સતત ત્રીજા સત્રમાં સેન્સેક્સ ૬૩૪ પૉઈન્ટ ગબડીને ૬૦,૦૦૦ની અંદર

મુંબઈ: વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ આજે સતત ત્રીજા સત્રમાં પણ ખાસ કરીને આઈટી, એનર્જી અને ફાઈનાન્સ ક્ષેત્રના શૅરોમાં વેચવાલીનું દબાણ રહેતાં ઑલ ફોલ ડાઉનનું વલણ જળવાઈ રહ્યું હતું, જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૬૩૪.૨૦ પૉઈન્ટના ઘટાડા સાથે ૬૦,૦૦૦ની અંદર લપસી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં વધુ ૧૮૧.૪૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ બીએસઈ ખાતે સતત ત્રણ સત્રના ધોવાણમાં રોકાણકારોની સંપત્તિ અર્થાત્ બીએસઈ પર લિસ્ટેડ શૅરોનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૬,૮૦,૪૪૧ કરોડ ઘટીને ૨,૭૩,૨૧,૯૯૬.૭૧ કરોડની સપાટીએ રહ્યું હતુ.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૦,૦૯૮.૮૨ના બંધ સામે સાધારણ નરમાઈ સાથે ૬૦,૦૪૫.૪૮ની સપાટીએ ખૂલ્યો હતો. જોકે, આજે સત્રના આરંભથી જ વેચવાલીનું દબાણ રહેતાં સત્ર દરમિયાન ઊંચી સપાટી ખૂલતી સપાટી જ રહી હતી, જ્યારે નીચામાં ૫૯,૦૬૮.૩૧ સુધી ગબડ્યા બાદ અંતે ગઈકાલના બંધથી ૬૩૪.૨૦ પૉઈન્ટ અથવા તો ૧.૦૬ ટકાના ઘટાડા સાથે ૬૦,૦૦૦ની અંદર ઊતરીને ૫૯,૪૬૪.૬૨ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે આજે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૭,૯૩૮.૪૦ના બંધ સામે નરમાઈના ટોને ૧૭,૯૨૧ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૧૭,૬૪૮.૪૫ અને ઉપરમાં ૧૭,૯૪૩.૭૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૮૧.૪૦ પૉઈન્ટ અથવા તો ૧.૦૧ ટકા ઘટીને ૧૭,૭૫૭ની સપાટીએ બંધ રહ્યો હતા
વૈશ્ર્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં થઈ રહેલા વધારા સાથે ફુગાવામાં વૃદ્ધિ થવાની ચિંતા તેમ જ અમેરિકી ફેડરલ રિઝર્વ આક્રમક ધોરણે વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિને કારણે સતત ત્રીજા સત્રમાં નરમાઈનું વલણ જોવા મળ્યું છે. આ ઉપરાંત બૉન્ડની યિલ્ડમાં વધારો થઈ રહ્યો હોવાથી અને ભારતીય બજારમાં વૅલ્યુએશન્સ ઊંચા હોવાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી ગબડતી બજારને ઢાળ આપી રહી છે અને રોકાણકારોનો વિશ્ર્વાસ ગુમાવી રહી હોવાથી તાજેતરમાં જાહેર થયેલા સારા કોર્પોરેટ પરિણામોની બજાર પર ખાસ અસર જોવા ન મળતી હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
હાલ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પીછેહઠ જોવા મળી રહી છે અને ઘટાડો અટકાવે તેવા કોઈ સ્થાનિક પરિબળો ન હોવાથી હજુ કરેક્શન આગળ ધપે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં નિફ્ટી ૧૭,૬૦૦ આસપાસ અટકે તેમ જણાય છે, એમ રેલિગેર બ્રોકિંગ લિ.ના રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડૅન્ટ અજીત મિશ્રાએ જણાવતા ઉમેર્યું હતું કે પરિણામોની મોસમમાં ટ્રેડરો માટે બજારની ચંચળતાનો સામનો કરવો એક પડકાર છે. આથી અમારા મતે ટ્રેડરોએ બજારમાં સુધારો ન આવે ત્યાં સુઘી હેજ માટેના અન્ય વિકલ્પો તરફ નજર દોડાવવી જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી માત્ર સાત શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા, જ્યારે ૨૩ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૪.૫૭ ટકાનો ઘટાડો બજાજ ફિનસર્વમાં જોવા મળ્યો હતો. આ સિવાય ઈન્ફોસિસમાં ૨.૩૩ ટકાનો, ટીસીએસમાં ૨.૨૫ ટકાનો, સન ફાર્મામાં ૨.૨૦ ટકાનો, હિન્દુસ્તાન યુનીલિવરમાં ૨.૧૩ ટકાનો અને ડૉ. રેડ્ડીઝ લૅબમાં ૨.૦૫ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે વધનાર સાત શૅરોમાં પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૪.૮૬ ટકાનો, ભારતી એરટેલમાં ૧.૬૦ ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં ૦.૮૧ ટકાનો, મારુતિ સુઝુકીમાં ૦.૩૫ ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૦.૩૧ ટકાનો, આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૦.૨૦ ટકાનો અને એનટીપીસીમાં ૦.૦૪ ટકાનો ઘટાડો આવ્યો હતો. આજે સેક્ટર અનુસાર બીએસઈ આઈટી, ટેક્નોલૉજી, એનર્જી, હૅલ્થકૅર અને એફએમસીજી ઈન્ડેક્સમાં ૧.૬૯ ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો, જ્યારે પાવર, યુટિલિટી, મેટલ અને રિયલ્ટી ઈન્ડેક્સમાં સુધારો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૦૭ ટકાનો ઘટાડો આવ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૦૫ ટકાનો સુધારો આવ્યો હતો.