અમદાવાદમાં શરદી અને ઉધરસના કેસ વધ્યા: કોરોના ટેસ્ટ કરાવવા લોકોની ભારે ભીડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં થઇ રહેલા વધારાની સાથોસાથ કાતિલ ઠંડીને લીધે વાઇરલ શરદી અને તાવના કેસ પણ વધતા અમદાવાદમાં કોરોના કેસની શંકાને પગલે લોકો સામે ચાલીને મનપાએ ઊભા કરેલા ટેસ્ટીંગ સેન્ટરો પર ટેસ્ટ કરાવવા માટે લાંબી લાઇનો લગાવી રહ્યાં છે.
શહેરમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ અમદાવાદ શહેરમાં શરદી અને ઉધરસના કેસોમાં વધારો જોવા મળ્યો છે. નાના ક્લિનિકથી લઈને હોસ્પિટલોમાં લોકોની ભારે ભીડ દેખાઈ રહી છે.
અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ બાદ તંત્ર દ્વારા લગાડવામાં આવેલા તમામ ટેસ્ટિંગ ડોમ પર લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. રાજ્યમાં હાલ ઠંડીના પ્રમાણમાં વધારો થતા લોકોમાં શરદી અને ઉધરસ થવાના કેસો વધ્યા છે. શહેરના નાના દવાખાનાઓ હાલ શરદી અને ઉધરસના દર્દીઓથી ઉભરાઈ ગયા છે.
લોકો એમ કહી રહ્યા છે કે અત્યારે રાજ્યમાં કોલ્ડ વેવ ચાલી રહ્યો છે અને આવામાં વહેલી સવારથી જ લોકો ધાબા પર પતંગ ચગાવવા પહોંચી જતા હોવાથી શરદી અને ઉધરસના કેસ વધી રહ્યા છે, પણ આ લક્ષણોને હળવાશથી લેવા જોઇએ નહીં. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત બે દિવસથી નિયંત્રણ આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસ બે દિવસથી ઘટી રહ્યા છે. જેના પગલે અમદાવાદમાં માઈક્રો ક્ધટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે.