બાંદ્રા-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેનમાં દારૂડિયાઓની ધમાલ
કચ્છી સિનિયર સિટિઝન પ્રવાસીને કર્યા પરેશાન, ફરિયાદ બાદ સુરત સ્ટેશન પર પોલીસે મારીને ત્રણેય દારૂડિયાને ઉતાર્યા, વીડિયો વાઈરલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં બાંદ્રા ટર્મિનસથી ગાંધીધામ સ્પેશિયલ ટ્રેનમાં ત્રણેક જેટલા દારૂડિયાએ કચ્છી સિનિયર સિટિઝન પ્રવાસીઓને હેરાન-પરેશાન કરવાનો બનાવ બન્યો હતો. ગાંધીધામ સ્પેશિયલ ટ્રેનમાં દારૂના નશામાં ધૂત ગઠિયાઓથી ત્રસ્ત કચ્છી સિનિયર સિટિઝનને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં નાકે દમ આવી ગયો હતો. આખરે પોલીસ પ્રશાસન તથા કચ્છ જનજાગૃતિ અભિયાનના પ્રતિનિધિને ફરિયાદ કરવામાં આવ્યા બાદ સુરત સ્ટેશન પર પોલીસ પલટને આ ત્રણેય દારૂડિયાને મારીને ટ્રેનમાંથી ઉતારી મૂકતા પ્રવાસીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગુરુવારે બપોરના ૪.૪૫ વાગ્યાના સુમારે બાંદ્રા ટર્મિનસથી ગાંધીધામ માટે ટ્રેન (નંબર ૦૯૪૧૫) રવાના થયા પછી આ બનાવ બન્યો હતો. આ બનાવ મુદ્દે શરદ નાગડાએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ‘અમે ગુરુવારે સાંજના ગાંધીધામ સુપરફાસ્ટ ટ્રેન પકડી હતી. હું અને મારી પત્ની કુસુમ (મૂળ નલિયા ગામ) કચ્છ જવા રવાના થયા હતા. જોકે, છેલ્લી ઘડીએ અમારા કોચ (એસ નાઈન/સીટ)માં ત્રણેક પ્રવાસી ચઢી આવ્યા હતા. ટ્રેનમાં ચઢ્યા ત્યાં તો અમને ખબર પડી હતી કે ત્રણેય જણે દારૂ પીધો હતો. અમને હેરાનપરેશાન કરવા લાગ્યા હતા. તેમના મોઢામાંથી એટલી બધી વાસ આવતી હતી કે બેસાવાનું મુશ્કેલ થઈ ગયું હતું. એટલું જ નહીં, ત્રણેય જણ અમારી સીટ પર ધસી આવીને ગાળાગાળી કરવાનું ચાલુ કર્યું હતું. બોરીવલી સુધી તો અમે તેમનાથી એટલા પરેશાન થઈ ગયા હતા કે આખરે ટિકિટચેકર (ટીસી)ને ફરિયાદ કરવાની નોબત આવી હતી. સૌથી આશ્ર્ચર્યની વાત એ હતી કે ટ્રેનમાં કોઈ પોલીસનો જવાન પણ પેટ્રોલિંગ માટે આવ્યો નહોતો. અમારી સાથે અન્ય પ્રવાસીઓ પણ તેમના ચેનચાળા અને ગાળાગાળીથી પરેશાન હતા. જોરજોરથી ગાળાગાળી કરવાને કારણે આખરે અમે કચ્છ જનજાગૃતિ અભિયાનના પ્રતિનિધિઓને આ દારૂડિયાઓના ત્રાસની જાણ કરી હતી. અમે વાપીમાં તેમને ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં બીજા કોચમાં જતા રહ્યા હતા. જોકે, ટિકિટચેકર અને આરપીએફની સાથે સંસ્થાના પ્રતિનિધિઓની ફરિયાદને લઈ સુરત રેલવે સ્ટેશને ટ્રેન પહોંચ્યા પછી એ ત્રણેય જણને દારૂના નશાની હાલતમાં આરપીએફના જવાનોએ ટ્રેનમાંથી ઉતારી મૂકયા હતા.
આરપીએફ અને જીઆરપીના જવાનોની સંયુક્ત કાર્યવાહી બાદ તે ત્રણેય સામે પગલાં ભરવામાં આવ્યા હતા, એમ સુરત જીઆરપીના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.કચ્છ એક્સપ્રેસ સહિત અન્ય કચ્છની ટ્રેનોમાં દારૂની હેરાફેરી જ નહીં, પરંતુ અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધતો જાય છે. આ મુદ્દે વારંવાર રેલવે પોલીસને આ બધી ટ્રેનોમાં પેટ્રોલિંગ વધારવાનો અનુરોધ કર્યો છે. ગુરુવારે ગાંધીધામ સુપરફાસ્ટ ટ્રેનમાં આવો જ બનાવ બન્યો હતો. ત્રણેક દારૂડિયાઓએ ટ્રેનમાં ગાળાગાળી કરીને પ્રવાસીઓને હેરાન પરેશાન કરી મૂક્યા હતા. ત્યારબાદ રેલવે પોલીસ તેમની વિરુદ્ધ પગલાં ભરતા સુરત સ્ટેશન પર પોલીસે તેમને ટ્રેનમાંથી ઊતાર્યાં હતા, એમ કચ્છ જનજાગૃતિ અભિયાનના પ્રતિનિધિ કિશોર મણીલાલ ગાલાએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું.રૂડિયાઓનો ત્રાસ વધતો જાય છે.
આ મુદ્દે રેલવે સુરક્ષા દળની સાથે પ્રશાસન દ્વારા નક્કર પગલાં ભરવાનું જરૂરી છે, એમ કચ્છ પ્રવાસી સંગઠનના પ્રતિનિધિએ જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે ગયા મહિના દરમિયાન સયાજીનગરી એક્સપ્રેસમાં અસામાજિક તત્ત્વોએ મહિલાની છેડતીના બનાવ બાદ હિંદમાતાના વેપારીઓએ પાઠ ભણાવ્યો હતો. ઉ