પ્રજાસત્તાક દિનની પરેડમાં આ વરસે પ્રથમ જ વખત ગ્રાન્ડ ફ્લાયપાસ્ટ,૧૦ સ્ક્રોલ, ૧૦ એલઈડી સ્ક્રીન જોવા મળશે
નવી દિલ્હી: આ વરસે પ્રજાસત્તાક દિનની પરેડ નિમિત્તે પ્રથમ જ વખત ભારતીય હવાઈ દળના ૭૫ વિમાનની ફ્લાયપાસ્ટ, રાષ્ટ્રવ્યાપી સ્પર્ધા યોજીને પસંદ કરવામાં આવેલા ૪૮૦ નૃત્યકારોનો સાંસ્કૃતિક કાર્યક્રમ, ૭૫ મીટર લંબાઈ ધરાવતા અને ૧૫ ફૂટ ઊંચા ૧૦ સ્ક્રોલ, ૧૦ મોટી એલઈડી સ્ક્રીન જોવા મળશે, એમ સંરક્ષણ ખાતાએ બુધવારે
કહ્યું હતું.
દેશની સ્વતંત્રની ૭૫મી વર્ષગાંઠેે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના નામે દેશભરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે, એમ સંરક્ષણ ખાતા દ્વારા મંગળવારે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
પરેડના જે હિસ્સાની આતુરતાપૂર્વક રાહ જોવાય છે તે ફ્લાયપાસ્ટમાં પ્રથમ જ વખત ભારતીય હવાઈ દળનાં ૭૫ વિમાન એકસાથે આકાશમાં જુદા જુદા ફૉર્મેશન બનાવતા
જોવા મળશે.
ફ્લાયપાસ્ટ દરમિયાન કૉકપિટ વિડિયો દેખાડવા ભારતીય હવાઈ દળે પ્રથમ જ વખત ‘દૂરદર્શન’ સાથે હાથ મિલાવ્યો છે.
રફાલ, સુખોઈ, જગુઆર, એમઆઈ-૧૭, સારંગ, અપાચે અને ડાકોટા સહિતનાં વિન્ટેજ તેમ જ અત્યાધુનિક વિમાનો ફ્લાયપાસ્ટ દરમિયાન વિવિધ ડિઝાઈન બનાવશે.
૭૫ મીટરની લંબાઈ અને ૧૫ ફૂટ ઊંચાઈ ધરાવતા ૧૦ સ્ક્રોલ પ્રથમ જ વખત પરેડ દરમિયાન રાજપથ પર ઠેરઠેર ગોઠવેલા
જોવા મળશે.
પરેડનું જીવંત પ્રસારણ કરવા અને પરેડ વધુ સારી રીતે દર્શાવી શકાય તે માટે રાજપથની બંને તરફ પાંચ એમ કુલ ૧૦ મોટા સ્ક્રીન ગોઠવવામાં આવશે. (એજન્સી)