માફી આપવી: ઈદી અમીનને માફ કરનાર વાસંતી મકવાણા વિશે તમે જાણો છો?

નવી સવાર-રમેશ તન્ના
ક્ષમાભાવના મોટામાં મોટી ભાવના છે. કોઈને માફ કરવા, ક્ષમા આપવી સહેજે સહેલી વાત નથી. માફી આપવી એ મોટામાં મોટી બહાદુરી છે. માફ કરવા એ અશક્તિ કે સહનશક્તિની બાબત નથી. એ પ્રચંડ શક્તિની બાબત છે, જેના કાળજામાં હિંમત હોય અને હૃદયમાં સંવેદના અને કરુણા હોય એ વ્યક્તિ જ માફી આપી શકતી હોય છે.
હમણાં કોર્ટે ચુકાદો આપીને સુરતમાં ગળું કાપીને ગ્રીષ્મા નામની યુવતીની હત્યા કરનાર ફેનિલને ફાંસીની સજા જાહેર કરી. ગ્રીષ્માનાં માતા વારંવાર કહેતાં હતાં કે મારી દીકરીના હત્યારાને ફાંસી જ થવી જોઈએ. તેમનો પરિવાર અને સમાજ પણ આ વાત સાથે સંપૂર્ણ સહમત હતો. જે નિર્મમ અને અમાનવીય રીતે આ દુર્ઘટના બની હતી તે જોતાં ચોક્કસ કોઈ પણ વ્યકિતને એવું મન થાય કે, હત્યારાને કડકમાં કડક સજા થવી જોઈએ. કેટલાક અપરાધ એવા હોય છે કે, માફ કરવાનું મન જ ના થાય. હત્યારાને રિબાવી રિબાવીને મારવાની ઈચ્છા થાય. એનાથી દાખલો પણ બેસે. બીજા આવો ગુનો કરતા અટકે.
આ એક વિચારસરણી છે. બીજી વિચારસરણી એવી છે કે, માફ કરો. ગમે તેવી ભૂલ થઈ હોય, ક્ષમા આપો. વેરથી વેર શમતું નથી. વેરથી વેર વધે છે. વેર એ એક પ્રકારનું ઝેર છે. એ ઝેર આજે નહીં તો કાલે સમાજને નડે જ છે. કવિ કલાપીએ કહ્યું છે કે,
હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી.
પાપી સામે નથી લડવાનું, પાપ સામે લડવાનું છે.
વર્ષો પહેલાં સદ્વિચાર પરિવારે ક્ષમા માટેની એક ઝુંબેશ કરી હતી. એક ભાઈએ કોઈની હત્યા કરેલી. તેને ફાંસી થઈ હતી. સદ્વિચાર પરિવારે હરિભાઈ પંચાલના નેજા હેઠળ જેની હત્યા થઈ હતી તેનાં ધર્મપત્નીને હત્યારાને માફી કરવા માટે સમજાવ્યાં હતાં. આ ક્ષમા માટેની ઝુંબેશ હતી. મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને ફાંસી આપવાનો તેમના દીકરા મણિલાલે વિરોધ કર્યો હતો. ગાંધીજીને પોતાને હત્યારાને માફ કરાયો હોત તો ગમ્યું હોત.
આવું અનેક વાર બનતું હોય છે. એક ઓછો જાણીતો કિસ્સો વાસંતી મકવાણાનો છે. જાણીએ.
વર્ષો પહેલાં પોરબંદરના સાગરકાંઠાના એક નાનકડા ગામનો દલિત યુવક એક કંપનીના મજૂર તરીકે સામાન ઊચકવા જહાજમાં બેસી આફ્રિકા ગયો હતો. એ યુગાન્ડામાં રોકાઈ ગયો. પોતાની પત્નીને પણ તેણે યુગાન્ડા બોલાવી લીધી. એ દલિત દંપતીને જે બાળક જન્મ્યું તે યુગાન્ડાનું નાગરિક બન્યું. થોડું ભણીને એ બાળક-પુત્ર દલિત સમાજમાંની એક ક્ધયાને પરણ્યો. તેને બે-ત્રણ બાળકો થયાં.
૧૯૭૨માં યુગાન્ડામાં ક્રૂર સરમુખત્યાર ઈદી અમીનનું શાસન આવ્યું. તેણે રાતોરાત આફ્રિકન સિવાયની તમામ પ્રજાની માલમિલકતોને લૂંટી લીધી. ચોમેર હત્યાચાર હતો. બિનઆફ્રિકન લોકો પહેરેલા કપડે ભાગ્યા. એમાં ભારતીય, પાકિસ્તાની અને બંગલાદેશી લોકો હતા. યુગાન્ડાના હબસી લશ્કરે એશિયનો પર પારાવાર અત્યાચારો કર્યા હતા. કેટલાક ભારતીયો ભારતમાં આવ્યા તો કેટલાકને ઈંગ્લેન્ડે નિરાશ્રિતો તરીકે સ્વીકારીને કેમ્પમાં રાખ્યા.
