આતંકવાદી કૃત્યો માટે ભંડોળ પૂરું પાડવા બદલ છોટા શકીલના નિકટના બે સાગરીતની ધરપકડ
પકડાયેલા આરોપી દાઉદની ક્રાઈમ સિન્ડિકેટનું સંચાલન કરતા હોવાનો એનઆઈએનો દાવો

દાઉદ ઈબ્રહિમ (ડી-કંપની)ની ગૅંગના કથિત બે સભ્યની ધરપકડ કરવામાં આવ્યા પછી એનઆઈએ (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)ના અધિકારીઓએ શુક્રવારે તેમને સ્પેશિયલ કોર્ટમાં હાજર કર્યા હતા. (પીટીઆઈ)
--------
મુંબઈ: મુંબઈનાં પશ્ર્ચિમી પરાઓમાં ત્રાસવાદી કૃત્યો માટે ભંડોળ પૂરું પાડવા સહિત ભાગેડુ અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમની ક્રાઈમ સિન્ડિકેટની આર્થિક લેવડદેવડ અને ગેરકાયદે પ્રવૃત્તિઓનું કથિત રીતે સંચાલન કરવામાં સંડોવાયેલા ગૅન્ગસ્ટર છોટા શકીલના નિકટના બે સાગરીતની એનઆઈએએ ધરપકડ કરી હતી.
નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ ગુરુવારે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ આરીફ અબુબકર શેખ (૫૯) અને શબ્બીર અબુબકર શેખ (૫૧) તરીકે થઈ હતી.
દાઉદ ઈબ્રાહિમની સિન્ડિકેટ ડી-કંપની વિરુદ્ધના કેસની તપાસ કરી રહેલી એનઆઈએએ આરીફની ગોરેગામ પશ્ર્ચિમ અને શબ્બીરની મીરા રોડથી ધરપકડ કરી હતી. બન્ને આરોપી ગૅન્ગસ્ટર છોટા શકીલના નિકટના સાગરીતો હોવાનું અને દાઉદ દ્વારા ચલાવાતા કાર્ટેલ સાથે સંડોવાયેલા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ડી-કંપનીની ગેરકાયદે પ્રવૃત્તિઓમાં પણ બન્ને આરોપીની સંડોવણી હોવાનું તપાસમાં જણાયું હતું.
ઉપરાંત, મુંબઈના પશ્ર્ચિમી પરાંમાં આતંકવાદી કૃત્યો માટે ભંડોળ પૂરું પાડવામાં પણ બન્ને સંડોવાયેલા હોવાનું એનઆઈએનું કહેવું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં મુંબઈ અને મીરા રોડમાં અનેક સ્થળે દરોડા પાડી એનઆઈએએ અનેક શકમંદોને તપાસ માટે તાબામાં લીધા હતા.
એનઆઈએની શકમંદોની લિસ્ટમાં આરીફ અને શબ્બીર પણ હતા. ડી-કંપની સાથે કથિત રીતે કડી ધરાવવા બદલ તેમને તાબામાં લેવાયા હતા, એવું સૂત્રોનું કહેવું છે.
તપાસ દરમિયાન એનઆઈએની ટીમને જાણવા મળ્યું હતું કે આરીફ અને શબ્બીરે છોટા શકીલ સાથે અમુક આર્થિક વ્યવહાર કર્યા હતા, જેને પગલે તેમની ધરપકડ કરવામાં આવી હતી, એવું અધિકારીએ જણાવ્યું હતું.
એનઆઈએએ ૩ ફેબ્રુઆરીના રોજ દાઉદ ઈબ્રાહિમની ક્રાઈમ સિન્ડિકેટ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ જ કેસની તપાસ દરમિયાન એનઆઈએએ સોમવારે દાઉદના સાગરીતો સંબંધિત મુંબઈ અને મીરા રોડનાં ૨૯ સ્થળે દરોડા પાડ્યા હતા અને છોટા શકીલના સાગરીત સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રૂટને તાબામાં લીધો હતો. (પીટીઆઈ)ઉ