કોપર, બ્રાસ, ઝિન્ક અને ટીનમાં બાઉન્સબૅક
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે ખાસ કરીને કોપર, બ્રાસ, ઝિન્ક અને ટીનમાં સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી લેવાલી નીકળતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩થી ૨૫નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જ્યારે નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતા ભાવમાં વધુ કિલોદીઠ રૂ. ૮નો ઘટાડો આવ્યો હતો અને લીડ ઈન્ગોટ્સમાં નિરસ માગે ભાવ કિલોદીઠ રૂ. ૧ ઘટી આવ્યા હતા. જોકે, આજે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમની વેરાઈટીઓમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં ટીન, ઝિન્ક સ્લેબ, બ્રાસ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ સિવાયની અન્ય વેરાઈટીઓમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી તેમ જ વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જેમાં ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૨૫ વધીને રૂ. ૨૯૨૫, કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૬ વધીને રૂ. ૭૬૭, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૪ વધીને રૂ. ૭૩૬ અને કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી, બ્રાસ શીટ કટિંગ્સ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને અનુક્રમે રૂ. ૭૫૪, રૂ. ૭૪૪, રૂ. ૫૬૪, રૂ. ૫૦૮ અને રૂ. ૩૧૫ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે માત્ર નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી જળવાઈ રહેતા તેમ જ લીડ ઈન્ગોટ્સમાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૮ ઘટીને રૂ. ૨૨૨૫ અને રૂ. ૧ ઘટીને રૂ. ૧૮૫ના મથાળે રહ્યા હતા.