સંતાનો તમારો પડછાયો બનીને રહે એ સમય હવે ચાલ્યો ગયો છે

જિનદર્શન -મહેન્દ્ર પુનાતર
વૃદ્ધાવસ્થા એ જીવનનો કપરો તબક્કો છે. ઉંમરનો તકાજો કોઇને છોડતો નથી. ઉંમરની સાથે ખોરાક અને ઊંઘ ઓછી થઈ જાય છે. શરીર અને મન ભાંગી પડે છે અને અજ્ઞાત ભયો સતાવ્યા કરે છે. આવા સમયે વૃદ્ધોને ટકાવી રાખે એવું જો કોઈ બળ હોય તો તે છે કૌટુંબિક શાંતિ, પ્રેમ, સ્નેહ અને આદર. સંતાનો તરફથી જેમને સુખ મળતું નથી એવા વૃદ્ધોનું જીવન સમુદ્રના તોફાનમાં છૂટી મુકાયેલી હાલકડોલક નૌકા જેવું બની જાય છે. વૃદ્ધોને માટે પારિવારિક શાંતિ અને સંતોષનું અતિ મહત્ત્વ છે. જીવન જીવવા માટેનું આ ટોનિક છે.
સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે વડીલોને આ સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? વૃદ્ધત્વને સુખી અને આનંદમય કેવી રીતે બનાવવું એ પણ એક કલા છે. સંતાનો મા-બાપ સાથે જે રીતે વર્તન અને વ્યવહાર કરતા હોય છે તે જોઈને કેટલીક વખત હૃદય ધબકારો ચૂકી જાય છે. મા - બાપુનું અપમાન તેમને હડધૂત કરવા, તેમની જરૂરતોનો ખ્યાલ કરવો નહીં, તેમની સંભાળ રાખવી નહીં અને તેમની પાસેથી બધું ઝુંટવી લેવું, તેમને ઘરમાંથી કાઢી મૂકવા આ બધું અત્યારના યુગમાં બની રહ્યું છે. જીવન સંગ્રામમાં જીવનભર ઝઝૂમેલા આ વૃદ્ધો પોતાના સંતાનો સામે હારેલા યોદ્ધા જેવા નજરે પડે છે. આજના યુગની આ બલિહારી છે.
વર્તમાન જીવનમાં આર્થિક, સામાજિક અને રાજકીય પરિબળોના કારણે કુટુંબ જીવન અસ્થિર બનતું જાય છે. બે પેઢીઓ વચ્ચેનું અંતર આનું કારણ છે. પ્રેમ સહાનુભૂતિ, વ્યક્તિગત સ્વભાવ તેમજ રુચિ અને ગમા-અણગમાને કારણે મોટી ખાઈ ઊભી થઈ છે.
આ બધામાં માત્ર સંતાનો જવાબદાર નથી. વડીલો પણ એટલા જ દોષિત છે. તેઓ સમયની સાથે પરિવર્તન ઊભું કરી શક્યા નથી. તેઓ નવી પેઢીને સમજી શકતા નથી. વૃદ્ધો પોતાના ભૂતકાળને ભૂલતા નથી. એટલે વધુ દુ:ખી થાય છે. સમય બદલાય તેમ માણસે બદલવું પડે છે. અને એડજસ્ટ કરવું
પડે છે.
વૃદ્ધોને માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે સંતાનોને સલાહ આપવાથી અને ઘરની બાબતમાં માથું મારવાથી દૂર રહેવું. કોઈનું કશું વાંકું બોલવું નહીં. કોઈની આડા ઊતરવું નહીં. કોઈની સાથે જીભાજોડી કરવી નહીં. ઘરમાં બધા પ્રત્યે પ્રેમ અને સ્નેહ રાખવો અને પ્રભુનું સ્મરણ કરવું. આટલું જો આવડે અને નિર્વાહ પૂરતી મૂડી હોય અને મનપસંદ પ્રવૃત્તિ હોય તો વૃદ્ધો પણ જિંદગીની મજા માણી શકે છે. સંતાનો પાસેથી વડીલોની વધુ પડતી અપેક્ષા અને તેઓ પોતાને ચીલે ચાલે અને પોતાનું કહ્યું કરે એવી મહેચ્છાએ પણ સંઘર્ષ
સર્જ્યો છે.
