ્યંતીની શાનદાર ઉજવણી બનારસમાં થાય છે. એક અંદાજ પ્રમાણે લગભગ ૨૦ લાખ લોકો બનારસ જાય છે. શ્રી ગુરુ રવિદાસજીની જન્મજ્યંતીની ઉજવણી અઠવાડિયું ચાલે છે. મતલબ કે, ૧૦ ફેબ્રુઆરીથી ઉજવણી શરૂ થશે ને ૧૬ ફેબ્રુઆરી સુધી ઉજવણી ચાલશે. પંજાબમાંથી લોકો બનારસ પાસે આવેલા શ્રી ગુરુ રવિદાસજીના જન્મસ્થળ ગોવર્ધનપુર જઈ શકે એ માટે ખાસ ટ્રેનો પણ મૂકવામાં આવે છે.
પહેલા જાહેર થયેલા કાર્યક્રમ પ્રમાણે, પંજાબમાં ૧૪ ફેબ્રુઆરીએ મતદાન થવાનું હતું. લોકો પહેલા દિવસથી જ ના પહોંચી જાય પણ જન્મજયંતીના દિવસે દર્શનની ઈચ્છા સાથે લોકો બે દિવસ પહેલા રવાના થાય. મતલબ કે, ૧૩ અને ૧૪ ફેબ્રુઆરીના રોજ વિશેષ ટ્રેનો દ્વારા પંજાબ જવા રવાના થશે. ૧૬ ફેબ્રુઆરીએ શ્રી ગુરુ રવિદાસજીની જન્મજયંતીની છે.
હવે શ્રી ગુરુ રવિદાસજીની જન્મજ્યંતીની ઉજવણી માટે ૨૦ લાખ લોકો બનારસ જતા રહેતાં આ લોકો મતદાન ના કરી શકે કેમ કે આ ૨૦ લાખ લોકો મતદાનના દિવસે પંજાબમાં નહીં પણ બનારસમાં હોય. બનારસ પાસે આવેલા તેમના જન્મસ્થળ ગોવર્ધનપુરની મુલાકાત લઈને લોકો ૧૬ ફેબ્રુઆરીના એકાદ-બે દિવસ પછી પાછા ફરે ત્યાં સુધીમાં તો અહીં બધું પતી ગયું હોય. આ લોકો સ્વાભાવિક રીતે જ મતદાનમાં ભાગ લઈ શકે નહીં તેથી રાજકારણીઓએ સાગમટે ચૂંટણી અઠવાડિયું પાછી ઠેલવાની માગણી કરી નાંખેલી.
રાજકારણીઓ ચૂંટણી પાછી ઠેલાવા માગતા હતા તેનું બીજું પણ કારણ છે. પંજાબના દોઆબા પ્રદેશ અને ખાસ કરીને જલંધરમાં શ્રી ગુરુ રવિદાસજીના સૌથી વધુ ભક્તો છે. આ વિસ્તારમાં તો તારીખો પાછી ના ઠેલાય તો ચૂંટણીના બહિષ્કારના હાકલાપડકારા પણ થવા માંડેલા. પંજાબ ભૌગૌલિક અને રાજકીય રીતે માલવા, દોઆબા અને માઝા એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે પણ અસલી ખેલ માલવામાં છે. માલવા ૧૪ જિલ્લા સાથે ભૌગૌલિક રીતે પંજાબનો સૌથી મોટો વિસ્તાર છે. પંજાબ વિધાનસભાની ૧૧૭ બેઠકોમાંથી દોઆબામાં ૨૩ ને માઝામાં ૨૫ મળીને કુલ ૪૮ બેઠકો છે જ્યારે એકલા માલવામાં જ ૬૯ બેઠકો છે. મતલબ કે, પંજાબ વિધાનસભાની અડધા કરતાં વધારે બેઠકો માલવા વિસ્તારમાં જ છે. ટકાવારીની રીતે ગણીએ તો ૬૦ ટકાની આસપાસ બેઠકો માલવા વિસ્તારમાં છે. આ કારણે જે પક્ષ માલવા સર કરી શકે તેની પંજાબમાં સરકાર રચાય એ સમીકરણ વરસોથી કામ કરે છે પણ રાજકારણીઓ માટે બધી બેઠકો મહત્ત્વની હોય છે. દોઆબામાં ૨૩ બેઠકો છે ને ૨૩ બેઠકો સત્તાનાં સમીકરણ બદલી શકે તેથી કોઈ પક્ષ દોઆબાને અવગણવા તૈયાર નહોતો.
