કઈ ‘ભૂલ ભુલૈયા’માં ફસાયું છે બોલીવૂડ?
‘ભૂલ ભુલૈયા ૨’નું ટ્રેલર જોતાં પહેલો વિચાર એ આવે કે બોલીવૂડ તેની જૂની સારી ફિલ્મોની રોકડી કરવાનું ક્યારે બંધ કરશે?

‘ભૂલ ભુલૈયા’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું. ૧૫ વર્ષ બાદ ફ્રેન્ચાઇઝીની સિક્વલ આવી રહી છે. સિક્વલ કહી દો એટલે એ જ પ્રકારનું સંગીત, એ જ થીમની વાર્તા બીજી વખત આપી દેવાની! આજકાલ ‘પુષ્પા’, ‘આરઆરઆર’ અને ‘કેજીએફ’ બાદ જે બોલીવૂડનો ખો નીકળવાની વાત થઈ રહી છે તેના મૂળમાં આ જ છે. દર્શકોને મૂર્ખ બનાવવાનું બંધ નહીં કરે તો બોલીવૂડનાં સૂપડાં સાફ થઈ જવાનાં.
‘ભૂલ ભુલૈયા ૨’નું ટ્રેલર લાંબું લાગે છે. પહેલું રિએક્શન એ જ હોવાનું કે તેમાં અક્ષય કુમાર નથી. બીજું ઊડીને આંખે વળગે છે તેની ટ્રીટમેન્ટ. જેમાં સીધું યાદ આવે છે કે પહેલી ફિલ્મ પ્રિયદર્શનની હતી, તેનો સ્ક્રીનપ્લે દાદુ નીરજ વોરાએ લખ્યો હતો અને તે મોહનલાલની મલયાલી ફિલ્મની સત્તાવાર રિમેક હતી. એટલે વાર્તામાં દમ તો ઑલરેડી હતો જ. જ્યારે આ ‘ભૂલ ભુલૈયા ૨’ (ડિરેક્ટર: અનિસ બઝમી) પહેલી ફિલ્મની રોકડી માટે બનાવી હોય તેવું લાગે છે. જોકે, યુવા દર્શકોમાં કાર્તિક આર્યનનો ક્રેઝ છે જ. ‘કબીર સિંહ’ અને ‘શેરશાહ’ પછી કિયારા અડવાણીએ પણ પોતાનું સ્થાન જમાવ્યું છે. આ ઉપરાંત તબ્બુ, રાજપાલ યાદવ, અમર ઉપાધ્યાય, સંજય મિશ્રા અને રાજેશ શર્મા સહિતના કલાકારો છે. પહેલી કલ્ટ હતી. તેનું સંગીત રણજિત બારોટ અને પ્રીતમે આપ્યું હતું, જે તે વખતે ખાસ્સું પોપ્યુલર રહ્યું હતું. બીજી ફિલ્મમાં પ્રીતમ તો છે જ, સાથે તનિષ્ક બાગ્ચીનું નામ પણ આવી ગયું છે!
એની વે, ૨૦મી મેએ ખબર પડી જશે કેવીક બની છે આ ફિલ્મ. ‘હાઉસફુલ ૪’, ‘એ ફ્લાઇન્ગ જટ્ટ’ જેવી ફિલ્મો લખનારા આકાશ કૌશિકે ‘ભૂલ ભુલૈયા ૨’ની વાર્તા અને સ્ક્રીનપ્લે લખ્યાં છે, તો હમણાં બચ્ચન પાંડે નામનો હથોડો મારનાર ફરહાદ સામજીએ ડાયલોગ્સ લખ્યા છે! એટલે આ ફિલ્મનું ભાવિ થોડું અધ્ધરતાલ લાગે છે! ઉ