આ પૂર્વ ભારતીય ક્રિકેટર થયા કોરોના સંક્રમિત, સોશિયલ મીડિયા પર આપી માહિતી

ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ક્રિકેટર હરભજન સિંહ કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ભૂતપૂર્વ ઓફ સ્પિનરે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે તે કોરોના સંક્રમિત છે. ભજ્જીએ તેના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કહ્યું છે.
હરભજને લખ્યું, “મારો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો છે. મેં મારી જાતને ક્વોરન્ટાઇન કરી છે અને તમામ જરૂરી સાવચેતી રાખી છે. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓને હું શક્ય તેટલી વહેલી તકે પરીક્ષણ કરાવવા વિનંતી કરીશ. કૃપા કરીને સુરક્ષિત રહો અને તમારી સંભાળ રાખો." હરભજનના પત્ની અને અભિનેત્રી ગીતા બસરાને પણ કોરોના થયો છે.
હરભજને તાજેતરમાં ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા પછી, તે તેની યુટ્યુબ ચેનલ 'ધ ટર્બનેટર' પર ખૂબ સક્રિય છે જ્યાં તે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલા પ્રવાસમાં ભારતના પ્રદર્શનનું વિશ્લેષણ કરે છે.
હરભજને હાલમાં જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી અને કહ્યું હતું કે તે ભવિષ્યમાં પંજાબની સેવા કરવા માંગે છે. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ રાજકારણમાં આવશે. પરંતુ તેમણે કોઈપણ પક્ષમાં જોડાવાનો ઈન્કાર કર્યો હતો.
હરભજને ભારત માટે 23 વર્ષમાં 711 વિકેટ લીધી હતી. નિવૃત્તિની જાહેરાત કરતા હરભજને ટ્વિટર પર લખ્યું - બધી સારી વસ્તુઓનો અંત આવે છે અને આજે હું તે રમતને વિદાય આપું છું. આ રમતે મને જીવનમાં બધું આપ્યું છે. હું દરેકનો આભાર માનું છું જેણે આ 23 વર્ષની લાંબી સફરને સુંદર અને યાદગાર બનાવી.
હરભજન બે વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય હતો. હરભજન 2007માં ટી-20 અને 2011માં વનડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ જીતનાર ટીમનો સભ્ય હતો. હરભજન સિંહ ટેસ્ટમાં 400થી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય સ્પિન બોલર છે. તેની પહેલા અનિલ કુંબલેએ આ કારનામું કર્યું હતું. ભજ્જીએ તેની 103 ટેસ્ટ મેચમાં 417 વિકેટ લીધી હતી. તે જ સમયે, તેણે 236 વનડેમાં 269 વિકેટ ઝડપી હતી. ભજ્જીએ 28 ટી-20 મેચમાં 25 વિકેટ લીધી હતી. આઇપીએલમાં હરભજને 163 મેચમાં 150 વિકેટ લીધી હતી.
હરભજન સિંહે ભારત માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 5 વર્ષ પહેલા યુએઇ સામે 2016 એશિયા કપ ટી-20માં રમી હતી.