પ્રિયંકા પણ યુપીમાં કૉંગ્રેસને ના જીતાડી શકે

એકસ્ટ્રા અફેર - રાજીવ પંડિત
ઉત્તર પ્રદેશ સહિતનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામી ગયો છે. આ પાંચ રાજ્યો પૈકી સૌથી જોરદાર જંગ ઉત્તર પ્રદેશમાં છે કેમ કે ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે. લોકસભાની ૮૦ બેઠકો ઉત્તર પ્રદેશમાં છે તેથી ઉત્તર પ્રદેશમાં જીતે એ પક્ષ કેન્દ્રમાં સરકાર રચે એ સમીકરણ વરસોથી ચાલે છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની પણ ૪૦૩ બેઠકો છે. દેશના કોઈ રાજ્યમાં ના હોય એટલી વિધાનસભા બેઠકો એકલા યુપીમાં છે તેના કારણે પણ યુપી પર સૌની નજર છે. ઉત્તર પ્રદેશમાં અત્યારે ભાજપનો મુખ્ય જંગ સમાજવાદી પાર્ટી સામે છે. સપા યાદવ પરિવારની બાપીકી પેઢી છે તેથી અખિલેશ યાદવ મુખ્યમંત્રીપદના ઉમેદવાર છે.
ભાજપમાં પણ યોગી આદિત્યનાથે મુખ્યમંત્રીપદનાં પાંચ વર્ષ પૂરાં કર્યાં છે ને હિંદુવાદી નેતા તરીકેની ધાક જમાવી દીધી છે તેથી યોગી જ મુખ્યમંત્રીપદના દાવેદાર છે. અત્યારે યુપીમાં જે સમીકરણો છે એ જોતાં મુખ્ય જંગ અખિલેશ યાદવ અને યોગી વચ્ચે છે એવું લાગે છે. એક સમયે બહજુન સમાજ પાર્ટીનાં માયાવતી ઉત્તર પ્રદેશના રાજકારણનાં મોટાં ખેલાડી મનાતાં હતાં પણ આશ્ર્ચર્યજનક રીતે આ વખતે માયાવતી સાવ શાંત છે. શાંત પાણી ઊંડાં હોય એવું કહેવાય છે એ જોતાં માયાવતી અંદરખાને સોગઠાં ગોઠવી રહ્યાં હોય એ શક્ય છે. જો કે તેની ખબર પરિણામો આવે ત્યારે જ પડે પણ અત્યારે તો માયાવતી ચિત્રમાં લાગતાં નથી ને મુખ્ય જંગ અખિલેશ વર્સીસ યોગીનો લાગી રહ્યો છે.
હવે અચાનક જ પ્રિયંકા ગાંધી કૂદ્યાં છે ને અતિ ઉત્સાહી કૉંગ્રેસીઓએ પ્રિયંકા ગાંધી યુપીનાં મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર બને એવું કોરસ શરૂ કરી દીધું છે. પ્રિયંકા મેદાનમાં આવશે તો યુપીમાં કૉંગ્રેસની સરકાર રચાશે એવી વાતો પણ શરૂ થઈ ગઈ છે. પ્રિયંકા ગાંધીએ પણ એ વાતનો ઈનકાર કર્યો નથી એ જોતાં પ્રિયંકા પણ મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર બનીને ચૂંટણીના મેદાનમાં કૂદવા થનગની રહ્યાં હોય એવું બને. પ્રિયંકા ખરેખર મેદાનમાં આવશે કે નહીં એ નક્કી નથી ને પ્રિયંકા સત્તાવાર રીતે એવી જાહેરાત કરે નહીં ત્યાં લગી કશું કહેવાય નહીં પણ પ્રિયંકા ખરેખર એવી જાહેરાત કરે તો યુપીનો જંગ રસપ્રદ ચોક્કસ બને. તેનું કારણ એ કે, નહેરૂ-ગાંધી ખાનદાનમાંથી કોઈ વ્યક્તિ હજુ સુધી રાજ્યના રાજકારણમાં આવી નથી. આ ખાનદાન રાષ્ટ્રીય રાજકારણમાં જ સક્રિય છે. નહેરૂ-ગાંધી ખાનદાને દેશને ત્રણ વડા પ્રધાન આપ્યા છે પણ કોઈ રાજ્યમાં નહેરૂ-ગાંધી ખાનદાનની વ્યક્તિ મુખ્યમંત્રી બની નથી. બલકે એવો પ્રયત્ન પણ કોઈએ કર્યો નથી એ જોતાં પ્રિયંકા એવો પ્રયત્ન કરે એ વાત પણ મોટી કહેવાય.
