જ્ઞાનવાપીની વીડિયોગ્રાફી શરૂ કરાઈ

સઘન સુરક્ષા: વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના સંકુલમાં શનિવારે શરૂ કરાયેલા વીડિયોગ્રાફિક સર્વેક્ષણ વખતે અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખવા અંદાજે
દોઢ હજાર પોલીસ ગોઠવવામાં આવ્યા હતા.
(પીટીઆઇ)
-------
વારાણસી: જ્ઞાનવાપી મસ્જિદનું વીડિયોગ્રાફી દ્વારા સર્વેક્ષણ શનિવારે ફરી શરૂ કરાયું હતું અને તે દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ નહોતો બન્યો અને શાંતિ જળવાઇ રહી હતી. આ મસ્જિદના વ્યવસ્થાપકોએ સ્થાનિક અદાલત દ્વારા નિમાયેલી ટીમને આ કાર્યમાં સહકાર આપ્યો હતો.
અદાલતના આદેશથી નિમાયેલી ટીમે શનિવારે શરૂ કરેલું જ્ઞાનવાપી મસ્જિદનું સર્વેક્ષણ રવિવારે પણ ચાલુ રહેશે. અદાલતે આ સર્વેક્ષણનો અહેવાલ મંગળવારે પોતાને સુપરત કરવા આદેશ આપ્યો હતો.
સર્વેક્ષણ વખતે હિંસા ન ફેલાય તેનું ધ્યાન રાખવા માટે અંદાજે દોઢ હજાર પોલીસ મસ્જિદની આસપાસ ગોઠવાયા હતા. શનિવારે સવારે ૭.૩૦ વાગ્યે કાશી વિશ્ર્વનાથ મંદિર સંકુલના દ્વાર ક્રમાંક ચાર ખાતે સર્વેક્ષણ ટીમ અને અન્ય પક્ષકારો ભેગા થયા હતા. વીડિયોગ્રાફી માટે ખાસ કેમેરા અને લાઇટ્સની વ્યવસ્થા કરાઇ હતી.
દરમિયાન, સર્વોચ્ચ અદાલત જ્ઞાનવાપી મસ્જિદના સર્વેક્ષણને પડકારતી એક અરજીની સુનાવણી આવતા અઠવાડિયે હાથ ધરે એવી શક્યતા છે.
અગાઉ, વારાણસી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કૌશલરાજ શર્માએ જણાવ્યું હતું કે બધા સંબંધિત પક્ષકારોની મહત્ત્વની બેઠક શુક્રવારે યોજાઇ હતી. નિમાયેલી ટીમને સહકાર આપવા તેમ જ કાયદો અને વ્યવસ્થાને જાળવવા વિનંતિ કરાઇ હતી.
મસ્જિદની વ્યવસ્થાપન સમિતિના એક સભ્યે જણાવ્યું હતું કે અમે આ કેસમાં સર્વોચ્ચ અદાલતમાંની અમારી અરજીના ચુકાદાની રાહ જોઇ રહ્યા છીએ, પરંતુ ત્યાં સુધી જિલ્લા અદાલતના આદેશ મુજબ તેની ટીમને સહકાર આપીશું.
જ્ઞાનવાપી મસ્જિદ કાશી વિશ્ર્વનાથ મંદિરની પાસે આવેલી છે અને હિંદુ મહિલાઓના એક જૂથે આ મસ્જિદની બહારની દીવાલ પરની દેવી-દેવતાઓની મૂર્તિઓની પૂજા કરવા માટે પરવાનગી માગી હતી.
અંજુમન ઇંતેઝામિયા મસ્જિદની સમિતિના સંયુક્ત સચિવ સૈયદ મહંમદ યાસીને જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલત અમારી વિરુદ્ધ ચુકાદો આપશે, તો અમે નીચલી અદાલતના આદેશને વડી અદાલતમાં પડકારવા વિચારીએ છીએ.
અહીંની મસ્જિદની આસપાસ શુક્રવારે સઘન સલામતી વ્યવસ્થા કરાઇ હતી અને લોકો નમાજ પઢવા પણ આવ્યા હતા. (એજન્સી)