પચાસ વર્ષની ઉંમરે યોગ કે પ્રાણાયામ કરી શકું?

કેતકી જાની
સવાલ: હું પંચાસ વર્ષની છું અને ઘણા બધા રોગો સાથે જીવું છું. સ્વસ્થ થવા માટે અથાક પ્રયત્નો કરું છું. હવે ઘણા બધા લોકોના કહેવાથી યોગ કે પ્રાણાયામ તરફ વળવા વિચારું છું. શું હું આ ઉંમરે તે કરી શકું? જાતે જ ઘરે તેની શરૂઆત કરવી હોય તો શું કરવું જોઇએ? મને ડિટેઇલમાં આ અંગે તમામ માહિતી જણાવશો? વજન પણ વધુ છે, શું કરવું?
જવાબ: બહેન, આપ ઘણા બધા રોગ સાથે જીવી રહ્યાં છો તેથી આપે લગભગ બધા જ પ્રકારની દવાઓની અજમાયશ પણ કરી જ હશે, તેમ માનું છું. તમારી શારીરિક વ્યાધિઓ વિશે તમે માહિતી નથી આપી તેથી યોગ-પ્રાણાયામની વાત શરૂ કરતાં પહેલાં ખાસ વાત એ કહીશ કે તમારે કોઇ જ દવા નિયમિત લેવાની હોય એટલે કે નિયમિત કોઇ દવા તમે લેતાં હોવ તો તે દવા યોગ-પ્રાણાયામ શરૂ કર્યો એટલે બંધ કરી દેવી, તેમ કદાપી ન કરતાં. દવાઓ ચાલુ જ રાખવી, યોગ-પ્રાણાયામ સાઇડમાં ચાલુ કરવા. સૌપ્રથમ તો તમારી ઉંમરને ધ્યાનમાં રાખી તમે જે પણ ખાસ કરીને યોગ કરો તેમાં શરીર કુદરતી જેટલું વળે તેટલું સહજ રીતે જ, શારીરિક મર્યાદામાં રહીને જ વાળવું-બેસવું. નિયમિત રીતે યોગ-પ્રાણાયામથી તમને નિશ્ર્ચિત ફાયદો થશે જ. તેમાં કોઇ શક નથી. શક્ય હોય તો રામદેવ બાબા જે લાઇવ ડેમો આપે છે તે વીડિયો ખાસ જોઇને બાદ જ પ્રાણાયામ-યોગ શરૂ કરવો અને જો ઘરની આસપાસ કોઇ યોગ-પ્રાણાયામ માટે સેન્ટર હોય તો ત્યાં થોડા દિવસ શીખવા માટે પણ જવું જોઇએ, જેથી તમે ઘરે હંમેશાં જે કરશો તેમાં ચોકસાઇ આવશે. ભસ્ત્રિકા પ્રાણાયામ, કપાલભાતિ પ્રાણાયામ, અનુલોમ-વિલોમ પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ અને શ્ર્વાસોની આવનજાવન પર ધ્યાન કેન્દ્રિત કરવું. તમારી ઉંમરને ધ્યાનમાં રાખી આ પ્રાણાયામ શીખીને તેને રોજેરોજ કરવા ફાયદાકારક નીવડશે તેવું હું માનું છું. તમારી શારીરિક ક્ષમતા ન હોય અને યોગના ચક્કરમાં ક્યાંક બકરું કાઢતાં ઊંટ પેસે તેવું ન થવું જોઇએ. માટે આપ પ્રાણાયામ દ્વારા તમારા શરીરને તંદુરસ્ત થવા મદદ કરો. હવે વાત પ્રાણાયામ કરવાનું શરૂ કરશો તે પહેલાં તેને લગતા નિયમો આપની જાણ સારુ જણાવું છું. પ્રાણાયામ માટે સવારનો સમય સર્વશ્રેષ્ઠ છે. સવારે નિત્યકર્મ પતાવી ભૂખ્યા પેટે નિશ્ર્ચિત અવધિ (જે શરૂમાં ઓછી રાખી ક્રમશ: વધારતા જવી) પ્રાણાયામ કરવા. આ સેશન બાદ શક્ય હોય તો ત્રણ અને ઓછામાં ઓછો એક કલાક કંઇ જ ખાવું -પીવું નહીં. પ્રાણાયામ જ્યાં કરવાના હોય તે જગ્યાએ શુદ્ધ અને સ્વચ્છ હવાની અવરજવર અનિવાર્યપણે હોવી જોઇએ, ધૂળ કે ધુમાડો આવતો હોય તેવી જગ્યાએ ન બેસવું.
પ્રાણાયામ કરતી વખતે સુતરાઉનાં ખૂબ જ ચુસ્ત નહીં અને એકદમ ઢીલાં પણ નહીં તેવાં કપડાં પહેરવાં જરૂરી છે.
ચશ્માં હોય તો ચશ્માં ઉતાર્યા બાદ જ પ્રાણાયામ કરવા જોઇએ. શુદ્ધ સાત્ત્વિક આહાર અને વિચાર સાથે કપટરહિત જીવન જીવવું પ્રાણાયામની અસરકારકતા વધારે છે. જ્યાં પ્રાણાયામ કરો તે જગ્યાએ પંખા કે એર કન્ડિશનર ચાલુ ન હોવાં જોઇએ. આ સેશન બાદ તરત જ પાણી ન પીવું. તરસ ખૂબ લાગી હોય તો અડધા કલાક પછી થોડું પાણી પીવું. ક્ષમતા અનુસાર જ યોગ-પ્રાણાયામ કરવા, જબરદસ્તી કોઇ પણ હલનચલન કરવું નહીં. નિયમિતતા યોગ શારીરિક પ્રાણાયામથી થતા ફાયદા માટે અનિવાર્ય તત્ત્વ છે, તેમ દસ દિવસ કરીને અગિયારમા દિવસે શું ફાયદો થયો? તે વિચારવા-ગણવા બેસશો તો કોઇ જ મતલબ નથી, તેથી હમણાંથી જ મનમાં ગાંઠ વાળજો કે છ મહિના નિયમિત નિશ્ર્ચિતપણે અડધાથી એક કલાકના સેશન તો કરીશ જ અને ત્યાર બાદ જ ફાયદો કે ગેરફાયદો ગણીશ. આ સેશન દરમિયાન કોઇ મનગમતું શાંત સંગીત અને ઓમકારનું સતત આવર્તન આવકાર્ય છે. અંતે આપની તબિયત અને ઉંમર બન્નેનો વિચાર કરી હું એટલું જ કહીશ કે શક્ય હોય તો એકાદ-બે વાર કોઇ પ્રોફેશનલ અક્સપર્ટ યોગ-પ્રાણાયામ ગુરુનો સંપર્ક કરી આ શરૂ કરો, જાતે જ ઘરે તમે શરૂ કરશો તો જે ફાયદો થશે તેના કરતાં તમને નિશ્ર્ચિત શું શું અને કેમ કરવું તેનું માર્ગદર્શન તેઓ જ આપી શકશે. અસ્તુ... ઉ