કોર્ટની મલિકને રાહત, દેશમુખને ઇનકાર
ખાનગી હૉસ્પિટલમાં સારવાર
મુંબઈ: વિશેષ અદાલતે શુક્રવારે રાજ્યના પ્રધાન નવાબ મલિકને તબીબી આધાર પર હંગામી જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ ખાનગી હૉસ્પિટલમાં સારવારની પરવાનગી આપી હતી. જોકે રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને ખભાની સારવાર ખાનગી હૉસ્પિટલમાં કરવા માટે પરવાનગી આપવાનો ઇનકાર કરી કોર્ટે શહેરની જે. જે. હૉસ્પિટલમાં સારવાર કરાવવાનું કહ્યું હતું.
પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ)ના પ્રકરણની સુનાવણી હાથ ધરનારા જજ આર. એન. રોકડેએ મલિકને ખાનગી હૉસ્પિટલમાં સારવારની પરવાનગી આપી જણાવ્યું હતું કે સારવાર દરમિયાન મલિકની પુત્રી હાજર રહી શકે છે.
મલિકની શરૂઆતથી જે ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવવામાં આવી હતી તેની પાસે તેમને શા માટે ન લઈ જવાયા, એવો પ્રશ્ર્ન કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને કર્યો હતો.
ભાગેડુ ગૅન્ગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથીઓની પ્રવૃત્તિ સાથે કડી ધરાવતા મની લોન્ડરિંગ પ્રકરણની તપાસ દરમિયાન ઈડીએ પીએમએલએની જોગવાઈ હેઠળ ૨૩ ફેબ્રુઆરીએ મલિક (૬૨)ની ધરપકડ કરી હતી. મલિક હાલમાં અદાલતી કસ્ટડીમાં છે.
તબીબી આધાર પર મલિકે છ અઠવાડિયાંના હંગામી જામીનની માગણી કરી હતી. કિડની સંબંધિત સમસ્યાથી પોતે પીડાતા હોવાનો દાવો તેમણે કર્યો હતો.
દરમિયાન રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે ખભાની સર્જરી અને ટ્રીટમેન્ટ માટે તેમની પસંદગીની ખાનગી હૉસ્પિટલમાં હંગામી ધોરણે તેમને શિફ્ટ કરવાની પરવાનગી વિશેષ અદાલત પાસે માગી હતી. સારવારનો ખર્ચ પોતે જ કરશે, એવું એનસીપીના નેતાએ કહ્યું હતું.
જોકે ઈડીએ આ અરજીનો વિરોધ કર્યો હતો અને આવી સર્જરી માટે જે. જે. હૉસ્પિટલના ડૉક્ટરો સુસજ્જ અને પાત્ર છે, એમ કહ્યું હતું.
કોર્ટે દેશમુખની અરજી નકારી કાઢી જે. જે. હૉસ્પિટલમાં સર્જરી અને ટ્રીટમેન્ટ કરાવવાનું કહ્યું હતું. મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ ગયા વર્ષના નવેમ્બરમાં દેશમુખની ધરપકડ કરી હતી અને હાલમાં તે અદાલતી કસ્ટડીમાં છે. (પીટીઆઈ)