દોઆબા વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારનાં એલાન થવા માંડ્યાં તેના કારણે રાજકારણીઓ ચિંતામાં પડી ગયેલા. શ્રી ગુરુ રવિદાસજીના અનુયાયીઓમાં દલિત સમુદાયનાં લોકોની સંખ્યા વધારે છે. પંજાબમાં ૩૫ ટકા જેટલા મતદાનો દલિત એટલે કે અનુસૂચિત જાતિના છે. આપણે ત્યાં દલિત મતબેંકનો સૌથી મોટો ઠેકો બહુજન સમાજ પાર્ટીનો છે તેથી બહુજન સમાજ પાર્ટીએ સૌથી પહેલા પંજાબમાં ચૂંટણીની તારીખ સ્થગિત કરવાની માગ ઉઠાવી હતી. બીજા બધા તો શ્રી રવિદાસજીની જન્મજયંતીને ભૂલી જ ગયેલા પણ બસપાના પંજાબ પ્રમુખ જસબીર ગઢીએ જન્મજયંતીની યાદ અપાવીને ચૂંટણીની તારીખ ૨૦ ફેબ્રુઆરી કરવાની માગ કરેલી.
હવે ૩૫ ટકા મતદારો ધરાવતી દલિત મતબેંકનો સવાલ હોય ને પોતે પાછળ રહી જાય તો દલિતો મત ના આપે એ ડરે બીજા બધા રાજકીય પક્ષો પણ હઈસો હઈસોમાં જોડાઈ ગયા. બસપાના પગલે કૉંગ્રેસ સરકારના મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ પત્ર લખીને ચૂંટણી મોકૂફ રાખવાની માગ કરી નાંખી. ભાજપ, કેપ્ટન અમરિન્દર સિંહની પંજાબ લોક કૉંગ્રેસ અને સુખદેવ ઢીંઢસાના શિરોમણી અકાલી દળ (યુનાઈટેડ)એ પણ ચૂંટણી સ્થગિત કરવાની માગ કરી નાંખી. છેલ્લે આમ આદમી પાર્ટી પણ તેમાં જોડાઈ ગઈ. ચૂંટણીપંચને તો ભાજપ જે કંઈ કહે તેમાં જ વધારે રસ હોય છે તથી પંચે આ માગણી સ્વીકારી લીધી ને ચૂંટણી અઠવાડિયું પાછું ઠેલવાનું એલાન કરી નાંખ્યું.
શ્રી ગુરુ રવિદાસજી લાખો લોકો માટે શ્રદ્ધેય છે. તેમની જન્મજયંતીની ઉજવણી કરવાની હોંશ તેમના અનુયાયીઓને હોય એ સમજી શકાય. આપણને તેમની શ્રદ્ધા સામે વાંધો નથી પણ રાજકારણીઓની માનસિકતા સામે છે. આપણા રાજકારણીઓ લોકોના સ્વાસ્થ્યના બદલે પોતાના સ્વાર્થને વધારે મહત્ત્વનો ગણે છે તેની સામે છે. દેશભરમાં કોરોનાએ ફરી કેર વર્તાવવા માંડ્યો છે ને કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. કોરોનાના નવા કેસોનો આંકડો એક લાખને તો ક્યારનોય પાર કરી ગયેલો.
