દિલ્હીના પ્રદૂષણથી ઘરને બચાવવા બોન્સાઈને બનાવ્યું હથિયાર

વિશેષ-વનશ્રી પરીખ
આજકાલ બોન્સાઈ વૃક્ષનું ચલણ વધી ગયું છે. બોન્સાઈના છોડને લોકો સારા ભાગ્ય સાથે પણ જોડે છે. લગ્ન, જન્મદિવસ કે વિવિધ શુભ પ્રસંગોમાં ભેટ તરીકે આપવાની ફેશન પણ જોવા મળે છે. આ ક્ષેત્રમાં રોજગારની પણ સંભાવના વધતી જાય છે. આજે આપણે એક એવી વ્યક્તિને મળીશું કે જેમનો બોન્સાઈ બનાવવાનો શોખ પ્રતિ વર્ષ તેમને ૩૦થી ૩૫ લાખની કમાણી પણ કરાવી આપે છે.
વાત છે દિલ્હીમાં રહેતા સૌમિક દાસની. સૌમિકે વર્ષ ૨૦૧૯માં બોન્સાઈ તૈયાર કરવાની એક કંપનીની શરૂઆત કરી. આજે તેમની પાસે બોન્સાઈ તથા પેનજિંગના ૨,૦૦૦થી વધુ છોડ છે. વળી તેમણે ૩૦૦થી પણ વધુ લોકોને બોન્સાઈ બનાવવાની તાલીમ પણ આપી છે.
૫૨ વર્ષીય સૌમિક જણાવે છે કે ‘બાગકામ કરવું મને નાનપણથી પસંદ હતું. અમારા બાગમાં વિવિધ પ્રકારનાં અનેક વૃક્ષો તથા છોડ હતાં. ૧૯૯૦ની શરૂઆતના દશકામાં દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં એક પ્રદર્શન લાગ્યું હતું. હું તે જોવા ગયો. તે સમયે હું ૧૨મા ધોરણમાં હતો. મેં જીવનમાં પ્રથમ વખત બોન્સાઈના છોડ જોયા હતા. તેમને જોઈને હું અત્યંત પ્રભાવિત થયો. મને જિજ્ઞાસા થવા લાગી કે આ પ્રકારના છોડ કઈ રીતે તૈયાર કરી શકાય! બોન્સાઈની સુંદરતા મને પસંદ પડી ગઈ. હું તેમને હાથ લગાવવા લાગ્યો. તે સમયે એક વડીલ જેવા દેખાતા માળીએ આવીને મને કહ્યું આને આમ વારંવાર હાથ ન લગાવાય. તે અત્યંત મોંઘા છે.
સૌમિકની છોડ પ્રત્યેની જિજ્ઞાસા ઉત્તરોત્તર વધતી ગઈ. બીજાં દસ વર્ષના ગાળામાં તેમણે વિવિધ સ્થળે જ્યાં બોન્સાઈના છોડનું પ્રદર્શન હોય તેની મુલાકાત લેવાની શરૂઆત કરી. ઘરના બાગમાં પણ ૨૦૦ બોન્સાઈના છોડની કાળજી કરવા લાગ્યા.
બોન્સાઈના છોડ બનાવવા પણ એક કળા છે. એક વૃક્ષને તૈયાર કરવામાં વર્ષો લાગી જાય છે. આ પ્રક્રિયામાં વ્યક્તિએ અત્યંત ધીરજ રાખવી પડે છે. આ એક એવી કળા છે જે વ્યક્તિને માનસિકરૂપે પણ મજબૂત બનાવી દેતી હોય છે. જો તમે છોડની યોગ્ય સંભાળ રાખી શકવા સમર્થ હોવ તો છોડનું આયુષ્ય લાંબું મેળવી શકો છો. કોઈ છોડ ૫૦૦ વર્ષ પણ જીવી શકે તેવા હોય છે. તો કોઈ વળી હજારો વર્ષ જીવી શકે છે.
સૌમિકનું કહેવું છે કે ‘દિલ્હીની ગરમી અત્યંત આકરી હોય છે. તેમ છતાં અમારા ટેરેસમાં લગાવેલા હજારો બોન્સાઈને કારણે અમને ગરમીનો આકરો અનુભવ ક્યારેય થતો નથી. અમારું ઘર બહારના તાપમાનથી ૧૦ ડિગ્રી ઠંડું રહે છે તેથી અમને એ.સી.ની જરૂરિયાત પણ ખાસ પડતી નથી. આમ વીજળીની બચત થવાની સાથે પર્યાવરણને પણ ફાયદો થાય છે.’