જીવનમાં એ માણસ સુખી બની શકે છે જેને યોગ્ય સમયે નિવૃત્ત થતા આવડે છે. નિવૃત્ત થવું એટલે તેનો અર્થ એ નથી કે કામ છોડી દેવું. અહીં તો પ્રવૃત્તિમાં નિવૃત્તિ ધારણ કરવાની વાત છે. જંજાળમાંથી મુક્ત થવાની વાત છે. હકીકતમાં તો વર્ષોથી જમાવેલી હકૂમત છોડવાની છે. વર્ચસ્વનો ત્યાગ કરવાનો છે. કુટુંબમાં જે પદ અને સત્તા ધારણ કરી હતી તે સંતાનોને સોંપવાની વાત છે. યોગ્ય સમયે સત્તાપલટો થઈ જાય તો સંઘર્ષને અવકાશ રહેતો નથી. સમાજ કે કુટુંબની હકુમત તમારે છોડવાની જ છે. સ્વેચ્છાએ તમે ત્યાગ કરો કે કોઈ તમારી પાસેથી ઝૂંટવી લે એ બે વચ્ચે માત્ર પસંદગી કરવાની છે.
કોઈપણ જગ્યાએ માણસ જલ્દીથી નિવૃત્ત થઈ શકતો નથી. જે સામ્રાજ્ય જમાવ્યું છે તે છોડવા જીવ ચાલતો નથી. કુટુંબમાં અને સંસ્થાઓમાં આવું બનતું હોય છે. જે સંસ્થા પોતે રચી, જે કુટુંબને પોતે સમૃદ્ધ બનાવ્યું તેને આમ મઝધારે કેમ મૂકી દેવાય તેમ વડીલો માનતા હોય છે. પોતે આ બધું છોડી દેશે તો કોઈ સંભાળી નહીં શકે. બધું કર્યું કારવ્યું એળે જશે એવી તેમની માન્યતા હોય છે. તેઓ થાકે નહીં, હારે નહીં ત્યાં સુધી આ બધું છોડતા નથી.
ઉંમર વધે, સંતાનો મોટા થાય, વિવાહિત બને, કામ ધંધે લાગે ત્યારે માતા-પિતાએ લગામ છોડી દેવી જોઈએ. અને તેમના માર્ગે જવા દેવા જોઈએ. સલાહ માગે તો આપવી નહિતર ડાહ્યા થવું નહીં. તેમના પર નિયંત્રણ મૂકવા નહીં. જરૂર પડે તો પ્રેમપૂર્વક સમજાવવાનો પ્રયાસ કરવો. આગ્રહ રાખવો નહીં. સંતાનો પર હાવી બનીને રહેવું નહીં. તેમનો વિકાસ તેમની રીતે કરવા દેવો. ઘરમાં સંસ્કારનું વાતાવરણ હશે તો તેની અસર તેમના પર પડવાની જ છે. એક બાબત સમજી લેવી જરૂરી છે કે સંતાનો તમારો પડછાયો બનીને રહે એ સમય ચાલ્યો ગયો છે. જે વડીલો પોતાના સંતાનોને વારંવાર ટોકતા હોય, કટકટ કરતા હોય, તેમની ભૂલોને રાઈના પર્વત જેવી મોટી કરતા હોય તે વડીલો સંતાનોનો આદર ગુમાવે છે.
દીકરાઓ મોટા થાય, ધંધો સંભાળે કે પગભર થાય એ પછી પિતાએ ઘર અને ધંધાનો કારોબાર તેમને સોંપી દેવો જોઈએ. માતાએ પણ ઘરમાં વહુ આવે એટલે તેને ઘરની ચાવી સોંપી દેવી જોઈએ. જવાબદારી એક સમજણ અને સૌજન્ય ઊભું કરે છે. વિશ્ર્વાસ અને ભરોસાથી પ્રેમ અને સ્નેહ વધે છે. વડીલોએ સંતાનોને મોટા બનાવવા જોઈએ અને મિત્ર જેવા ગણવા જોઈએ. સંતાનો પાસેથી વધારે પડતાં માનની પણ અપેક્ષા રાખવી જોઈએ નહીં.
સંતાનો માત - પિતાની સર્જન છે. ખરા અર્થમાં કહીએ તો કાર્બન કોપી છે. સંતાનોમાં ગુણો -અવગુણો, ખૂબીઓ ખામીઓ, આવડત - અણઆવડત બધામાં માતપિતાના થોડા ઘણા અંશો તો જરૂર દેખાવાના. માતા-પિતા બચપણથી પોતાના બાળકોને પોતાની રીતે ઘડવા માગતા હોય છે. બાળકોએ શું કરવું અને શું ન કરવું તેના પદાર્થપાઠ પોતાની માન્યતા અને ખ્યાલ મુજબ શીખવતા હોય છે. સંતાનો સાચા બને તેની નહીં પરંતુ પાકા બને તેની મા-બાપને ખેવના હોય છે. બાળક નાનું હોય ત્યારે તેની ક્રિયાઓ સ્વાભાવિક હોય છે. પરંતુ ધીરેધીરે દુનિયાદારીના પાઠો શીખી જાય છે. માતા-પિતા બાળકોને પોતાના ઢાચામાં ઢાળવાનો પ્રયાસ કરતા હોય છે. ઈર્ષા, અદેખાઈ, કપટ, કાવાદાવા અને આ બધું તેમને કૌટુંબિક જીવનમાંથી શીખવા મળે છે. ઘરમાં જેવું વાતાવરણ હોય એવું બાળક ઘડાય છે. જે કુટુંબમાં પ્રેમ, સ્નેહ અને ઉદારતા હોય ત્યાં બાળકોમાં તે પ્રકારના ગુણો ખીલે છે.
સંતાનો ગજું કાઢે, આજ્ઞામાં ન રહે ત્યારે ફરિયાદ થતી હોય છે કે અમે તેને માટે જાત ઘસી નાખી હવે તેમને અમારી પડી નથી. આજના સંતાનો કહે છે એમાં તમે શી ધાડ મારી. બધા માત-પિતા આમ કરે છે. તમે કયુર્ં તમારી ફરજ હતી. તમે તમારી રીતે કર્યું અમે અમારી રીતે કરીએ છીએ. તમને ઓછું લાગે તો અમે શું કરીએ. તમને અમારી કદર નથી.
મા-બાપ પોતે જે કંઈ કર્યું છે એના ગુણગાન ગાયા કરે છે કરે તો તેમનું ગૌરવ હણાય. કૃતજ્ઞતા હક્ક કરીને માગવા
જેવી ચીજ નથી. વડીલો જેવું વાવ્યું હોય તેવું લણી શકે છે. તમે માત-પિતા, ભાઈઓ-બહેનો, કુટુંબીજનો પ્રત્યે જેવું વર્તન દાખવ્યું છે તેવું સંતાનો તમારા પ્રત્યે દાખવશે. સંતાનો મા -બાપના વાણી, વહેવારો અને વર્તનનું બારીકાઈથી નિરીક્ષણ કરતા હોય છે. અને મોટા થાય છે ત્યારે તેનું આબેહૂબ અનુકરણ કરતા હોય છે. સંતાનો વાંકા ચાલે તો મા-બાપે સમજવું જોઈએ કે તેમના ઉછેરમાં પોતાની જ ખામી રહી ગઈ છે. જેવું કરીએ એવું ભોગવવું પડે.
