ગાંધીનગરની કનેક્ટિવિટી શતાબ્દી એક્સપ્રેસને ફળી
ચાર મહિનામાં ૩.૨૦ લાખ પ્રવાસીએ કર્યો પ્રવાસ, કાયમી ધોરણે બે વિસ્ટાડોમ કોચ જોડાશે

ક્ષિતિજ નાયક
સ્ટેશન ટ્રેન નં. એક્ઝિક્યુટિવ કાર અનુભૂતિ ચેર કાર
મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર ૧૨૦૦૯ ૧૭૩૨૮ ૬૭૭૦ ૧૩૧૬૩૧
ગાંધીનગર ૧૨૦૧૦ ૧૭૬૩૬ ૬૫૦૨ ૧૪૦૭૪૩
------
મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે દોડાવાતી સુપરફાસ્ટ શતાબ્દી એક્સપ્રેસને ગયા વર્ષે ડિસેમ્બરમાં ગાંધીનગર સુધી લંબાવ્યા પછી આ વર્ષનો વિસ્ટાડોમ કોચ જોડવાનો પ્રયોગ પણ સફળ રહ્યો છે. ગુરુવારથી આ ટ્રેનને કાયમી ધોરણેૅ જોડવાના નિર્ણયને કારણે આ ટ્રેન પ્રવાસીઓ માટે જ નહીં, પરંતુ પશ્ર્ચિમ રેલવે માટે કારગત નિવડી રહી હોવાનું જણાવાયું હતું.
૨૪ ડિસેમ્બર, ૨૦૨૧થી મુંબઈ (દેશની આર્થિક રાજધાની) અને ગાંધીનગર (ગુજરાતની રાજધાની)ની કનેક્ટિવિટી મળી હતી, ત્યાર બાદ પ્રવાસીઓમાં આ ટ્રેન સૌથી વધુ લોકપ્રિય બની હોવાનું કહેવાશે. જાન્યુઆરીથી એપ્રિલના ચાર મહિનામાં શતાબ્દી એક્સપ્રેસ (મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર અને ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ)માં ૩.૨૦ લાખથી વધુ લોકોએ પ્રવાસ કર્યો હતો. અગાઉ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે શતાબ્દીને દોડાવાતી હતી, પરંતુ પ્રવાસીઓને ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આ ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવી હતી. ચાર મહિના (જાન્યુઆરીથી એપ્રિલ, ૨૦૨૨)માં ૩.૨૦ લાખથી વધુ પ્રવાસીએ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. બંને રાજધાની (મુંબઈ-ગાંધીનગર) વચ્ચે મર્યાદિત હોલ્ટ સ્ટેશનની સાથે લગભગ છથી સાત કલાકમાં મુંબઈથી ગાંધીનગર પણ પહોંચતી હોવાને કારણે લોકોની પહેલી પસંદગી શતાબ્દી એક્સપ્રેસ બની છે. મર્યાદિત હોલ્ટ સ્ટેશનની સાથે મુંબઈથી ગાંધીનગર વચ્ચેની ડાયરેક્ટ કનેક્ટિવિટીને કારણે હવે લોકો ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું પસંદ કરે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
વેકેશન તથા કોરોનાના નિયંત્રણો હળવાં કરવામાં આવ્યા પછી એકંદરે લોકોમાં ટ્રાવેલ કરવાનું પ્રમાણ વધ્યું છે, જેમાં શતાબ્દી જ નહીં, પરંતુ તેજસ એક્સપ્રેસમાં ટ્રાવેલ કરનારાની સંખ્યા વધી છે. જોકે, બંને દિશામાં દોડાવવામાં આવતી આ ટ્રેનમાં પ્રવાસીઓની ઓક્યુપન્સી લગભગ ૧૦૦ ટકાથી વધારે છે, જેમાં ચેરકાર (મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર)માં ૧૧૦ ટકાથી વધારે નોંધાઈ હતી. મુંબઈથી ગાંધીનગર વચ્ચેની શતાબ્દી એક્સપ્રેસ (૧૨૦૦૯)માં ૧.૫૫ લાખ પ્રવાસીએ ટ્રાવેલ કર્યો હતો, જ્યારે ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની શતાબ્દી એક્સપ્રેસ (૧૨૦૧૦)માં ૧.૬૪ લાખ પ્રવાસીએ મુસાફરી કરી હતી.
મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડાવાતી શતાબ્દી એક્સપ્રેસને ગાંધીનગર સુધી લંબાવી હોવાને કારણે ઉત્તર ગુજરાતના પ્રવાસીઓને લાભ થયો છે. એટલું જ નહીં, આ ટ્રેનની સ્પીડ પણ સૌથી વધુ છે, તેથી વેપારી તથા બિઝનેસ ક્લાસના પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું લાભદાયક છે. હાલના તબક્કે ભાડું વધારે વસૂલવામાં આવે છે, જ્યારે સુવિધામાં ક્યાંક ખામી હોય છે, જે દૂર કરવાનું જરૂરી છે. આમ છતાં વેપારી વર્ગ માટે આ ટ્રેનનો સમય પણ સારો છે, એમ મુંબઈના માજી નગરસેવક તથા પશ્ર્ચિમ રેલવેના પેસેન્જર એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ શાંતિલાલ જૈને ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું. મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વચ્ચેની શતાબ્દી એક્સપ્રેસ વચ્ચે આઠ જેટલા હોલ્ટ સ્ટેશન છે, જ્યારે આ ટ્રેનની સ્પીડ કલાકના ૮૦ કિલોમીટરની છે. આમ છતાં વૈતરણા અને વટવા વચ્ચે ટ્રેનની કલાકની ૧૩૦ કિલોમીટરની સ્પીડ છે. હાલના તબક્કે મુંબઈ-અમદાવાદ વચ્ચેની અમુક સુપરફાસ્ટ ટ્રેનોની સ્પીડ વધારવાની યોજના છે, જેમાં અમુક કામકાજ કરવામાં આવ્યા પછી આ ટ્રેનની સ્પીડ પણ વધારી શકાશે, એમ પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
શતાબ્દી એક્સપ્રેસને મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે પહેલી મે, ૧૯૯૪માં ચાલુ કરવામાં આવી હતી અને આ ટ્રેનને ૨૮ વર્ષ થયા છે, ત્યારે ટ્રેનમાં એક પછી એક નવા પ્રયોગ કરવામાં આવે છે. અગાઉ અનુભૂતિ કોચ પછી વિસ્ટાડોમ કોચ પણ જોડવામાં આવ્યો હતો. વધારે ભાડું/સુવિધા અને સુપરસ્પીડને કારણે પ્રવાસીઓ તરફથી નોંધપાત્ર પ્રતિક્રિયા મળી છે. એટલું જ નહીં, આ ટ્રેનને ગાંધીનગર સુધી એક્સટેન્ડ કરવાનો પ્રયોગ સફળ રહ્યો હોવાનું કહી શકાય, એમ અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર અને ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની શતાબ્દી એક્સપ્રેસમાં ચાર મહિના દરમિયાન આ પ્રમાણે લોકોએ પ્રવાસ કર્યો હતો. આ બંને ટ્રેનના મુખ્ય સ્ટેશનની સાથે ટ્રેન નંબર તથા કોચ પ્રમાણે પ્રવાસીઓની સંખ્યા આ પ્રમાણે હતી.
--------
મહિનામાં વિસ્ટાડોમમાં ૨,૦૦૦ પ્રવાસીનો પ્રવાસ:
આગામી સપ્તાહથી બે કોચ કાયમી ધોરણે જોડાશે
શતાબ્દી એક્સપ્રેસમાં વિસ્ટાડોમ કોચને નવમી એપ્રિલથી દસમી મે સુધી હંગામી ધોરણે જોડવામાં આવ્યો હતો, પરંતુ કોચમાં પ્રવાસીઓની વધતી મુસાફરીને ધ્યાનમાં રાખીને આ ટ્રેનમાં ગુરુવારથી કાયમી ધોરણે તથા આગામી મંગળવારથી વધુ એક વિસ્ટાડોમ કોચ જોડવામાં આવશે, તેથી શતાબ્દીમાં કાયમી ધોરણે બે કોચ રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
એક મહિના દરમિયાન મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વચ્ચેના વિસ્ટાડોમ (લક્ઝુરિયસ) કોચમાં ૧,૦૦૮ તથા ગાંધીનગરથી મુબંઈ સેન્ટ્રલ વચ્ચેની ટ્રેનમાં ૧,૦૫૦ જેટલા પ્રવાસીએ ટ્રાવેલ કર્યો હતો. અલબત્ત, આ બંને કોચની સરેરાશ પેસેન્જર ઓક્યુપન્સી અનુક્રમે ૧૦૯ ટકા તથા ૧૧૩ ટકા નોંધાઈ છે. વિસ્ટાડોમ કોચમાં ૪૪ પ્રવાસીની બેઠક વ્યવસ્થા છે, જ્યારે રિવોલ્વિંગ ચેર, કાચની છત, લોંગ વિન્ડો હોવાને કારણે પ્રવાસી બહારનો સુંદર નજારો જોઈ શકે છે. કોચમાં ઓબ્ઝર્વેશન લાઉન્જ પણ હોવાને કારણે પ્રવાસીઓને આ ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું ઘેલું લાગ્યું હોવાનું કહી શકાય, એમ અધિકારીએ જણાવ્યું હતું.
Comments

bhadri shiv
May 13, 2022
city center to city center very fast mode to travel hajji speed extra ni sagvadd thaay tethee AIR TRAVEL NO PARYAY BANE SAVES RS DLR CARBON TIME