નિકાસને વેગ આપવા કોટન યાર્ન અને ફેબ્રિક્સના ભાવ નિયંત્રણમાં રાખવા સરકારી હસ્તક્ષેપની માગ
નવી દિલ્હી: કોટન યાર્ન અને ફેબ્રિક્સના ઊંચા ભાવની નિકાસ પર માઠી અસર થતી હોવાથી ભાવ અંકુશમાં રાખવા સરકારને હસ્તક્ષેપ કરવા નોઈડા એપરલ એક્સપોર્ટ ક્લસ્ટર (એનએઈસી)એ તાજતેરમાં અનુરોધ કર્યો છે.
એનએઈસીના પ્રમુખ લલીત ઠુકરાલે રૂની નિકાસ પર નિયંત્રણો લાદવા, કોટન પરની ૧૦ ટકા આયાત જકાત દૂર કરવી અને રૂ તથા કાચા માલની ભાવ સ્થિરતા માટેની યંત્રણા વિકસાવવાની સરકારને ભલામણ કરી છે.
કોટન યાર્ન અને ફેબ્રિક્સના ઊંચા ભાવથી એપરલ ઉદ્યોગ ત્રસ્ત છે. છેલ્લા બે મહિનાથી રૂના ભાવમાં ૮૦ ટકા જેટલો ઉછાળો આવી ગયો છે. એપરલના ઉત્પાદનમાં ૭૫ ટકા કાચો માલ ગણાતા રૂના ખાંડીદીઠ (પ્રતિ ૩૩૫ કિલો) જે રૂ. ૩૭,૦૦૦ હતા તે હવે વધીને રૂ. ૭૪,૦૦૦ થઈ ગયા છે. આમ રૂના ભાવમાં અનપેક્ષિત ઉછાળો આવતાં ઉત્પાદન ખર્ચમાં વધારો થવાથી એપરલ ઉત્પાદકો અને નિકાસકારો સામે મોટો પડકાર ઊભો થયો છે.
વધુમાં ભારતીય નિકાસકારો નિકાસ ઓર્ડર ગુમાવી રહ્યા છે અને વૈશ્ર્વિક બજાર સામે તીવ્ર સ્પર્ધા અનુભવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ આયાતકારો અને બાઈંગ હાઉસીસનો વિશ્ર્વાસ પણ ગુમાવી રહ્યા હોવાનું ઠુકરાલે જણાવતાં ઉમેર્યું હતું કે આ સ્થિતિનું મુખ્ય કારણ એપરલ નિકાસના પ્રતિસ્પર્ધી દેશ વિયેટનામ અને થાઈલેન્ડ ખાતે રૂની બેરોકટોક થતી નિકાસ પણ છે. એમએસએમઈ એપરલ ઉત્પાદકો ઊંચા ભાવને કારણે મૂડીગત અને પ્રવાહિતા ખેંચનો સામનો કરી રહ્યા હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિકમાં ફેબ્રિક્સના ભાવમાં રૂ. ૪૦થી ૫૦ નો વધારો થયો છે, જ્યારે બાંગ્લાદેશ, વિયેટનામ અને થાઈલેન્ડના ફેબ્રિક્સના ભાવ ઓછા છે કેમ કે તેઓ ભારતીય રૂની સસ્તા ભાવે આયાત કરી રહ્યા છે અને સ્થાનિક એપરલ નિકાસકારો વિશ્ર્વ બજારમાં તેઓની જ સ્પર્ધાનો સામનો કરી રહ્યા છે. આથી આ બાબતે સરકારે તાકિદે હસ્તક્ષેપર કરવાની એસોસિયેશને માગણી કરી છે.