સંતાનોને પણ માતાએ કરેલા ઉપકાર ભૂલવા જોઈએ નહીં. કેટલીક વસ્તુઓ સ્વભાવ અનુસાર હોય છે. તે જલદીથી બદલી શકાતી નથી. થોડું ચલાવી લેવું પડે. પ્રેમ અને સ્નેહ હશે તો બધું બદલાઈ જશે. જો આમ નહીં હોય તો બંને પક્ષે ગમે તેટલું સારું કરો તો પણ તેનું ધાર્યું પરિણામ નહીં આવે. દુનિયામાં બધી વસ્તુઓ પસંદગીથી મળે પરંતુ માતા-પિતા કે સંતાનો પસંદ કરી શકાતા નથી. ઋણાનુબંધન અને કર્મો અનુસાર આવો મેળાપ થાય છે. અને તે મુજબ સુખ મળે છે. આ આપણા હાથની વાત નથી. બધું નિયતિને આધીન છે.
દીકરો પરણે અને નવી વહુ ઘરમાં આવે ત્યારે માતાએ એ સમજવું જોઈએ કે નવી દુનિયા આવી છે. તેને વધાવી લેવી જોઈએ. એક દુનિયા શરૂ થાય છે ત્યારે બીજી દુનિયા પુરી થાય છે. દીકરો પત્નીમાં વધુ રત બની જાય ત્યારે મા-બાપ ને એમ લાગે કે તે દીકરો હાથથી ગયો. પરંતુ એવું નથી આનાથી માત પિતા પ્રત્યેનો પ્રેમ ઓછો થતો નથી. દીકરો વહુને મહત્ત્વ આપે તો તેમાં મુંઝાવા જેવું નથી. તેનાથી ઊલટું રાજી થવું જોઈએ. દીકરો જો તેની પત્નીને પ્રેમ ન કરે તો તેનું દાંપત્યજીવન કેવી રીતે ટકી શકે ? તેમનો સંસાર કેવી રીતે આગળ વધી શકે ? ઘણા ઘરોમાં માતા-પિતા અને પત્ની વચ્ચે દીકરો ભીંસાતો હોય છે. પરંતુ તે કોઈને નારાજ કરી શકતો નથી. માત - પિતાની તરફેણ કરે તો પત્નીને ખોટું લાગે અને પત્નીની તરફેણ કરે તો માબાપ નારાજ થાય. આમ સૂડી વચ્ચે સોપારી જેવી તેની હાલત થાય છે. દિવસે-દિવસે તે અંદરથી તૂટ્યા કરે છે અને છેલ્લે વિસ્ફોટ થાય છે. તેમાં કાં તો માતા-પિતા અથવા પત્ની ભોગ બને છે. દીકરો ગમે તેટલો મોટો થાય, પોતાની દુનિયામાં ગમે તેટલો ડૂબે પરંતુ મા-બાપને ન ભૂલે તેનો ખ્યાલ કરવો જોઈએ. માત-પિતા સંતાનો માટે હૂંફ, સહારો અને સધિયારો છે. એકબીજાને સમજવાની અને અનુરૂપ થવાની કોશિશ કરવી જોઈએ. પારિવારિક શાંતિ સાચા સુખનો આધાર છે.
કુટુંબ અને સમાજ માટે વડીલોનું તર્પણ બહુ મોટું પણ હોય છે. તેમણે મહેનત અને પરિશ્રમથી ઊભી કરેલી મહેલાત પર નવી પેઢી આવીને ઊભી છે. તેમનું ઉચિત સન્માન જળવાય એ અત્યંત જરૂરી છે. જમાના પ્રમાણે પરિવર્તન અને બદલાવ જરૂરી બની રહે છે.
કોઈપણ કુટુંબની સભ્યતા અને તેનું ગૌરવ ઘરમાં વૃદ્ધોનો, વડીલોનો આદર કેવો થાય છે તેના પરથી અંકાય છે. કુટુંબની સુખ અને શાંતિ, પરસ્પર પ્રેમ, સ્નેહ અને સહકાર પર નિર્ભર છે. સંસ્કારી કુટુંબનો આ માપદંડ છે. દીકરો બાપથી મોટો થવા લાગે ત્યારે બાપે સમજવું જોઈએ કે તેની દુનિયા હવે પૂરી થઈ ગઈ છે. શરીરથી પડછાયો મોટો થવા લાગે ત્યારે સૂર્યાસ્ત નજીક હોય છે.
-------------------+-------------------