જ્ઞાનવાપી: આ જ્ઞાનકૂવામાંથી ‘માહિતી’ ઉલેચી શકાશે?

કવર સ્ટોરી-મુકેશ પંડ્યા
જ્ઞાનવાપી મસ્જિદ તરીકે ઓળખાતી વારાણસીમાં આવેલી હાલ વિવાદાસ્પદ આ મસ્જિદના પ્રથમ બે શબ્દ સંસ્કૃતના છે એ પણ એક કૌતુક છે. જ્ઞાન એટલે કે જાણકારી કે માહિતી હોવી તે અને વાપી એટલે જળાશય એવો અર્થ થાય છે. અહીં કાશી વિશ્ર્વનાથ મંદિરમાં એક કૂવો પણ છે એટલે આ પરિસર જ્ઞાનવાપી તરીકે ઓળખાતો હોય એ શક્ય છે. આપણે એને જ્ઞાનનો કૂવો કે જ્ઞાનસાગર પણ કહી શકીએ. શક્ય છે કે વર્ષો પહેલાં અહીં કાશી વિશ્ર્વનાથના મંદિરની સાથે જ્ઞાનની ગંગા વહાવતાં કોઇ ગુરુકુળો (આજની ભાષામાં યુનિવર્સિટી) હોય. સ્કંદપુરાણમાં પણ આનો ઉલ્લેખ છે. પહેલાંના સમયમાં પૂરા ભારતવર્ષમાંથી લોકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા કાશીમાં આવતા એટલે અહીં જ્ઞાનનો પ્રચાર-પ્રસાર થતો હોય તો નવાઇ નહીં.
જોકે, ૧૬મી સદીમાં ઔરંગઝેબના શાસનમાં અહીં મંદિરની જગ્યાએ મસ્જિદ ઊભી થઇ ગઇ છે એવું મનાય છે જે હાલ જ્ઞાનવાપી મસ્જિદ તરીકે ઓળખાય છે અને હાલ ખૂબ વિવાદમાં છે.
અયોધ્યામાં અદાલતના ચુકાદા બાદ વિવાદાસ્પદ ઢાંચા પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થઇ રહ્યું છે ત્યાં જ હવે કાશી વિશ્ર્વનાથ કોરીડોરની બાજુમાં જ આવેલી જ્ઞાનવાપી મસ્જિદ પણ વિવાદોમાં ઘસડાતી જાય છે. અયોધ્યાના વિવાદાસ્પદ ઢાંચામાં પહેલાં રામમંદિર હતું તેના અનેક આર્કિયોલોજિકલ અને ઐતિહાસિક પુરાવા અદાલતને આપવામાં આવ્યા હતા જેને કારણે ત્યાં રામમંદિરની તરફેણમાં ચુકાદો આપવાનું શક્ય બન્યું અને હવે કાશીની આ જ્ઞાનવાપી મસ્જિદમાં પણ હકીકત શું છે એ જોવા-જાણવા માટે સર્વે અને વીડિયોગ્રાફી કરવાનો કાશીની અદાલતે હુકમ આપ્યો છે.
આમ તો વર્ષોથી આ જ્ઞાનવાપી મસ્જિદ છે કે મંદિર તેનો વિવાદ ચાલ્યા કરે છે, પણ હાલ આ મુદ્દો પાંચ મહિલાઓએ કરેલી એક અરજીને કારણે ગરમાયો છે.