બોન્સાઈના છોડનો વ્યાપાર કરવા માટે તેમને સારી તાલીમની આવશ્યકતા હતી. તે માટે તેમણે વર્ષ ૨૦૧૦માં ઈન્ડિયન બોન્સાઈ એસોસિયેશનનું સભ્યપદ પણ લીધું. એનસીઆર તથા મેટ્રો શહેરોમાં બોન્સાઈની ઉપર કામ કરતાં વિવિધ લોકો સાથે મીટિંગ પણ કરતા રહ્યા. દેશના વિવિધ ભાગોમાં તેઓ ખાસ પોતાના દ્વારા તૈયાર કરવામાં આવેલા બોન્સાઈ છોડને પ્રદર્શિત કરતા. ધીમે ધીમે કુટુંબીજનો તથા મિત્રોએ તેમને પોતાનો બિઝનેસ શરૂ કરવાની પ્રેરણા આપી.
વર્ષ ૨૦૧૯માં સૌમિકે નોઇડામાં પોતાની કંપનીની સ્થાપના કરી. સૌમિક સક્યુલેન્ટ પ્લાન્ટ, કેકટસની સાથે વિવિધ અત્યંત સુંદર છોડ પણ વેચે છે. તેમની ઈચ્છા બોન્સાઈને વધુ ને વધુ લોકપ્રિય બનાવવાની છે. તેમણે બોન્સાઈ માટે ખાસ ફાર્મ પણ લીધું છે, જે ચાર હજાર સ્ક્વેર યાર્ડમાં ફેલાયેલું છે, જેમાં પીપળો, વડ, માઈક્રોફિલા જેવાં ૩૦થી વધુ બોન્સાઈનાં વૃક્ષની તેઓ દેખભાળ કરી રહ્યા છે. તેમના ગ્રાહકો પૂરા ભારતમાં જોવા મળે છે. તેમને ઘેર બેઠાં ડિલિવરીની સગવડ પણ તેઓ આપે છે. તેમણે પોતાના બાગને સંભાળવા માટે ૪ માળી પણ રાખ્યા છે.
બોન્સાઈ એટલે કે કૂંડામાં વૃક્ષ વાવવાની કળા જે જાપાનની ભેટ છે. આ કળાને વધુ સુંદર બનાવવા માટે ચીનમાં પેનજિંગ ટેક્નિકની શરૂઆત કરવામાં આવી. આ ટેક્નિકમાં બોન્સાઈના છોડને પહાડ, નદી, પથ્થર ઘાસ જેવાં પ્રાકૃતિક દૃશ્યોની સાથે એક ટ્રેમાં લગાવવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે તમે જે પ્રાકૃતિક સુંદરતાને મોટા રૂપમાં જોઈ રહ્યા છો તેનું એક નાનકડું રૂપ પેનજિંગ છે. આ અમારી સૌથી મોટી વિશેષતા છે. સૌમિકનો દાવો છે કે તેમણે પેનજિંગ કલાને ભારતના લોકોમાં પ્રચલિત કરી. તેમાં છોડ માટે હાઈડ્રોપોનિક્સ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. આ સંરચનાને ફ્રીસ્ટેન્ડ કરવાની સાથે દીવાલ ઉપર પણ લગાવી શકાય છે.
સૌમિક જણાવે છે કે તેમની પાસે ૭૦૦ રૂપિયાથી લઈને ૨.૫ લાખ સુધીના છોડ છે. હાલમાં તેમનું પ્રતિ વર્ષ ટર્નઓવર ૩૦થી ૩૫ લાખ રૂપિયાનું થાય છે. સૌમિક ખાસ ભાર દઈને કહે છે કે ફક્ત પૈસાની વાત નથી. અન્ય વ્યક્તિને બોન્સાઈની કળા શીખવવી તેમના માટે વધુ ગર્વની વાત છે.