અલબત્ત કૉંગ્રેસીઓ જે રીતે કૂદાકૂદ કરી રહ્યા છે એ રીતે પ્રિયંકા મેદાનમાં ઊતરે તો કોંગ્રેસની સરકાર રચાઈ જાય એ વાત હજમ થાય એવી નથી. કૉંગ્રેસીઓ માટે તો નહેરૂ-ગાંધી ખાનદાન માઈ-બાપ છે એટલે એ લોકો ભલે એવી બધી વાતો કરે પણ આ વાતો સાવ અવાસ્તવિક છે. રાજકારણમાં ગમે ત્યારે ગમે તે બની શકે એવું સ્વીકારવું જોઈએ. રાજકારણ અનિશ્ર્ચિતતાનો ખેલ છે પણ યુપીમાં કૉંગ્રેસની સરકાર રચાય એટલી અનિશ્ર્ચિતતાનો પણ ખેલ નથી. યુપીમાં સાવ શાંત બેઠેલાં માયાવતીની બસપા ચમત્કાર કરી જાય એવું બને પણ કોંગ્રેસ એવો ચમત્કાર કરવાની સ્થિતિમાં જ નથી. તેની પાસે એ તાકાત પણ નથી.
ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસની હાલત જોતાં પ્રિયંકા કૉંગ્રેસને પચ્ચીસ બેઠકોને પાર કરાવે તો પણ એ મોટી સિદ્ધિ ગણાશે.
અત્યારે ઉત્તર પ્રદેશમાં જે રાજકીય માહોલ છે એ જોતાં કમ સે કમ એક દાયકા લગી તો ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ સરકાર બનાવી શકે તેવા કોઈ અણસાર નથી. આપણે ત્યાં લોકો મતદાન મુદ્દાઓના આધારે કરતા નથી પણ ભાવાવેશમાં કરે છે. કૉંગ્રેસની તરફેણમાં એવો મુદ્દો આવી જાય તો કૉંગ્રેસના પણ દાડા ફરી જાય ને એ પણ ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવી દે એવું બને પણ અત્યારે એવો કોઈ મુદ્દો નથી કે જેના કારણે અચાનક કૉંગ્રેસ પર લોકોને વહાલ ઉભરાઈ આવે. બલ્કે અત્યારે જે સ્થિતિ છે તેમાં તો કૉંગ્રેસ ઉત્તર પ્રદેશમાં સાવ પતી ગયેલી છે ને તેને બેઠી કરવી એ બહુ કપરું કામ છે. છેલ્લા એક દાયકામાં કૉંગ્રેસની જે અવદશા થઈ છે તેના પર નજર નાંખશો તો સમજાશે કે પ્રિયંકાએ કૉંગ્રેસને ફરી બેઠી કરવા જ કાળી મજૂરી કરવી પડે એમ છે ને જીતવાની તો વાત જ થાય એમ નથી.
૨૦૦૯ની લોકસભા ચૂંટણી વખતે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ૨૧ બેઠકો જીતી હતી. એ વખતે કૉંગ્રેસ અજિતસિંહની રાષ્ટ્રીય લોકદળ સાથે મળીને ચૂંટણી લડેલી. અજિતસિંહની પાર્ટીએ ૫ બેઠકો જીતેલી ને એ રીતે કૉંગ્રેસનું ગઠબંધન ૨૬ એટલે કે લગભગ ત્રીજા ભાગની બેઠકો જીત્યું હતું. આ ૨૧ બેઠકોમાંથી ૭ બેઠકો કૉંગ્રેસે પૂર્વ ઉત્તર પ્રદેશમાંથી જીતેલી. એ રીતે કૉંગ્રેસનો દેખાવ ખરેખર સારો હતો. એ પછી ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૩૫૫ બેઠકો પર ને અજિતસિંહે ૪૬ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખેલા. એ વખતે કૉંગ્રેસે ૨૮ બેઠકો જીતેલી જ્યારે અજિતસિંહની પાર્ટીએ ૯ બેઠકો જીતી હતી. કૉંગ્રેસે જીતેલી ૨૮ બેઠકોમાંથી ૧૨ બેઠકો પૂર્વ ઉત્તર પ્રદેશમાંથી જીતી હતી.
કૉંગ્રેસનો દેખાવ ૨૦૦૯ અને ૨૦૧૪માં એટલો શરમજનક નહોતો પણ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીથી તેની બુંદ બરાબરની બેઠી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસને આખા ઉત્તર પ્રદેશમાં ગણીને બે બેઠકો મળી હતી ને તેમાંથી એક એટલે કે અમેઠી પૂર્વ ઉત્તર પ્રદેશમાં હતી. કૉંગ્રેસને કુલ મતદાનમાંથી માત્ર ૬ ટકા મત મળ્યા હતા. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને ગણીને ૭ બેઠકો મળી હતી. ટૂંકમાં કૉંગ્રેસ આખા ઉત્તર પ્રદેશમાંથી ધોવાઈ ગયેલી.
