ગંગા સપ્તમી: ગંગા નદી કેમ પવિત્ર ગણાય છે?
ગઈ કાલે જ લોકોએ ગંગા સપ્તમી ઊજવી. કહેવાય છે કે વૈશાખ સુદ સાતમને દિવસે જ સ્વર્ગમાં વિહરતી આ નદીનું પૃથ્વી પર અવતરણ થયું હતું જેને ભગીરથ રાજાએ તપશ્ર્ચર્યા કરી લોકોના કલ્યાણ માટે પૃથ્વી પર ઉતારી હતી. આ તો થઇ શાસ્ત્રો ને પુરાણોની વાત, પરંતુ તાર્કિક દૃષ્ટિએ પણ આ વાત એટલી જ સાચી છે. શિયાળામાં હિમાલય પર બરફના થર જામે છે, પરંતુ જેવો વૈશાખ મહિનો બેસે કે આ બરફ પીગળીને ગંગા નદીના રૂપે મેદાન વિસ્તારમાં રહેતા લોકો માટે અમૃત જેવું પાણી લઇ આવે છે. આ જ ગાળામાં બરફ ઓછો થવાથી ગંગોત્રી-યમનોત્રી-કેદારનાથ- બદરીનાથ આ ચારધામના કપાટ પણ ખોલવાનું શક્ય બને છે. યાત્રાળુઓને પીવા અને સ્નાન કરવા માટે પૂરતું પાણી મળી રહે એ માટે હિમાલય પણ કેવો આ ઉનાળામાં પીગળવા માંડે છે અને ગંગા નદીનું રૂપ ધારણ કરીને લોકોનાં તન-મનને પુલકિત કરી દે છે.
ગંગા નદીનું પાણી પવિત્ર ગણાય છે એ માટે એમ કહેવાય છે કે આ એક જ નદી એવી છે જેમાં બે વાર અમૃત કુંભમાંથી ટીપાં પડ્યાં હતાં. એક વાર હરિદ્વારમાં અને બીજી વાર પ્રયાગરાજમાં. જ્યારે અન્ય નદીઓ ક્ષિપ્રા અને ગોદાવરીમાં એક જ ટીપું પડ્યું હતું. ગંગા નદીનું પાણી એટલે જ ઔષધિની ગરજ સારે છે. વિજ્ઞાનની દૃષ્ટિએ જોઇએ તો હિમાલય જેવી જડીબુટ્ટીઓવાળી ભૂમિ સાથે ઘસડાઇને આવતી ગંગા પોતાની સાથે અનેક ખનિજોને પણ ભેળવતી આવે છે. ગંગા નદીમાં ગંધક પણ પર્યાપ્ત પ્રમાણમાં હોવાથી આ પાણીમાં ક્યારેય બગાડ નથી થતો.
ગંગા નદીમાં ફેજબેક્ટેરિયા નામક જીવાણુ પણ હોય છે જે પાણીમાં રહેલા હાનિકારક જંતુઓનો નાશ કરીને પોતાનું પેટ ભરતા રહે છે. વાતાવરણમાંથી પ્રાણવાયુ શોષી લેવાની ક્ષમતા પણ ગંગા નદીમાં અધિક છે. આ જ કારણસર ગંગા નદીનું પાણી ક્યારેય બગડતું નથી. લોકો આજે પણ ગંગાજળ ભરેલો તાંબા કે પિત્તળનો લોટો પોતાના ઘરે રાખી મૂકે છે અને કોઇ તહેવાર કે પ્રસંગે પૂજાસ્થળ પર છાંટીને સ્થાન પવિત્ર કરે છે.
પવિત્ર હોવું એ શુદ્ધ હોવા કરતાં પણ વિશેષ ગુણ છે. જે પોતે તો શુદ્ધ હોય પણ એના સંસર્ગમાં આવનારને પણ શુદ્ધ કરે તેને પવિત્ર કહેવાય. ગંગા નદી પોતે તો શુદ્ધ છે, પણ તેનું પાન અને સ્નાન કરવાથી માણસોનાં તન-મન પણ શુદ્ધ બને છે એટલે જ તેને પવિત્ર કહેવામાં આવે છે. ભારતમાં અંગ્રેજોની સત્તા હતી ત્યારે નેલ્સન નામના એક ડૉક્ટરે નોંધ્યું હતું કે ભારતથી જે જહાજ લંડન જતાં એમાં પીવાના પાણી તરીકે ગંગા નદીનું પાણી ભરવામાં આવતું એ દિવસો સુધી બગડતું નહોતું, પણ વળતા પ્રવાસમાં લંડનથી જે પાણી ભરવામાં આવતું તે અધવચ્ચે જ બગડી જતું હતું એટલે વચ્ચેનાં બંદરોએથી ફરી ભરવામાં આવતું. બીજા એક મેક્ગિલ યુનિવર્સિટીના ડૉક્ટર હેરિસ્ટને અનેક પ્રયોગો બાદ જાહેર કર્યું હતું કે કૉલેરા, કમળો, મરડો અને અતિસારના જંતુઓનો ગંગાના પાણીમાં સફાયો થઇ જાય છે.
આજે માનવ વસતિ વધવાથી અને ઔદ્યોગિક કચરો આ નદીમાં ઠલવાતો હોવાથી કાનપુર જેવાં અનેક શહેરો કે નગરી નજીક ગંગા નદી પ્રદૂષિત જણાય, પરંતુ ગંગોત્રીથી લઇ દેવપ્રયાગ સુધીનું પાણી આજે પણ તમને કંચન જેવું ચોખ્ખું અને કીટાણુથી મુક્ત જોવા મળશે. ઉનાળુ વેકેશનમાં પરિવાર સહિત ગંગા નદીના કિનારે આવેલાં તીર્થસ્થળોની મુલાકાત લઇ ધન્ય બની શકાય અને એ જો શક્ય ન હોય તો ઘરે જે પાણીથી સ્નાન કરીએ છીએ એ દરમ્યાન પણ ગંગા નદીના શ્ર્લોક બોલી, એ બહાને તેનું સ્મરણ કરીને પણ ગંગાના અવતરણ દિવસને મનાવી શકાય.