પેલું દલિત દંપતી કુમળી વયની દીકરી વાસંતી મકવાણા સાથે રેફ્યુજી કેમ્પમાં રહી. બ્રિટિશ સરકારે તેમને સાચવ્યાં. યુરોપિયન મિશનરીઓની મદદથી વિસ્થાપિત શરણાગતિઓને સારું જીવન જીવવાની સગવડ આપવામાં આવી. પરિવારનાં નાનાં બાળકોને જુદી શાળાઓ અને બીમાર વૃદ્ધો માટે અલગ હૉસ્પિટલોની વ્યવસ્થા કરવામાં આવી.
કાળનું ચક્ર ફર્યું. વર્ષો પછી ઈદી અમીનના સરમુખત્યાર શાસનનો કરુણ અંત આવ્યો. કર્મો કોઈને છોડતાં નથી. ઈદી અમીન કિડનીની જીવલેણ બીમારીમાં સપડાયો. સાઉદી અરેબિયાની અદ્યતન હૉસ્પિટલમાં વીઆઈપી પેશન્ટ તરીકે તે દાખલ થયો. તેને બચાવવા ખૂબ રૂપિયા ખર્ચાયા. શોધ કરાઈ કે વિશ્ર્વમાં જે સર્વોત્તમ કિડની સ્પેશિયાલિસ્ટ હોય તેને તાત્કાલિક બોલાવો.
વિશ્ર્વની શ્રેષ્ઠ મહિલા કિડની સ્પેશિયાલિસ્ટ એટલે વાસંતી મકવાણા. કોણ આ વાસંતી મકવાણા ? ઈદી અમીને સત્તાના મદમાં જે ૭૦ હજાર પરિવારોને તગેડી મૂક્યા હતા તેમાંના એક દલિત પરિવારની બાર વર્ષની ઉંમરે યુગાન્ડામાંથી કાઢી મુકાયેલી દલિત દીકરી. એ ઈંગ્લેન્ડમાં ભણી અને ડૉક્ટર બની. વધુ ભણવા
કૅનેડા ગઈ. ત્યાં સેટ થઈ. તેણે સાઉદી અરેબિયાની વિખ્યાત હૉસ્પિટલમાં આવીને તાબડતોબ ઈદી અમીનનું અતિ જોખમી હિમોડાયાલિસિસ કર્યું. તેમને વધુ સારવાર માટે કૅનેડાની અદ્યતન હૉસ્પિટલમાં
શિફ્ટ કર્યા. કરોડો રૂપિયા ફી થાય, પરંતુ એક પણ રૂપિયો લીધા વિના વાસંતી મકવાણાએ તેની શ્રેષ્ઠ સારવાર કરી.
થોડા સાજા થયા પછી ઈદી અમીને વાસંતી મકવાણાનો આભાર માન્યો. બે હાથ જોડીને કહ્યું કે તમારા કારણે જ હું નવા શ્ર્વાસ લઈ શકું છું. તમારી ફી લો. વાસંતી મકવાણા એ સામે બે હાથ જોડીને કહ્યું કે, ‘જે વ્યક્તિએ સત્તાના મદ અને ગુમાનમાં બહેંકી જઈને મારાં માતા-પિતાને અન્ન-પાણી વગર સરહદ પર ભટકતા કર્યા હતા. તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતાં હતાં. જો તમને એ બાબતનો પસ્તાવો થાય અને તમે માફી માગો એ જ મારી ફી. મારાં મા-બાપ અને દાદા-દાદી તો આ આઘાતમાં જ સમય જતાં મૃત્યુ પામ્યા હતા. તેઓનો આત્મા તમને માફ કરશે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું ભારતની ગુજરાતની સુદામાપુરી, પોરબંદરની છું. પોરબંદર એટલે મહાત્મા ગાંધીની જન્મભૂમિ. હું એ ધરતીનું લોહી છું. મેં તમને સાચા દિલથી માફ કરી દીધા છે. મેં તો એક લાચાર અને જીવલેણ રોગથી પીડિત દર્દીની સેવા કર્યાનું પુણ્ય મેળવ્યું છે. હું બદલાની વેરભાવનામાં માનતી નથી. કારણ કે મેં હમણા જ બે વર્ષથી ભારતીય હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કર્યો છે. ભારતીય સંસ્કૃતિ કહે છે કે, કર્મો કોઈને છોડતાં નથી. તમને ખોટું લાગે તો માફ કરશો, પરંતુ અત્યારે તમે જે પીડા અનુભવી રહ્યા છો તેનું કારણ તમારાં કર્મો છે.
વાસંતીબહેનની આ વાત સાંભળીને વિશ્ર્વનો એ અતિ ભયંકર ક્રૂર અત્યાચારી શાસક ધ્રૂસકે ને ધ્રૂસકે પોકે પોકે રોઈ પડ્યો.
તો આ છે ક્ષમાભાવનાનું એક હૃદયસ્પર્શી પ્રકરણ.
------------------------
છાંયડો
મૃત્યુ પછી ચક્ષુદાન કરનારા પ્રહ્લાદજી શેઠે સમાજને જીવવાની એક નવી અને સાચી દૃષ્ટિ આપી હતી.