દુકાનનાં નામનાં પાટિયાં મરાઠીમાં કરવાની ડેડલાઈન ૩૧ મે સુધી લંબાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહદમુંબઈની હદમાં આવેલી તમામ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટનાં નામનાં પાટિયાં મરાઠી ભાષામાં કરવાની મુદત ૩૧ મે, ૨૦૨૨ સુધી લંબાવી દેવામાં આવી હોવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાએ કરી છે.
રાજ્યના ઉદ્યોગમંત્રી સુભાષ દેસાઈએ તાજેતરમાં દુકાન અને એસ્ટાબ્લિશમેન્ટના નામ મરાઠી ભાષામાં કરવા માટે એક મહિનાની મુદત આપી હતી. તેમની જાહેરાત બાદ મુંબઈ મહાનગરપાલિકાએ દુકાન અને એસ્ટાબ્લિશમેન્ટ વિભાગે મુંબઈની દુકાનોને પાટિયા પરના નામ મરાઠીમાં કરવા માટે ૩૧ મે સુધીની ડેડલાઈન આપી છે. તો દારૂનું વેચાણ કરનારી દુકાનદારોને કિલ્લા, મહાન વ્યક્તિઓના નામ આપ્યા હોય તે બદલવા માટે ૩૦ જૂન સુધીની મુદત આપતું સર્ક્યુલર બહાર પાડ્યું છે.
મુંબઈમાં લગભગ પાંચ લાખથી વધુ દુકાનો છે. આ દુકાનોની બહાર લાગેલાં નામનાં પાટિયાં મરાઠીમાં વંચાય અને બીજી ભાષામાં લખેલાં નામ કરતાં પહેલાં લખવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. નિયમ મુજબ દરેક દુકાનના પ્રવેશદ્વાર પર નામનું બોર્ડ દેવનાગરી લિપિમાં હોવું આવશ્યક છે. તેમ જ બીજી ભાષામાં લખાયેલા નામ કરતાં મરાઠી ભાષામાં લખેલા નામના અક્ષરો મોટા હોવા જોઈએ.
પાલિકાના આસિસ્ટન્ટ કમિશનરોને તેમના વોર્ડના પ્રવેશદ્વાર પર અને ભીડના ઠેકાણે જનજાગૃતિ કરવા માટે બોર્ડને લાગવવાનું કહેવામાં આવ્યું છે.