જામીન માટે ખોટી શ્યોરિટીની વ્યવસ્થા કરવા બદલ વકીલ સહિત પાંચની ધરપકડ
થાણે: જામીન અપાવવા માટે ખોટી રીતે શ્યોરિટી ઊભી કરવામાં મદદ કરવા બદલ થાણે પોલીસે વકીલ સહિત પાંચ જણની ધરપકડ કરી હોવાનું અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.
આરોપીને જામીન પર છોડ્યા પછી તેણે જ્યારે પણ કોર્ટમાં હાજર રહેવાનું આવશ્યક હોય ત્યારે તે હાજર રહે તેની જવાબદારી શ્યોરિટી આપનારી વ્યક્તિ લે છે. શ્યોરિટી આપનારી વ્યક્તિને સામાન્ય રીતે તેમની ઓળખ અને સરનામું સિદ્ધ કરવા માટે દસ્તાવેજો પૂરા પાડવાનું કહેવામાં આવે છે.મળેલી માહિતીને આધારે પોલીસે કલ્યાણ સેશન્સ કોર્ટ ખાતે છટકું ગોઠવી વકીલ રફીક અબ્દુલ સત્તાર શેખ (૫૪) સહિત જયપાલ જોગિરી (૪૪), સંતોષ મૌર્યા (૩૪), મોહમ્મદ હબીબ મોહમ્મદ રફીક હાશમી (૫૪) અને ચંદુ ઉર્ફે ચંદ્રકાંત ખામકર (૫૦)ની ધરપકડ કરી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીને જામીન અપાવવા માટે એડ્વોકેટ શેખ બોગસ શ્યોરિટીની વ્યવસ્થા કરતો હતો, જેના માટે તે છ હજાર રૂપિયા ફી લેતો હતો. હાશમીના પુત્રની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને જામીન પર છોડાવવા માટે તે શ્યોરિટીની ગોઠવણ કરી રહ્યો હતો.
મુંબઈ મહાનગરપાલિકામાં કામ કરતા જોગિરી અને મૌર્યા શ્યોરિટી માટે તૈયાર થયા હતા. એડ્વોકેટ શેખે તેમના માટે ખામકર પાસેથી બનાવટી રેશન કાર્ડ કથિત રીતે પ્રાપ્ત કર્યાં હતાં. પાંચેય વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦ અને ૪૬૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે અનેક બોગસ આઈડી કાર્ડ્સ અને અન્ય બનાવટી દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા. (પીટીઆઈ)