વાત જાણે એમ છે કે ૧૮ ઑગસ્ટ, ૨૦૨૧ના રોજ દિલ્હીની રાખી સિંહ, લક્ષ્મીદેવી, સીતા સાહુ, રેખા પાઠક અને મંજુ વ્યાસ નામની પાંચ મહિલાઓએ વારાણસીની કોર્ટમાં અરજી દાખલ કરી છે કે જ્ઞાનવાપી મસ્જિદની પશ્ર્ચિમની દીવાલની બહાર જે શૃંગારગૌરી તેમ જ અન્ય હિન્દુ દેવીદેવતાઓની મૂર્તિઓ છે તેની રોજ પૂજા કરવાની અને ભોગ ધરાવવાની છૂટ આપવામાં આવે. અત્યારે આ મંદિરમાં વર્ષ દરમિયાન ચૈત્ર મહિનામાં એક જ દિવસ પૂજા કરવાની છૂટ આપવામાં આવે છે. આ અરજી સંદર્ભે કોઇ પણ નિર્ણય લેતાં પૂર્વે વારાણસીની અદાલતે મસ્જિદની અંદર સર્વે કરવાનો અને વીડિયોગ્રાફી કરવાનો હુકમ કર્યો હતો. છઠ્ઠી મેની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. જોકે, મુસ્લિમોના પ્રખર વિરોધને કારણે આ સર્વે કરનારી ટીમને હજી સુધી મસ્જિદની અંદર પ્રવેશ મળ્યો નથી.
આ મસ્જિદની સારસંભાળ રાખનાર સંસ્થા ‘અંજુમન ઇંતજામિયા મસાજિદ’ના સંયુક્ત સચિવ સૈયદ મોહમ્મદ યાસિન કહે છે કે મંદિર તોડીને મસ્જિદ બનાવાઇ હતી એવું નથી. તે મંદિરથી બિલકુલ અલગ છે.
બીજી બાજુ અનેક હિન્દુ સંગઠનો અને સમર્થકોનું માનવું છે કે હાલ જ્યાં મસ્જિદ છે ત્યાં જ અસલી કાશી વિશ્ર્વનાથનું મંદિર અને જ્યોતિર્લિંગ હતાં, પરંતુ મુગલોના આક્રમણના ભયે તે વખતના પૂજારીઓએ લિંગને નુકસાન ન થાય એ હેતુથી ઉખાડીને આ પરિસરમાં આવેલા એક કૂવામાં ઉતારી દીધું હતું. આ વાતને સમર્થન આપતાં ઘણા લોકો અહીં આવેલા એક નંદીના પૂતળાનો પણ ઉલ્લેખ કરે છે જેનું મોં હાલના મંદિર તરફ નથી, પરંતુ મસ્જિદ તરફ છે. સામાન્ય રીતે નંદીનું મુખ મંદિર તરફ હોવું જોઇએ એટલે લોકો એમ પણ કહી રહ્યા છે કે આ મસ્જિદ બની એ પહેલાં અહીં અસલી કાશી વિશ્ર્વનાથ મંદિર હોઇ શકે. બીજી બાજુ સૈયદ મોહમ્મદ યાસિન કહે છે કે અહીં એક કૂવો છે, પણ તેની અંદર શિવલિંગ છે તેવી વાતો ખોટી છે. વર્ષ ૨૦૧૦માં અમે આ કૂવાની સાફસફાઈ કરાવી હતી તેમાંથી કંઇ નીકળ્યું નહોતું.
જોકે, વર્ષો પહેલાં ઔરંગઝેબનો ભયાવહ શાસનકાળ દૂર થયા બાદ કૂવામાંથી શિવલિંગ કાઢીને બીજે સ્થાપિત કરાવી દીધું હોય તો ૨૦૧૦માં કરેલી સાફસફાઇમાં શિવલિંગ ન મળે એ સ્વાભાવિક છે એવું માનનારા પણ ઘણા મળી આવે, કારણ કે અહીં મસ્જિદ બની ૧૬૬૯માં જ્યારે ઔરંગઝેબનો શાસનકાળ હતો, પરંતુ ત્યાર બાદ વર્ષ ૧૭૩૫માં ઇંદોરનાં મહારાણી અહિલ્યાબાઇએ વર્તમાન મંદિરનું નિર્માણ કરાવ્યું હતું એવું કહેવાય છે. હાલ જે મસ્જિદનું ચિત્ર દેખાય છે તેમાં પણ પશ્ર્ચિમની દીવાલને સાવ અડીને જ મંદિરનું સ્થાપત્ય હોય એવો સ્પષ્ટ ઢાંચો દેખાય છે. જો કોઇને નવેસરથી જ મસ્જિદ બાંધવી હોય તો થોડી દૂર બાંધે. જ્યારે હિંદુ સમર્થકો કહે છે કે તોડાયેલાં મંદિરોના અવશેષો પર જ આ મસ્જિદ બાંધવામાં આવી છે.
