નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૩૦૦ અબજ ડૉલરની સર્વિસીસ નિકાસનો કાઉન્સિલનો લક્ષ્યાંક
નવી દિલ્હી: આગામી વર્ષ ૨૦૨૨-૨૩માં આંતરરાષ્ટ્રીય પ્રવાસન અને વેપાર પ્રવૃત્તિઓ ખુલ્લા થવાની સાથે અન્ય બિઝનૅસ પ્રવૃત્તિઓ શરૂ થવાની શક્યતાને ધ્યાનમાં લેતા સર્વિસીસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (એસઈપીસી)એ આગામી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૩૦૦ અબજ ડૉલરની નિકાસનો લક્ષ્યાંક રાખ્યો હોવાનું કાઉન્સિલના ચેરમેન સુનીલ તલાટીએ કહ્યું હતું.
વર્તમાન નાણાકીય વર્ષની સર્વિસીસ નિકાસ ૨૪૦ અબજ ડૉલરની સપાટી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કોવિડન-૧૯ નો વ્યાપ ટૂંક સમયમાં ઓસરી જતા આંતરરાષ્ટ્રીય પ્રવાસનો ખૂલવાની સાથે વેપાર પ્રવૃત્તિ પણ વેગ પકડતાં આગામી નાણાકીય વર્ષ માટે અમે ૩૦૦ અબજ ડૉલરની નિકાસનો લક્ષ્યાંક રાખવા ઈચ્છીએ છીએ. તેમ જ તેમણે આગામી અંદાજપત્રના પ્રસ્તાવોમાં સર્વિસીસ ક્ષેત્રના ઉદ્યોગ માટે ટેકાના પગલાંની જાહેરાત કરવાની પણ સરકારને ભલામણ કરી હતી.
સર્વિસીસ ક્ષેત્રમાં લાંબાગાળાનો વૃદ્ધિદર જાળવી રાખવો હોય તો ક્ષમતા વિસ્તરણ માટેની સ્કીમની આવશ્યકતા છે. ખાસ કરીને શૈક્ષણિક, એવિયેશન, હૅલ્થકૅર, રિસર્ચ ઍન્ડ ડૅવલોપમેન્ટ અને ફિલ્મ પ્રોડક્શન જેવાં સર્વિસીસ ક્ષેત્રમાં પ્રોડક્શન લિન્ક્ડ સ્કીમ મહત્ત્વના ટેકાની ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત તેમણે સર્વિસીસ એક્સપોર્ટ ફ્રોમ ઈન્ડિયા સ્કીમ અને શિપમેન્ટ પ્રોત્સાહિત કરવા માટે ડ્યૂટી રેમિસન્સ ફોર એક્સપોર્ટ ઑફ સર્વિસીસ સ્કીમની ભલામણ કરી હતી.