દવા, દારૂ લ્યો અને જલસા કરો

મસ્તરામનીમસ્તી - મિલન ત્રિવેદી
કોરોનાની દવા શોધવામાં કંઈક દારૂ ઉપર ચડી ગયા. તમે માંદા પડ્યા હો ત્યારે શબ્દ સાંભળ્યો હશે કે ‘દવાદારૂ કરાવો’. અડધામાં મજા આવી જાય, પણ દવાની વાત આવે એટલે ઉપાધિ થાય. બાકી જો દારૂની જ વાત હોય તો મજાલ છે કોઈની કે ગુજરાતી પાછો પડે? એક વાત તો બધાને ખબર હશે કે માંદા પડવું કોઈને પણ ન ગમે, પણ કોઈ માંદું પડે તેમની ખબર કાઢવા જવું એટલે મારા માટે સૌથી કંટાળાજનક કામ. ગુજરાતીઓની ખાસિયત એ છે કે જ્યાં સુધી હદ ન વટાવે ત્યાં સુધી દવાખાનાનું પગથિયું ન ચડે. શક્ય હોય ત્યાં સુધી ડોશીવૈદું એટલે કે ઘરગથ્થુ ઇલાજથી જ રોળવી લે. ડોશીવૈદામાં અમારા ચૂનિયાએ માસ્ટરની માસ્ટર ડિગ્રી લીધી છે. જગતનું કોઈ દર્દ એવું નથી કે જેનો ઘરગથ્થુ ઉપાય ચૂનિયા પાસે ન હોય. આમ તો એનેસ્થેશિયા આપવા માટે એનેસ્થેટિસ્ટની પણ જરૂર ન પડે. ચૂનિયો પોતાનું ગંજી કાઢીને આપી જાય અને બસ એક મિનિટ સુંઘાડ્યું નથી કે તરત જ દર્દી કોમામાં જતો રહે...
હાલ કોરોનાકાળમાં સહેજ અમસ્તી છીંક આવે તો લોકો જાત જાતનાં ઓસડિયાં ચીંધવા માંડે. ગરમ પાણીથી લઈને ચાર-પાંચ જાતની કડવાણી ઉકાળીને પીવાથી કોરોના માલ્યાની જેમ ભાગી જાય. કારેલાનો શીરો મોઢામાં અડધો કલાક રાખી નરણા કોઠે ગળી જવાથી છાતીમાંથી કફ નીકળી જાય. રેમડેસિવિર કરતાં રામદેવવીરના દેશી ચાટણના જુમલા ચાલે. મ્યુકરમાઈકોસિસમાં ધતૂરાનાં ફૂલ સૂંઘાડ્યાના દાખલા છે. અરે ભાઈ, સરકાર સહિત જગતભરના વાયરોલોજિસ્ટ ઊંધે માથે થાય તો પણ ગોટે ચડ્યા છે ત્યાં થૂંકના સાંધા કેટલા ચાલે. આવા નુસખાખોર જ ખતરનાક હોય. મેં એવા ડોક્ટર પણ જોયા છે જેની ડિગ્રી વાંચો તો ખબર જ ન પડે કે કયા પ્રકારના ડોક્ટર છે, પણ એલોપથિક પ્રેક્ટિસ છૂટથી કરતા હોય. અમારા નથુભાઈ ડોક્ટર તો પેન્ટ કે શર્ટ ઉતાર્યા વગર સીધું જ ઇંજેક્શન આપતા. એમના ઇંજેક્શન પછી તાવ તો ઊતરી ગયો હોય, પણ પાકેલું ઇંજેક્શન મટાડવા સર્જનનો ખર્ચ ઉપાડવો પડ્યો હોય એવા ઘણા દાખલા છે. સારા ડોક્ટર્સ મળવા એ નસીબની વાત છે અને એમાં પણ તેમનો સ્ટાફ સારો હોય એવી ઘટના તો કોઈ નસીબવાળા સાથે જ બને! હમણાં જ એક સંબંધીને દાખલ કરેલા અને ખબર કાઢવા ગયો અને હજુ કંઈ વિગત પૂછું એ પહેલાં તો એપ્રન પહેરીને એક ભાઈ આવ્યા અને એટલા જોરથી બોલ્યા, ‘તમને ખબર નથી પડતી? પેશન્ટ પાસે માત્ર એક જ વ્યક્તિએ હાજર રહેવું. તમે બધા માથે રહીને આમને મારી નાખશો. મારે બીજી વાર ન કહેવું પડે એટલું સમજી લેજો. ચાલો બહાર નીકળો બધા.’
મને થયું કે ડોક્ટરસાહેબ તો બહુ કડક છે. લાવો સહેજ મળી લઉં અને તેમને જ ખબર પૂછી લઉં. ખબર પૂછતાં જ ગંભીર મુખમુદ્રા ધારણ કરીને કહ્યું, ‘જો આ અઠવાડિયામાં તાવ સાથે દાખલ થઈને ગુજરી ગયા એવા ચાર કેસ થયા છે. તમે ચિંતા ન કરો હું, સંભાળી લઈશ.’
હું સ્વસ્થ થાઉં એ પહેલાં તો એક નર્સ આવીને પેલા ભાઈને કહે, ‘તમને ડોક્ટરસાહેબ બોલાવે છે’ ત્યારે ખબર પડી કે આ તો વોર્ડબોય છે! પણ મને વાત ગંભીર લાગી એટલે હું ડોક્ટરને મળવા ગયો તો ડોક્ટરસાહેબ કહે, ‘અરે યાર, તમારા મિત્ર થોડા વધારે હેલ્થ કોન્શિયસ છે. મેં તો દાખલ થવાની પણ ના પાડી હતી. માત્ર વાઇરલ તાવ છે. ચાર દિવસ રહે બાકી દવા વગર પણ સાજા થઈ જવાય.’
દવાખાના બાબતે એક વિચારધારા નોંધવાલાયક છે, ગમે તે ડોક્ટરનું નામ કહો એટલે તરત જ કહે, ‘અરે ત્યાં જવાય? અમે તો ગમે તે થાય અમારા ઘર જેવા ડોક્ટર મહેશભાઈ પાસે જ જઈએ. અમને ગમે તેની દવા અસર ન કરે, પણ મહેશભાઈના બે ડોઝ જાય ત્યાં તો એકદમ સાજા.’
બાજુમાં બીજો અભિપ્રાય આપવાવાળો ઊભો જ હોય, ‘ના હવે. જમનભાઈ જેવો કોઈ ડોક્ટર જ ન થાય. સીધો બાટલો ચડાવે એટલે એક જ કલાકમાં ચાલતા.’
હવે આમને કોણ સમજાવે કે ભાઈ, રોજ એક બાટલો ઘટઘટાવી જાય છે, એની જ તો આ તકલીફ છે. આવા લોકોના સંબંધી પણ એવા જ વિચિત્ર હોય છે. દારૂની બોટલમાં ન પૂછે, પણ જેવી ડોક્ટરે દવા લખી આપી કે તરત જ પૂછે, ‘બહુ હાઈ પાવરની નથીને?’
દવાખાના સાથે સલાહ એટલી સરસ રીતે જોડાયેલી છે કે વાત ન પૂછો. આપણી પૂરી વાત સાંભળ્યા પહેલાં જ સલાહસૂચનો ચાલુ થઈ જાય. ૧૦૮ બોલાવવી હોય, ઇમર્જન્સી હોય અને જો કોઈ સંબંધીનો ફોન આવી જાય તો તરત જ કહે કે ‘પાછા વળો. એલોપથીના રવાડે ન ચડાય. મારા ભત્રીજાએ હમણાં જ હોમિયોપથીની પ્રેક્ટિસ ચાલુ કરી છે અને ગમે તેવા હઠીલા રોગોની દવા ચપટી વગાડતાં આપી દે છે. પાછી મીઠી ટીકડી એટલે ચગળે જ રાખો.’
મારાથી ન રહેવાયું એટલે કહેવું પડ્યું, ‘આ ભયંકર અકસ્માત છે. પેશન્ટની હાલત ખરાબ છે. આને જો મીઠી ટીકડી ચગળાવીશુંને તો તેની અસર થશે ત્યાં સુધીમાં તેની છઠ્ઠી માસિક પુણ્યતિથિ આવી ગઈ હશે.’
તો પણ હાર તો ન જ સ્વીકારે, ‘તો પણ ટ્રાય કરવી હોય તો મારી સલાહ છે.’
આપણી પાસે ફોન કાપવા સિવાય બીજો કોઈ રસ્તો જ ન રહે. આવી જ રીતે આયુર્વેદની તો સાવ વાત જ જુદી છે. તમે ક્યારેય આયુર્વેદમાં ડોક્ટરનો વાંક જ ન કાઢી શકો. તમને એટલાં બધાં રિસ્ટ્રિક્શન્સ આપે કે એકાદમાં તો થાપ ખાઈ જ જવાય. પેશન્ટને એમ જ લાગે કે આપણો જ વાંક છે કે આપણે ચરી પાળી નથી શકતા. અમારા એક સંબંધીને પેટની ગડબડમાં બકરીના દૂધ સાથે પાંચ-છ જાતની ફાકી ખાવાની વૈદે સલાહ આપી, પણ ગામઆખામાં બકરી શોધવામાં એવા ધંધે લાગ્યા કે લગભગ ૨૦ કિલોમીટરની પદયાત્રા પછી એક ભરવાડને ત્યાં બકરી જોવા મળી. દૂધની માગણી કરી તો ભરવાડે બકરી આખી વેચવાની વાત કરી, પણ દૂધ વેચવાની ના પાડી. કંટાળેલા મિત્રે બકરી ખરીદી અને ચાલતો ઘરે પાછો આવ્યો. આ ૪૦ કિલોમીટરની પદયાત્રામાં ગેસ છૂટી ગયો અને પેટ હળવું થઈ ગયું. હવે રોજ સવારે બકરી લઈને વૈદના દવાખાના બહાર બેસે છે કે બીજા કોઈને જો વૈદ આવી સલાહ આપે તો આ બકરી બારોબાર તેને પધરાવી દઉં... ડોક્ટરને તમે પૃથ્વી પરના ભગવાન કહી શકો. પગથિયું ચડતાં જ તમારી આધિ, વ્યાધિ, ઉપાધિ પોતાના ખભે ઉપાડી અને તમને તંદુરસ્ત કરી પાછા મોકલે. તમારા ધ્યાનમાં આવા કોઈ ડોક્ટર હોય તો સરનામું મોકલવા વિનંતી...
--------------
વિચારવાયુ
ચીબા નાકમાંથી પણ જો કોરોનાના વાઇરસ ઘૂસી જતા હોય તો આપણા ટનલ જેવા નાકમાંથી તો જાય જને?
તો સામેવાળાને માસ્ક પહેરાવો એટલે બીજી ટનલમાંથી બહાર નીકળી તમારી ટનલ ન પકડે.