કેડીએમસીના પાંચ ભૂતપૂર્વ કમિશનર સહિત ૧૮ જણ સામે ગુનો
થાણે: નિયમોની ઐસીતૈસી કરીને મિલકતોનો કથિત વિકાસ કરવા દેવા માટે કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા (કેડીએમસી)ના પાંચ ભૂતપૂર્વ કમિશનર અને અન્ય ૧૩ જણ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ સ્થાનિક અદાલતે ૧૮ જાન્યુઆરીએ આપેલા નિર્દેશો અનુસાર કલ્યાણ વિભાગના બાજારપેઠ પોલીસ સ્ટેશનમાં ગુરુવારે મોડી રાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.
કેડીએમસીના ભૂતપૂર્વ અપક્ષ નગરસેવક અરુણ ગીથ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ પર ૧૮ જણ સામે પ્રથમદર્શી કેસ બને છે, એવી નોંધ કલ્યાણ કોર્ટે કરી હતી. જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (જેએમએફસી) સોનાલી શશીકાંત રાઉળે સંબંધિત આદેશ આપ્યો હતો.
કોર્ટમાં કરેલી ફરિયાદમાં ભૂતપૂર્વ નગરસેવકે આક્ષેપ કર્યો હતો કે મહાપાલિકાના અધિકારીઓ, કેડીએમસીના ટાઉન પ્લાનરો અને અન્ય કર્મચારીઓએ ડેવલપર સાથે સાઠગાંઠ કરી હતી અને જાન્યુઆરી, ૨૦૦૪થી નિયમોની ઐસીતૈસી કરીને મિલકતોનો વિકાસ કરવા દીધો હતો. મિલકતના ડેવલપરને અનધિકૃત રીતે ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ) આપવામાં આવી હતી અને ડેવલપરે તેને આધારે અનેક ગેરરીતિઓ આચરી હતી.
૨૩ માળની બહુમજલી ઈમારતનું નિયમોની વિરુદ્ધ નિર્માણ કરવામાં આવ્યું હતું, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
ગીથે આક્ષેપ કર્યો હતો કે આ અંગે તેણે સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ તેમણે કોઈ દાદ આપી નહોતી, જેને પગલે તેણે કોર્ટનાં દ્વાર ખટખટાવવાં પડ્યાં હતાં.
આ પ્રકરણે બાજારપેઠ પોલીસે ડેવલપર હરકચંદ જૈન, આર્કિટેક્ટ અનિલ નિરગુડે, પાંચ ભૂતપૂર્વ કેડીએમસીના કમિશનર ગોવિંદ રાઠોડ, રામનાથ સોનાવણે, એસ. એસ. ભિસે, ઈ. રવિન્દ્રન અને ગોવિંદ બોડકે તેમ જ પાલિકાના અન્ય ૧૧ કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, એવું એક અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)