કચ્છને ઠંડીનો બુસ્ટર ડોઝ: નલિયામાં ૪.૮ ડિગ્રી લઘુતમ તાપમાન
( અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: જમ્મુ-કાશ્મીર,દહેરાદુન સહિતના પર્વતીય વિસ્તારોમાં થઇ રહેલી હિમવર્ષાની અસર હેઠળ પોષ મહિનાના અંતિમ દિવસોમાં રણપ્રદેશ કચ્છ પર ઠંડીએ આક્રમણ જારી રાખ્યું હોય તેમ અબડાસા તાલુકાનું નલિયા ૪.૮ ડિગ્રી સે.લઘુતમ તાપમાન સાથે ઠંડુંગાર બન્યુ છે. ગાંધીનગર બાદ નલિયા ઠંડીમાં બીજો નંબરે રહ્યું હતું. ભુજ પણ ૧૦.૩ ડિગ્રી સે.લઘુતમ તાપમાન સાથે ઠુંઠવાઇ રહ્યું છે. ગાંધીધામ, અંજાર, આદિપુર, ભચાઉ, નખત્રાણા સહિતના વિસ્તારોમાં તેમજ રણકાંધીના મથકોના જનજીવન પર તીવ્ર ટાઢની અસર વર્તાઇ રહી છે. મહત્તમ તાપમાનનો પારો પણ ગગડતા દિવસે પણ લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા નજરે પડી રહ્યા છે.
સમગ્ર ઉત્તર ભારતમાં ચાલુ શિયાળામાં જાણે હિમયુગ બેઠો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તેની અસર હેઠળ કચ્છમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ઠંડી પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
---------
ગાંધીનગરમાં નલિયા કરતા વધુ ઠંડી: ૪.૩ ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર: અમદાવાદમાં ૧૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં સિવિયર કોલ્ડવેવની અસરથી પાટનગર ગાંધીનગરમાં રાજ્યની સૌથી વધુ ઠંડી પડી હતી. ૪.૩ ડિગ્રી લધુમ તાપમાન સાથે રાજ્યનું સૌથી વધુ ઠંડુનગર બન્યું હતુ. સામાન્ય રીતે નલીયામાં સૌથી વધુ ઠંડી નોંધાતી હોય છે, પરંતુ ગાંધીનગરે નલીયાને પાછળ ધકેલ્યું હતું. જ્યારે અમદાવાદમાં દસ વર્ષ બાદ એટલે કે, વર્ષ ૨૦૧૧ પછી જાન્યુઆરી મહિનામાં રેકોર્ડ બ્રેક ૬.૭ ડિગ્રી સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયુ હતું. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોલ્ડવેવનું મોજું ફરી વળતાં મોટાંભાગનાં શહેરો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયાં છે. આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર યથાવત્ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૪.૭ ડિગ્રી ગગડીને ૨૩.૬ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૫.૫ ડિગ્રી ગગડીને ૬.૭ ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે અમદાવાદમાં ૧૦ વર્ષ બાદ જાન્યુઆરી મહિનામાં સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાતા લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો નવ ડિગ્રીથી નીચે રહેવાની તેમજ ૨૭ કે ૨૭ જાન્યુ.ના રોજ ફરીથી અમદાવાદમાં ઠંડીનો પારો સાત ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. સિવિયર કોલ્ડવેવની અસરથી રાજ્યનાં મોટાભાગનાં શહેરો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયા છે. જે અંતર્ગત ૪.૩ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. આ ઉપરાંત રાજ્યનાં દરિયાકાંઠાના શહેરોને બાદ કરતાં રાજ્યનાં ૧૬ શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીની આસપાસ નોંધાતા રાજ્યમાં લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે.ઉ