કૉંગ્રેસે સરકાર રચવી હોય તો વિધાનસભામાં ૨૦૩ બેઠકો જીતવી પડે એમ છે ને આ કામ ખરેખર કપરું છે. કૉંગ્રેસે જીતેલી સાત બેઠકોમાંથી બે ધારાસભ્યો પહેલા જ ભાજપભેગા થઈ ગયા છે તેથી કૉંગ્રેસે ૫ બેઠકો પરથી પોતાનો આંકડો ૨૦૩ પર પહોંચાડવો પડે. કૉંગ્રેસ પાસે મુદ્દા નથી, સંગઠન નથી, જબરદસ્ત નેતા નથી, જ્ઞાતિવાદનાં સમીકરણ નથી ને જીતે એવા ઉમેદવારો પણ નથી. કૉંગ્રેસીઓની નજરથી જોઈએ તો જે છે એ પ્રિયંકા ચે ને પ્રિયંકાના કારણે ઉત્તર પ્રદેશના મતદારો કૉંગ્રેસ પર વરસી પડે એ વાતમાં માલ નથી.
કૉંગ્રેસીઓ આ પ્રકારની વાતો પહેલી વાર નથી કરી રહ્યા. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી માથે હતી ત્યારે જ તત્કાલિન કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકા ગાંધીને કૉંગ્રેસનાં મહામંત્રી બનાવીને ઉત્તર પ્રદેશના અખાડામાં ઉતારી દીધાં હતાં. પ્રિયંકા પહેલી વાર સક્રિય રાજકારણમાં આવેલાં તેના કારણે રાષ્ટ્રીય રાજકારણમાં થોડી ગરમી આવી ગઈ હતી. એ વખતે રાહુલે પ્રિયંકાને લોકસભાની ચૂંટણી માટે ઉત્તર પ્રદેશના પૂર્વ વિસ્તારનો હવાલો આપ્યો હતો. કૉંગ્રેસે સત્તાવાર રીતે કરેલી જાહેરાત પ્રમાણે પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશનો મોરચો સોંપાયો હતો જ્યારે પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશ માટે જ્યોતિરાદિત્ય સિંધિયાને સેનાપતિ બનાવ્યા હતા.
કૉંગ્રેસમાં આ નિર્ણયના કારણે ઓચ્છવનો માહોલ થઈ ગયો હતો. કૉંગ્રેસીઓ એવી વાતો કરી રહ્યા હતા કે, પ્રિયંકા મેદાનમાં આવ્યાં એટલે હવે ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ સપાટો બોલાવી દેશે. રાહુલ ગાંધી પોતે પણ એવી જ વાતો કરી રહ્યા હતા. રાહુલે તો પ્રિયંકાની નિમણૂક પછી મીડિયા સામે એવું કહ્યું કે, મેં જ્યોતિરાદિત્ય અને પ્રિયંકાને બે-ચાર મહિના માટે ઉત્તર પ્રદેશ નથી મોકલ્યાં પણ હવે પ્રિયંકા ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસના મુખ્યમંત્રીને બેસાડીને જ પાછી આવશે. રાહુલની વાત અતિ ઉત્સાહમાં કહેવાયેલી હતી ને આ વાત સાવ મોંમાથા વિનાની સાબિત થઈ હતી. રાહુલ ગાંધી પોતે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાંથી જીતી શક્યા નહોતા. વરસોથી કૉંગ્રેસનો ગઢ ગણાતી અમેઠી બેઠક રાહુલ ગાંધીના હાથમાંથી સરકી ગઈ હતી ને પ્રિયંકા કૉંગ્રેસને રાયબરેલીની વરસોથી કૉંગ્રેસ જીતે છે એ સિવાય બીજી કોઈ બેઠક નહોતાં જીતાડી શક્યાં. યુપીમાં કૉંગ્રેસના મુખ્યમંત્રી બનાવવા નીકળેલા જ્યોતિરાદિત્ય સિંધિયા પોતે કૉંગ્રેસ છોડીને રવાના થઈ ગયા ને પ્રિયંકા કૉંગ્રેસને ફરી બેઠી કરવા ફાંફાં માર્યા કરે છે.
યુપીમાં અત્યારે જે સ્થિતિ છે એ જોતાં આ વખતે પણ કૉંગ્રેસને કોઈ ચમત્કારની આશા નથી. પ્રિયંકા ચૂંટણી લડે તો થોડી ઉત્તેજના પેદા થાય પણ તેનાથી વધારે કશું નહીં.
Comments

Vasant M joshi
January 24, 2022
This is a trial run for Rae Bareli. Family run parties attract subservient members dooming it to Oblivion.