નશો યુવાપેઢીને બરબાદ કરે છે, તેનાથી દૂર રહો, ભારતનું ભાગ્ય ઉજ્જવળ બનાવો: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીસ્થિત કરિયપ્પા મેદાનમાં નેશનલ કૅડેટ કૉર (એનસીસી)ને સંબોધન કરતા નશાથી દૂર રહીને તમે દેશનું ભાગ્ય બદલી શકો છો.
નશો દેશની યુવા પેઢીને કઈ રીતે બરબાદ કરી રહ્યો છે તે તમે સારી રીતે જાણો છો.
જે સ્કૂલ-કૉલેજમાં એનસીસી-એનએસએસ હોય ત્યાં નશીલાપદાર્થ કઈ રીતે પહોંચી શકે? વિદ્યાર્થી તરીકે તમે પોતે નશીલાપદાર્થોથી દૂર રહો અને સ્કૂલ-કૉલેજના કૅમ્પસને પણ તેનાથી મુક્ત રાખો, એમ મોદીએ કહ્યું હતું.
દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે જ્યારે યુવા દેશ આ પ્રકારના ઐતિહાસિક ઉત્સવનો સાક્ષી બને છે તો તેના ઉત્સવમાં અલગ જ ઉત્સાહ જોવા મળે છે. એ ઉત્સાહ આજે આ મેદાન પર પણ જોવા મળી રહ્યો છે. ભારતની યુવાશક્તિ જ અમારા સંકલ્પોની પૂર્તિ કરશે. સેનામાં મહિલાઓને મોટી જવાબદારીઓ મળી રહી છે. ઍરફૉર્સમાં પણ દેશની પુત્રીઓ ફાઈટર પ્લેન ઉડાડી રહી છે. દેશની વધુને વધુ પુત્રીઓ એનસીસીમાં જોડાય તેવા આપણા પ્રયાસ હોવા જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
આજે જેટલાં યુવક-યુવતીઓ એનએસસી-એનએસએસમાં છે તેમાંથી મોટા ભાગનાનો જન્મ આ જ શતાબ્દીમાં થયેલો છે.
આ લોકોએ જ ભારતને ૨૦૪૭ સુધી લઈ જવાનું છે.
તમારા પ્રયાસ, તમારો સંકલ્પ, એ સંકલ્પની સિદ્ધિ જ ભારતની સિદ્ધિ અને સફળતા હશે.
જે દેશનો યુવા વર્ગ રાષ્ટ્ર પ્રથમના વિચારો સાથે આગળ વધે છે તેને વિશ્ર્વની કોઈ તાકાત રોકી નથી શકતી.
રમતના મેદાનમાં ભારતની સફળતા પણ તેનું એક દૃષ્ટાંત છે.
તમામ યુવાનો વોકલ ફૉર લોકલ અભિયાનમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
ભારતનું યુવાધન જો એમ નક્કી કરી લે કે જે વસ્તુના નિર્માણમાં કોઈ ભારતીયનો શ્રમ લાગેલો છે અને પરસેવો વહેલો છે તો ફક્ત એવી જ વસ્તુઓનો ઉપયોગ કરીશું તો ભારતનું ભાગ્ય બદલાઈ શકે છે.
વડા પ્રધાને ગાર્ડ ઑફ ઑનરનું પણ નિરીક્ષણ કર્યું હતું.
આ ઉપરાંત, તેમણે એનસીસીની ટુકડીઓની માર્ચ પાસ્ટની પણ સમીક્ષા કરી હતી. વડા પ્રધાને સર્વશ્રેષ્ઠ કૅડેટને મેડલ અને છડી આપી સન્માન કર્યું હતું.