સિનેમાની સફર
સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ

સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ
નાયકના પ્રકાર
સાહિત્યમાં બતાવ્યા મુજબ નાયક ચાર પ્રકારના હોય છે, પરંતુ ફિલ્મોના નાયકો ચારસો વીસ પ્રકારના હોય છે. સાહિત્યના નાયકોનાં કામ એકદમ સીધાં હોય છે, પરંતુ તેમનાં નામ અત્યંત મુશ્કેલ હોય છે. તેમનાં નામ સાંભળીને જ સામાન્ય માણસ ભાગી જાય, જેમ કે ૧) ધીરોદત્ત, ૨) ધીરોદ્ધત, ૩) ધીરલલિત અને ૪) ધીરશાન્ત.
ફિલ્મી નાયકોનાં કામ ભલે ગમે તેવાં હોય, પરંતુ તેમનાં નામ એકદમ સીધાં અને સરળ હોય છે, જેમ કે રોમેન્ટિક નાયક, સિંગર નાયક, ફાઈટર નાયક, પારિવારિક નાયક, ઐતિહાસિક નાયક વગેરે વગેરે...
આમ તો આખી દુનિયા ભેદભાવથી ભરેલી છે, પરંતુ આપણા ફિલ્મી નાયકોમાં ભેદભાવ કરવાનું અત્યંત મુશ્કેલ હોય છે. ક્યારેક ધ્યાનથી જોવામાં આવે તો એક નાયક અને બીજા નાયકમાં જરા જેટલો જ ફરક જોવા મળે છે. આ જ થોડા ફેરફારના આધાર પર કેટલાક અત્યંત જાણીતા નાયકોની આપણે વાત કરીએ.
રોમેન્ટિક નાયક
એક રોમેન્ટિક પ્રકારનો નાયક હોય છે. આમ તો નાયક કહેવાનો અર્થ જ એવો થાય કે તે રોમેન્ટિક હોવો જોઈએ. રોમેન્સ કરવો એ નાયકનો જન્મસિદ્ધ અધિકાર હોય છે અને નાયક જો રોમેન્ટિક હોય તો પછી કહેવું જ શું? એક તો કરેલા ઉપર સે નીમ ચઢા. સુંદર વસ્ત્રો પહેરીને એક હાથમાં ગિટાર લઈને નીકળી પડ્યા રોમેન્સ કરવા માટે. ન ભણવું, ન નોકરી, ફક્ત એક જ ધંધો, રોમેન્સ. ફિલ્મોમાં બીજા નાયકો પણ રોમેન્સ કરતા હોય છે, પરંતુ તેઓ રોમેન્સની સાથે સાથે અન્ય કામ પણ કરતા હોય છે, જેમ કે બદલાની વાર્તાનો નાયક રોમેન્સ પણ કરશે, સાથે સાથે તે પોતાના બાપનો બદલો પણ લેશે. એક પારિવારિક ફિલ્મનો નાયક સાંજે રોમેન્સ કરશે, પરંતુ સાથે તે ઓફિસ પણ જશે. બીજી તરફ રોમેન્ટિક પ્રકારના નાયકને રોમેન્સ સિવાય અન્ય કશું પણ કરવાની પરવાનગી હોતી નથી. તે જાગશે તો રોમેન્સનાં સપનો જોશે. એકદમ ટ્વેન્ટીફોર અવર જોબ. કોઈ રજા નહીં અને કોઈ આરામ નહીં. તેનું શિક્ષણ, તેની જવાની અને તેની આખી જિંદગીનું ફક્ત એકમાત્ર લક્ષ્ય હોય છે. નાયિકાને દિલ આપવું અને નાયિકાનું દિલ લઈ લેવું. તેને માટે શિક્ષણ લેવાનો અર્થ છે કે નાયિકાને લાયક બનવું. તેને માટે યુવાન થવાનો એકમાત્ર ઉપયોગ છે, નાયિકા સાથે કપલ સોન્ગ ગાવાં. તેના જન્મનો એકમાત્ર હેતુ હોય
છે, પ્યારમાં જીવવું અને પ્રેમમાં મરી જવું.
પારિવારિક નાયક
પારિવારિક નાયક એમને કહે છે કે જે આપણને અત્યંત જાણીતો લાગે છે. આપણામાંનો જ એક હોય એવું લાગે. કોઈ મહામાનવ કે પછી સુપર હ્યુમન જેવો ન લાગે. જોકે, ભારતીય ફિલ્મોનો નાયક સામાન્ય જેવો લાગતો હોય તેમ છતાં આ વાત કોઈ રીતે યોગ્ય લાગતી નથી. પારિવારિક નાયક બનવા માટે કલાકાર સારો અભિનેતા હોવો અત્યંત આવશ્યક છે. સ્વ. મોતીલાલ, સ્વ. બલરાજ સાહની, સ્વ. સંજીવ કુમાર અને અમોલ પાલેકર આવા પારિવારિક નાયકોની વ્યાખ્યામાં ફિટ બેસતા હતા.
આજે અમિતાભ બચ્ચન કે ધર્મેન્દ્ર જેવા અભિનેતાને લઈને કોઈ નિર્માતા ‘છોટી સી બાત’ ફિલ્મમાં ઓફિસનું કામ કરનારા ક્લાર્કની ભૂમિકામાં નાયક બનાવીને જુએ, દર્શકો થિયેટર હોલની તરફ જોશે પણ નહીં. આને માટે અમોલ પાલેકર જેવો પારિવારિક નાયક જ લેવો પડે, જેને બોસ ધમકાવી શકે. હવે અમિતાભ બચ્ચનને તેનો બોસ ધમકાવે તો દર્શકો થોડા સાંખી લેવાના છે? આવી જ રીતે અમોલ પાલેકર જો ધર્મેન્દ્ર કે અમિતાભ બચ્ચનની જેમ અમરિશ પુરીને મુક્કો મારશે તો તમને શું લાગે છે કે દર્શકો તાળી વગાડશે? ના, તે તાળી નહીં વગાડે, પોતાના કપાળ પર હાથ મારશે. ઘોડો ઘોડાની જગ્યા પર યોગ્ય લાગે છે અને ગધેડો ગધેડાની જગ્યા પર.