વિરારમાં ભાઈએ બહેન પર કર્યો કોયતાથી હુમલો: વીડિયો વાયરલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાયંદર: ઘરમાં દીવાલના સમારકામને લઈ થયેલા વિવાદમાં ભાઈએ કોયતા વડે બહેન પર હુમલો કર્યો હતો હોવાની ઘટના વિરારમાં બની હતી. ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વિરાર પોલીસના જણાવ્યા મુજબ ઘટના ૧૩ જાન્યુઆરીએ બની હતી. આ પ્રકરણે ગુનો નોંધી આરોપી ભાઈ રાજુ માયા પાટીલ (૫૫)ની ધરપકડ કરવામાં આવી હતી.
વિરાર પશ્ર્ચિમમાં શાકભાજી માર્કેટ પરિસરમાંના માયા નિવાસમાં રહેતા રાજુનો છેલ્લા કેટલાક સમયથી વૃદ્ધ બહેન સ્મિતા શાહ (૬૫) સાથે વિવાદ ચાલી રહ્યો હતો. તેમની વચ્ચે વારંવાર ઝઘડા પણ થતા હતા. ૧૨ જાન્યુઆરીએ ઘરના લિવિંગ રૂમની દીવાલના સમારકામને લઈ તેમનો ફરી ઝઘડો થયો હતો. તે દિવસે સ્મિતાએ રાજુ વિરુદ્ધ વિરાર પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. આ પ્રકરણે પોલીસે બિનદખલપાત્ર ગુનો (એનસી) નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ કરવા બદલ રાજુ રોષે ભરાયો હતો. ૧૩ જાન્યુઆરીએ તેણે સ્મિતા પર કોયતા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી સ્મિતાને સારવાર માટે સંજીવની હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી. આ આખી ઘટના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી. બાદમાં ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.