પાછલાં છ વર્ષમાં દિલ્હીના સાકેત વિસ્તારમાં ‘ધ ગાર્ડન ઓફ ફાઈવ સેંસેસ’માં પણ તેમણે તૈયાર કરેલા છોડને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ કામમાં તેમને દિલ્હી પર્યટન વિભાગની પણ મદદ મળી હતી. વર્ષ ૨૦૧૯માં તેમણે ડી.ડી. કિસાનની યુટ્યુબ ચેનલ ઉપર પણ પેનજિંગ કલા શીખવવાનાં ચાર ટ્યુટોરિયલ સિરીઝમાં ભાગ લીધો હતો.
સૌમિક પાસે પ્રત્યેક વયના છોડ છે. બે વર્ષથી સાત વર્ષના ૬૦૦થી વધુ બોન્સાઈ છોડ છે. ૧૦થી ૧૫ વર્ષની વયના છોડની સંખ્યા ૧૫૦ની આસપાસ છે. ૨૦ વર્ષથી પણ જૂના છોડની સંખ્યા ૧૦૦થી પણ વધુ છે.
છોડની દેખભાળ કરવામાં સૌથી મોટી અડચણ છે દિલ્હીનું હવામાન. દિલ્હીનું હવામાન પુણે કે બૅંગલુરુ જેવાં શહેરોની જેમ સ્થાયી નથી. હવામાં ભેજની ઊણપને કારણે છોડની સાચવણીમાં અનેક મુશ્કેલીઓ આવે છે. ગરમીના દિવસોમાં દિલ્હીનું તાપમાન ૪૭ ડિગ્રીથી પણ વધુ જોવા મળે છે. આ સમયગાળામાં અમારો હેતુ તો ફક્ત છોડને ગરમીના પ્રકોપથી બચાવવાનો જ હોય છે. આ માટે અમે ગ્રીન નેટનો ઉપયોગ કરીએ છીએ. ઠંડીમાં છોડને બચાવવા માટે પૉલિહાઉસનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી છોડને ૨૦-૨૫ ડિગ્રી તાપમાનમાં રાખી શકાય. છોડને ખાતર આપવા માટે કોઈ કેમિકલનો ઉપયોગ કરતા નથી. જૈવિક ખાતરનો ઉપયોગ તેઓ મોટા પ્રમાણમાં કરે છે. તેમના ફાર્મની આસપાસ અનેક ગૌશાળા છે. ખાતર માટે છાણ તેમની પાસેથી જ લે છે. રસોડામાં બિનઉપયોગી હોય તેવી શાકભાજીની છાલ-ચાનો કૂચો વગેરેનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બૉન મીલ તથા લીમડાનાં પાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
સૌમિક જણાવે છે કે આજે દેશમાં પ્રદૂષણનું પ્રમાણ મોટાં શહેરોમાં ઝડપી ગતિએ વધી રહ્યું છે. આવા સંજોગોમાં ટેરેસ ગાર્ડનિંગ હવામાનને પ્રદૂષિત બનાવતું રોકવાનો સારો વિકલ્પ છે, આથી તેમની ઈચ્છા વધુ ને વધુ લોકોને બોન્સાઈની કળા સાથે જોડવાની છે. તેમના ફાર્મમાં તેઓ ૩૦૦થી વધુ લોકોને તાલીમ આપે છે. દિલ્હીની સાથે લુધિયાણા, ચંડીગઢ, આગ્રા વગેરે શહેરોમાંથી લોકો બોન્સાઈની તાલીમ લેવા તેમને ત્યાં આવે છે. તેમની વર્કશોપ બે દિવસની હોય છે. આ દરમિયાન લોકોના ભોજનની વ્યવસ્થા પણ તેઓ કરે છે. વળી તેમને તાલીમ વખતે ઉપયોગી તેવાં સાધનો, છોડ તથા સિરામિક પૉટ વગેરે તેઓ પૂરા પાડે છે. તાલીમ માટે તેમણે ૨,૦૦૦ રૂપિયા ફી રાખી છે. છાત્રોને તેટલી જ કિંમતના છોડ આપવામાં આવે છે. આમ તેઓ પોતાના અનુભવનો લાભ લોકોને આપે છે. અંતમાં જણાવે છે કે તેમનો મુખ્ય હેતુ વધુ ને વધુ લોકો બોન્સાઈ કે અન્ય છોડના બાગકામ સાથે જોડાય તે છે. પર્યાવરણને માટે તે હાલના સંજોગોમાં અત્યંત જરૂરી છે. દુનિયામાં માનવતાને બચાવવાનું આ એક શ્રેષ્ઠ પગલું છે.