લાતુરમાં તળાવમાં ડૂબી જવાથી પાંચ મહિલાનાં મોત
લાતુર: કપડાં ધોવા માટે તળાવ પર ગયેલી પાંચ મહિલાના ડૂબી જવાથી મોત થયાં હોવાની ઘટના લાતુરમાં બની હતી. તળાવમાં ડૂબેલી પાંચેય મહિલા પરભણીના પાલમ તાલુકાના રહેવાસી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
મૃતકોની ઓળખ રાધાબાઇ ધોંડિબા આડે, કાજલ ધોંડિબા આડે, અરૂણા ગંગાધર રાઠોડ, દિક્ષા ધોંડિબા આડે અને સુષમા સંજય રાઠોડ તરીકે થઇ હતી. શેરડી કાપવાના કામ માટે તેઓ જણ પાંચ મહિના પહેલા પરભણીથી અહમદપુર તાલુકામાં આવી હતી. શનિવારે સવારે પાંચેય મહિલા કપડાં ધોવા માટે તુળશીરામ તાંડા ખાતેના તળાવ પર ગઇ હતી. કપડાં ધોતી વખતે એક મહિલાનો પગ લપસતાં તે પાણીમાં પડી હતી અને ડૂબવા લાગી હતી. તેને બચાવવા માટે બાકીના ચાર મહિલાએ પણ પાણીમાં ઝંપલાવ્યું હતું. જોકે તરતા આવડતું ન હોવાથી પાંચેય મહિલા પાણીમાં ડૂબી ગઇ હતી. તેમને ડૂબતા જોઇ ત્યાં હાજર ૧૦ વર્ષના બાળકે બૂમાબૂમ કરી મૂકી હતી, જેને પગલે ગામવાસીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પાંચે જણને બહાર કાઢ્યા બાદ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવી હતી.