કામદેવનાં કામ અનોખાં
શાળામાંથી મળેલી સાઇકલને બદલી નાખી ઈ-બાઇકમા

વિશેષ -ં મેધા રાજ્યગુરુ
ઝારખંડના બાંસુરદા ગામનો રહેવાસી કામદેવ પાન એક કિસાનપુત્ર છે. પાંચ ભાઈબહેનમાં સૌથી નાનો છે. આ કામદેવની ખૂબી એ છે કે ગામની જ એક શાળામાં ભણ્યો છે અને એન્જિનિયરિંગની કોઇ ખાસ ડિગ્રી નથી એ છતાં મુંબઈની એક પ્રતિષ્ઠિત કાર કંપનીમાં કામ કરે છે અને એન્જિનિયરોની સાથે મળીને ઈ-બાઇક ડિઝાઇન કરે છે.
કામદેવ કહે છે કે ‘આજે હું કંપનીની બીએમડબ્લ્યુ ગાડીમાં ફરું છું અને મોટી મોટી ફાઇવ સ્ટાર હોટેલમાં પણ રોકાઉં છું. મારા માટે આ જીવન એક સપના સમાન જ છે. મારાં માતાપિતાને પણ મારા પર ગર્વ છે. હું ઘરે ન હોઉં તો પણ ઘણા મીડિયાવાળા મારાં માતાપિતાનો ઇન્ટરવ્યુ લેવા ગામ સુધી પહોંચી જાય છે.’
આવું શક્ય થયું ક્ામદેવની અથાક મહેનત અને તેજ દિમાગને કારણે. વાસ્તવમાં તેને બાળપણથી જ મશીનો સાથે લગાવ રહ્યો છે. અભ્યાસમાં પણ એ અવ્વલ રહ્યો છે. ગામમાં ખેતીવાડી હોય કે રોજબરોજની જિંદગી સાથે જોડાયેલી ચીજો, એ કોઇ ને કોઇ શોધખોળ કરતો જ રહેતો હતો. જોકે તેની સહુથી સફળ શોધ એટલે ગો-ગો બાઇક.
આ એક એવી ઇલેક્ટ્રિકલ સાઇકલ છે, જેમાં એક મોટર લાગી છે જેને પેડલ દ્વારા પણ રિચાર્જ કરી શકાય છે. ચાર્જિંગ થયા બાદ એક સામાન્ય સાઇકલ ઈ-સાઇકલમાં બદલાઇ જાય છે. વર્ષ ૨૦૦૯માં જાપાનથી આવેલી યો-યો બાઇકથી પ્રેરણા લઇને તેણે સ્કૂલમાંથી મળેલી સાઇકલમાં મોટર લગાવીને ઈ-બાઇક બનાવવાનો નિર્ણય કર્યો. ત્યારે એની પાસે કોઇ ઇન્ટરનેટ નહોતું કે ન કોઇ મોટાં સાધનો. તેમ છતાં તેણે પુસ્તકો વાંચીને પોતાનું દિમાગ લગાવ્યું અને ૨૦૧૨માં એક સામાન્ય ઈ-સાઇકલનું મોડેલ તૈયાર કરી દીધું.
કામદેવ કહે છે કે ‘ગામમાં કોઇ જાતનો સામાન નહોતો મળતો. હું મારા પિતા સાથે શાકભાજી વેચવા ગામથી શહેર આવતો ત્યારે બાઇક માટે જરૂરી સામાન લઇ આવતો. મારા પિતા ગુસ્સો પણ કરતા કે કેમ આટલા પૈસા બરબાદ કરે છે, પરંતુ મને વિશ્ર્વાસ હતો કે એક વાર જ્યારે આ મૉડેલ તૈયાર થઇ જશે તો લોકોને ઘણો ફાયદો થશે.’
કામદેવ ગામમાં આવી બાઇક વાપરી રહ્યો હતો, પરંતુ ગ્રામવાસીઓએ એ તરફ બહુ ધ્યાન આપ્યું નહોતું. શરૂઆતના દિવસોમાં તેનો દેખાવ પણ આકર્ષક નહોતો. એટલે કામદેવ એ માટે પણ કામ કરી રહ્યો હતો. જોકે, ૨૦૧૭માં ગ્રેજ્યુએશન પૂરું કરીને જમશેદપુરમાં રહેવા આવ્યો ત્યારે ઘણા લોકોએ આ બાઇકને પસંદ કરી.
એ સરકારી ઓફિસમાં ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એક વાર કોઇ કામથી એ શહેરના ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં ગયો તો ઘણા અધિકારીઓએ તેને આ બાઇક વિશે પૂછ્યું. એ લોકોને જ્યારે ખબર પડી કે આ બાઇક કામદેવે બનાવ્યું છે ત્યારે બધા ચોંકી ગયા. ત્યાર બાદ કામદેવની મહેનતને એક ઓળખાણ મળી. કેટલીયે જગ્યાએથી તેને મદદ માટે ફોન આવ્યા. રાજ્યના મુખ્ય પ્રધાને પણ તેની બાઇકની પ્રશંસા કરી. તેને હવે આ બાઇકના ઓર્ડર્સ પણ મળવા લાગ્યા. અત્યાર સુધી એ ૫૦થી વધુ બાઇક બનાવીને વેચી ચૂક્યો છે. રાંચીમાં રહેતા રોહિત ગાડી, કામદેવના શરૂઆતના ગ્રાહકોમાંના એક છે. તેઓ કહે છે આ બાઇકની ઝાઝી દેખભાળ નથી કરવી પડતી. તેમાં પેડલ લાગેલાં છે એટલે રોજ કસરત પણ થઇ જાય છે. કામદેવ ઇન્ટરનેટની તાકાતને સૌથી મોટી તાકાત માને છે, કારણ કે તેની ઈ-બાઇકનો વીડિયો જોઇને જ મુંબઈની એક મોટી ઓટો કંપનીએ તેને ઇન્ટરવ્યુ માટે બોલાવેલો. આ કંપની સામાન્ય વાહનો સાથે ઈ-વાહનો પણ બનાવવા માગતી હતી જેના માટે એને અનેક પ્રકારના લોકોની જરૂર હતી. કામદેવને પણ આ કંપનીમાં કામ મળ્યું અને મોટા મોટા એન્જિનિયર્સ અને ડિઝાઇનર્સ સાથે કામ કરવાનો મોકો મળ્યો. કામદેવને તો પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઇચ્છા હતી, પરંતુ એને માટે જોઇતી પર્યાપ્ત મૂડી તેની પાસે નહોતી. ઘરના સંજોગો પણ બહુ સારા નહોતા એટલે નોકરીમાં જોડાઇ ગયો. છેલ્લા એક વર્ષથી એ મુંબઈમાં કાર્યરત છે. કામદેવ બાઇકને એવી આકર્ષક બનાવવા માગે છે કે મોટી મોટી ગાડીઓમાં ફરનારા લોકો પણ તેની બાઇક તરફ જરૂર નજર કરે. મુંબઈમાં પણ તેની બાઇકને લોકો પસંદ કરે છ
ે એ જોઇને તેને ઘણી ખુશી થાય છે. એ આજે પણ કોઇને જરૂર હોય તો ઓર્ડર મુજબ ઈ-બાઇક બનાવી આપે છે. ઉ