અત્યારે કોરોનાના નવા કેસોનો આંકડો પોણા ત્રણ લાખને પાર કરી ગયો છે ને રાજકારણીઓને તેની કંઈ પડી નથી. એ લોકો ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોઆ ને મણિપુર એ પાંચ રાજ્યોની ચૂંટણીના પ્રચારમાં મસ્ત છે. ચૂંટણી પ્રચારમાં જામતી ભીડના કારણે લોકોના સ્વાસ્થ્ય પર મોટો ખતરો છે પણ તેની રાજકારણીઓને કંઈ પડી નથી. આ રાજકારણીઓએ લોકોની ચિંતા કરીને પહેલાં એવું કહેલું કે, ચૂંટણી થોડી પાછી ઠેલાય તો વાંધો નહીં. ચૂંટણીની જાહેરાત થઈ પછી ચૂંટણી પ્રચારમાં લોકોની ભીડ ભેગી કરવાનું ને તમાશા કરવાનું ટાળીને લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો નહીં કરીએ એવું વલણ લીધેલું. લોકોના સ્વાસ્થ્ય પર ખતરો છે તો ચૂંટણી પાછી ઠેલો એવું કહેવા તો કોઈ રાજકારણી આગળ આવ્યો જ નથી પણ ભીડ એકઠી કરો તો લોકો પર ખતરો ઊભો ના થાય એવું પોતાના પક્ષના કાર્યકરોને કહેવા પણ કોઈ રાજકારણી તૈયાર નથી.
બલકે રાજકારણીઓ પોતે જ લાખોની ભીડ એકઠી કરે છે ને જાતજાતના તમાશા કરીને લોકોના સ્વાસ્થ્ય પર ખતરો ઊભો કરે છે. એ જ રાજકારણીઓ મતદાન ઓછું થવાની બીકે ચૂંટણી પાઠી ઠેલવાના મુદ્દે એક થઈ જાય એ જોઈ ખરેખર આઘાત લાગે છે. કાગડા બધે કાળા એ વાતનો અનુભવ થાય છે. લોકો મરતાં હોય તો મરે, આપણે ચિંતા કરવાની નહીં, આપણે મતબેંકની જ ચિંતા કરવાની. રાજકારણીઓ માટે લોકોનું સ્વાસ્થ્ય નહીં પણ સ્વાર્થ મહત્ત્વનો છે તેનો આ પુરાવો છે.
ચૂંટણીપંચે પણ ફરી સાબિત કર્યું છે કે, પોતે સત્તામાં બેઠેલા લોકોની કઠપૂતળી છે ને સ્વાયત્ત બનીને વર્તવાની તેનામાં તાકાત જ નથી. ચૂંટણીપંચને સત્તાવાર રીતે સ્વાયત્ત બનાવાયું પણ તેમાં માનસિક ગુલામી હોય એવા લોકોને જ બેસાડાય છે. તેમનો મિજાજ સ્વાયત્તતાનો હોતો નથી ને સત્તાધારી પક્ષના આંગળિયાત હોય છે તેથી પોતાને સરકારી ચિઠ્ઠીના ચાકર માનીને વર્તવામાં જ માને છે. અત્યારે પણ એ લોકો એ રીતે જ વર્ત્યા છે ને લોકોનાં હિતની પરવા કર્યા વિના રાજકારણીઓના સ્વાર્થને શરણે ગયા છે. શ્રી ગુરુ રવિદાસજીની જન્મજયંતી કંઈ રાતોરાત તો આવી ગઈ નથી. ચૂંટણીપંચમાં બેઠેલા લોકોને તેની ખબર જ નહોતી એ શરમજનક કહેવાય પણ એવું કેમ થયું એ વિચારવા જેવું છે. તેનું કારણ એ કે, પંચે પોતાની બુદ્ધિ ચલાવ્યા વિના ઉપરથી જે ફરમાન આવ્યું તેનું પાલન કરી નાંખ્યું. તેના કારણે થૂંકેલું ચાટવાનો વારો આવી ગયો.