સપ્ટેમ્બર ૨૦૨૧થી માર્ચ ૨૦૨૨ દરમિયાન વિદેશી હૂંડિયામણની અનામતમાં ૨૮.૦૫ અબજ ડૉલરનો ઘટાડો: આરબીઆઈ
મુંબઈ: ગત માર્ચ મહિનાના અંતે દેશની વિદેશી હૂંડિયામણની અનામત ગત સાલ સપ્ટેમ્બર, ૨૦૨૧ના અંતે જે ૬૩૫.૩૬ અબજ ડૉલરના સ્તરે હતી તેની સામે ૨૮.૦૫ અબજ ડૉલરના ઘટાડા સાથે ૬૦૭.૩૧ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ એક અહેવાલમાં જણાવ્યું છે.
પારદર્શકતા અને ડિસ્ક્લોઝરનાં સ્તરને ધ્યાનમાં લેતા રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ તાજેતરમાં મેનેજમેન્ટ ઑફ ફોરેન એક્સચેન્જ રિઝર્વ અંગેના અર્ધવાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના છમાસિક ગાળામાં દેશની વિદેશી હૂંડિયામણની અનામત જે ગત સપ્ટેમ્બર, ૨૦૨૧ના અંતે ૬૩૫.૩૬ અબજ ડૉલરની સપાટીએ હતી તે ગત માર્ચ, ૨૦૨૨ના અંતે ૬૦૭.૩૧ અબજ ડૉલરના સ્તરે રહી છે.
આ અહેવાલ દર છ મહિને તૈયાર કરવામાં આવે છે જેમાં દરેક વર્ષે માર્ચ અને સપ્ટેમ્બર મહિનાના અંતની સમીક્ષા કરવામાં આવે છે અને ગત માર્ચ, ૨૦૨૨ની સમીક્ષાના અહેવાલની આ ૩૮મી શ્રેણી છે. સામાન્યપણે અમેરિકી ડૉલર અને યુરો ઈન્ટરવેન્શન કરન્સી છે અને વિદેશી ચલણી અસ્ક્યામતોની અનામત તમામ મુખ્ય ચલણોમાં જાળવવામાં આવે છે, પરંતુ તેનું મૂલ્યાંકન ડૉલરમાં કરવામાં આવે છે. વિદેશી ચલણી અસ્કયામતોમાં થતાં ફેરફાર મુખ્યત્વે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા દ્વારા થતા ચલણોની ખરીદી અને વેચાણ, વિદેશી હૂંડિયામણની અનામતથી થતી આવક, કેન્દ્ર સરકારની એક્સ્ટર્નલ ટ્રેડ રિસિપ્ટ અને અન્ય અસ્ક્યામતોનાં પુન: મૂલ્યાંકનો પર અવલંબિત હોય છે. રિઝર્વ બૅન્કના અહેવાલ અનુસાર ગત માર્ચ, ૨૦૨૨ના અંતે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં રિઝર્વ બૅન્કની નેટ ફોરવર્ડ એસેટ્સ ૬૫.૭૯ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. તેમ જ ગત ડિસેમ્બર, ૨૦૨૧ના અંતે દેશની વિદેશી હૂંડિયામણની અનામત (બેલેન્સ ઑફ પેમેન્ટને આધારે) જે સપ્ટેમ્બર, ૨૦૨૧ના અંતે ૧૪.૬ મહિના જેટલી આયાત આવરી લેતી હતી તેની સામે ઘટીને ૧૩.૧ મહિના જેટલી આયાતને આવરે તેટલી રહી હતી.
વધુમાં ગત માર્ચ, ૨૦૨૨ના અંતે ૧.૦૮ ટનની ગોલ્ડ ડિપોઝીટ સહિત દેશની સોનાની અનામત ૭૬૦.૪૨ ટનની સપાટીએ રહી હોવાનું અહેવાલમાં જણાવતા ઉમેર્યું હતું કે ૪૫૩.૫૨ ટન સોનું દરિયાપારની બૅન્ક ઑફ ઈંગ્લેન્ડની સેફ કસ્ટડીમાં છે અને સ્થાનિકમાં બૅન્ક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સપાસે ૨૯૫.૮૨ ટન સોનું છે. જોકે, દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં મૂલ્યની દૃષ્ટિએ સોનાનો હિસ્સો જે ગત સપ્ટેમ્બર, ૨૦૨૧ના અંતે ૫.૮૮ ટકા હતો તે માર્ચ,૨૦૨૨ના અંતે વધીને ૭.૦૧ ટકાના સ્તરે રહ્યો હોવાનું અહેવાલમાં ઉમેર્યું હતું.
રિઝર્વ બૅન્કના અહેવાલ અનુસાર ગત માર્ચ, ૨૦૨૨ના અંતે કુલ ૫૪૦.૭૨ અબજ ડૉલરની વિદેશી ચલણી અસ્ક્યામતો પૈકી સિક્યોરિટીઝમાં ૩૬૩.૦૩ અબજ ડૉલરનું રોકાણ કર્યું હતું.