હિન્દુ અને મુસ્લિમ એમ બેઉ બાજુથી જ્યારે પોતપોતાની તરફેણમાં બોલાતું હોય ત્યારે અદાલત જ એક એવો સ્તંભ છે જે સાચા-ખોટાનાં પારખાં કરી શકે. દૂધનું દૂધ, પાણીનું પાણી કરી શકે છે. એટલે જ અદાલતે આ મસ્જિદનો બહાર અને અંદરથી સર્વે કરવાનો અને વીડિયોગ્રાફી કરવાનો નિર્ણય પણ લીધો. છઠ્ઠી મેએ અદાલતે કોર્ટ કમિશનર સહિત એક સર્વે ટીમની પણ નિમણૂક કરી હતી અને તેમાં હિન્દુ-મુસ્લિમ બેઉ પક્ષના સભ્યોને સ્થાન મળે એવી ગોઠવણ પણ કરાઇ હતી. આવી ટીમ જ્યારે છઠ્ઠી મેએ આ મસ્જિદ આગળ પહોંચી ત્યારે મુસ્લિમ તેમ જ હિંદુ સંગઠનો બેઉ સામસામે આવી ગયાં હતાં. સામસામી નારાબાજી ચાલતી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે સર્વે ટીમે મસ્જિદની બહારની દીવાલનું નિરીક્ષણ શરૂ કર્યું તેમાં કહેવાય છે કે તેમને ઘસાઇ ગયેલાં સ્વસ્તિક (સાથિયા)નાં ચિહ્નો પણ જોવા મળ્યાં. જોકે, તેઓ મુસ્લિમોના પ્રચંડ વિરોધને કારણે મસ્જિદની અંદર પ્રવેશ મેળવવામાં નિષ્ફળ રહ્યા. અહીં એક વાત એ ખટકે છે કે જો મંદિર તોડીને મસ્જિદ ન બનાવવામાં આવી હોય કે પછી તેની અંદર કોઇ હિન્દુ દેવદેવી કે હિન્દુ સંસ્કૃતિનાં પ્રતીકો ન હોય તો પછી સરકારી ઓફિસરોને અંદર પ્રવેશ આપવાની અહીંની મુસ્લિમ મેનેજમેન્ટ કમિટી આનાકાની કેમ કરે છે?
જોકે, અદાલત એનું કામ કરશે. આ લખાઇ રહ્યું છે ત્યારે (૧૦ મે) કોર્ટમાં સુનાવણી થઇ રહી હતી, પરંતુ બેઉ પક્ષને સાંભળ્યા પછી કોર્ટે ચુકાદો ન આપતાં ૧૧ મેએ એટલે કે આજે ફરી સુનાવણી થશે એમ જણાવ્યું છે. મુસ્લિમ કમિટીએ અગાઉની સર્વે ટીમનો જે કોર્ટ કમિશનર છે એ હિન્દુ તરફી પક્ષપાત કરે છે એવી ફરિયાદ દાખલ કરતાં તેને બદલવાની માગણી કરી હતી. હવે જોઇએ કોર્ટ આ બાબતે શું નિર્ણય કરે છે અને સર્વે ટીમને ફરી મસ્જિદની તપાસ માટે ક્ઇ તારીખે મોકલે છે.
સામાન્ય પ્રજા તો એ જ વાતની રાહ જોઇ રહી છે કે આ જ્ઞાનવાપીરૂપી કૂવામાં ભંડારાયેલા અનેક માહિતીરૂપી જળને ઉલેચી શકાશે કે કેમ?