રાજ્યમાં કોરોનાના ૧૬,૬૦૮ કેસ નોંધાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા ૧૬,૬૦૮ કેસ નોંધાયા હતા અને આ સાથે ત્રીજી લહેરમાં સૌથી વધુ મૃત્યુ ૨૮ નોંધાયાં હતાં. બે દિવસ અગાઉ કોરોનાનો આંકડો ૨૦ હજારને પાર થયો હતો જે થોડા અંશે નિયંત્રણમાં છે, પરંતુ મૃત્યુનો આંકડો ચિંતાજનક છે. રાજ્યમાં મંગળવારે ૧૭,૪૬૭ દર્દી કોરોનાને માત આપી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હાલમાં ૨૫૫ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે બાકીના દર્દીઓની તબિયત સ્થિર છે, તેમ રાજ્ય સરકારના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. રાજ્યમાં અમદાવાદ શહેરમાં ૫૩૦૩, વડોદરા શહેરમાં ૩૦૪૧, રાજકોટ શહેરમાં ૧૩૭૬, સુરત શહેરમાં ૧૦૦૪, વડોદરા જિલ્લામાં ૭૬૧, સુરત જિલ્લામાં ૪૭૨, જામનગર શહેરમાં ૩૫૭, ગાંધીનગર શહેરમાં ૩૦૯, ભાવનગર શહેરમાં ૨૯૩, મહેસાણામાં ૨૭૭, ભરૂચમાં ૨૭૩, રાજકોટમાં ૨૭૩, મોરબીમાં ૨૫૪, કચ્છમાં ૨૪૪, વલસાડમાં ૨૩૮, પાટણમાં ૧૯૬, બનાસકાંઠામાં ૧૭૨, ગાંધીનગર જિલ્લામાં ૧૭૧ કેસ નોંધાયા હતાં.
--------
જીતપરા ગામે મગર દેખાતા ભયનો માહોલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સાબરકાંઠાના બાયડ તાલુકાના જીતપરા ગામના તળાવનું પાણી સુકાતા તળાવમાં રહેલા મગર નજીકના ખેતરમાં દેખાતા ગામના ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો હતો. ઘટનાની જાણ જિલ્લા વનવિભાગને કરતા આર. એફ. ઓ. સહિતનો વનવિભાગના કર્માચારીઓ ઘટના સ્થળે આવી મગરનું રેસ્ક્યુ કરી જિલ્લા કેન્દ્ર ખાતે લઈ ગયા હતા.
વનવિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં લોકો શિયાળાની કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના અંતિયાળ તાલુકાના અવારનાવાર અપૂરતા વરસાદને કારણે તાલુકાના અનેક ગામોના તળાવો ભરશિયાળે સુકાવા માડે છે ત્યારે તાલુકાના જીતપુરા ગામનું તળાવનું વરસાદી પાણી સુકાઈ જતાં તળાવમાં રહેલો મગર નજીકના ખેતરમાં દેખતાં ખેડૂતોમાં અને ગામ લોકોમાં ભયનો મહોલ ફેલાયો હતો.