દાસી જીવણ સાધનાધારા નિર્દેશતી ભજન રચના

ભજનનો પ્રસાદ -બળવંત જાની
જીવણ અને દાસી જીવણથી, જીવણસાહેબ જેવા પદ સુધી પોતાની વ્યક્તિમત્તાનો વિકાસ સાધનારા જીવણસાહેબની સાધના ધારાનો સ્વાધ્યાય ચાખ્યો એમાં સતત ભાઈશ્રી નિરંજન રાજયગુરુ મને સ્મરણમાં રહ્યા. મકરંદાનુરાગી, નિરંજન, જયમલ્લભાઈ અને ભાયાણી સાહેબ પણ એમના પરત્વે અનુરાગ દાખવતા થયા, નિરંજનમાંથી સંશોધક ડો.નિરંજન, ગૃહસ્થી નિરંજન, અનેક એવોર્ડથી પોંખાતો-પુરસ્કારાતો નિરંજન અને મહામંડલેશ્ર્વરના પદ સુધી પહોંચીને પણ નિર્મમ, નિસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમભાવ પ્રગટાવતી તેમની વ્યક્તિમત્તાનો મને ઊંડો પરિચય છે. એક વખત અમે ડાકોર રણછોડરાયના દર્શને ગયેલા. હજુ દર્શન માટેના કમાડ ખૂલ્યા ન હતા. હકડે ઠઠ માનવ મહેરામણ વચ્ચે અમે ઊભેલા. નિરંજને ભાવભર્યા કંઠે દાસી જીવણનું ‘શામળિયે કરી છે ચકચૂર ઘેલીતૂર, ગાંડીતૂર...’ નિમિલિત નેત્રે ભજનગાનમાં મસ્ત નિરંજનને માનવ સમુદાયે આગળ કમાડ સુધી જવાનો માર્ગ કરી આપ્યો. સાથે-સાથે મને પણ. પરંતુ જયાં ભજન પૂર્ણ થયું ને કમાડ ખૂલ્યા અને પુજારીએ રણછોડરાયની પુષ્પમાળાથી નિરંજનને પોંખેલા. સ્વાગત કરેલું. એમની સાથેની આ ક્ષ્ાણો, એમની જીવણ પ્રીતિ કાંઈ સ્થૂળ પ્રાપ્તિ માટેની ન હતી. પરંતુ સૂક્ષ્મની એની યોગમાર્ગી ઉપાસનાની કેડીએ ચાલવાની વ્રતધારી વ્યક્તિમત્તા હતી એની પ્રતીતિ થઈ.
દાસી જીવણનો જીવનકાળ ઈ.સ.૧૭પ૦ થી ૧૮રપ સુધીનો નિર્ધારિત કરવા માટે એમણે વિવિધ ઐતિહાસિક સમયના પરિમાણો, પ્રમાણો અને દસ્તાવેજી આધારો મૌખિક પરંપરાની વિગતોને કેન્દ્રમાં રાખીને સંતોના જીવનકાળ, ક્વનકાળને નિયત કરવાનું માળખુ બતાવ્યું એ એમની પ્રજ્ઞાનું પરિણામ છે. નિરંજન રાજયગુરુએ દાસી જીવણની વાણીનું અવગાહન, અવલોકન કરીને અશેષ્ાપણે આલેખન ક્યુર્ર્ં. એ આપણી જ્ઞાનપરંપરાનું આભરણ છે. એમની સાધનાધારા ચીંધતી એક ભજનરચનાને આસ્વાદીએ-
‘એવાં હેત રાખજો તમે રામ સે (ટેક)
રાખે જેમ ચં ને ચકોર, રાખે જેમ બાપૈયા ને મોર,
એવાં હેત રાખજો તમે રામ સે....૧
હેત રે વખાણીએ કુંજલડી કેરા, ઈંડા મેલીને મેરામણથી જાય (ર)
આઠ આઠ મહિને આવીને ઓળખે, એનું નામ હેત રે કે’વાય...
એવાં હેત રાખજો તમે રામ સે....ર
હેત રે વખાણીયે વીછલડી કેરા, બચલાંને સોંપી દ્યે શરીર (ર)
આપ રે મરે ને પરને ઓધરે રે, એવી એની મેરુ સરખી ધીર...
એવાં હેત રાખજો તમે રામ સે....૩
અનળ પંખીને નેહ ઘણો, ઊડી ઊંચે આકાશે રે જાય (ર)
દૃષ્ટિ થકી કુળ જેનાં નીપજે, હે એનું નામ હેત રે કે’વાય...
એવાં હેત રાખજો તમે રામ સે....૪
હેત રે વખાણીયે ભમરલાં કેરા, ઊડીને આકાશે રે જાય, સાગ ને સીસમને રે કોરી ખાય(ર)
પાંદડિયે પુરાણો આખી રાત રિયે, એનાથી કમળ નહીં કોરાય.
એવાં હેત રાખજો તમે રામ સે....પ
હેત રે વખાણીયે પનિહારી કેરાં, પાણીડા ભરવાને રે જાય (ર)
હસે રે બોલે ને કર તાળીયું દિયે, એની સુરતા છે બેડલિયાની માંય..
એવાં હેત રાખજો તમે રામ સે....૬
દાસી રે જીવણ સંતો ભીમ કેરા શરણાં, ગુણલા નિત-નિત રે ગવાય (ર)
અનુભવિયા એને રે ઓળખો, અવરથી પ્રિતું નહી થાય..
એવાં હેત રાખજો તમે રામ સે....૭’
ગુજરાતી લોકસંતોની ભજનવાણીની ભારે મોટી વિશિષ્ટતા એ છે કે એ લોકમાંથી જ સંતપદ પરત્વે વળેલા, જપ, તપ સાધનામાંથી પ્રાપ્ત અનુભૂત સત્યને લોકસમાજ સમક્ષ્ા રજૂ કરવાનું હોઈને ખરી-નરી તળપદી લોકવાણીમાં, તળપદા સમાજને હાથવગા અને તુરંત નજરે ચડતા દૃષ્ટાંતોને આધારે પ્રાપ્ત અનુભૂતિને વણી લઈને રજૂ કરતા હોય છે.
દાસીજીવણ અહીં ગૂઢ, ઊંડુ તત્વદર્શન, અધ્યાત્મવિદ્યા લોક્સમાજના, ગામડાના અભણ લોકો સમક્ષ્ા એમને ઈશ્ર્વરાભિમુખ રહેવાનો માર્ગ ચીંધતા જોઈ શકાય છે. મારી દૃષ્ટિએ તળપદી કાઠિયાવાડી-ગુજરાતી પદાવલિનું આ ભજન ઉપનિષ્ાદ કથિત જ્ઞાનને પ્રસ્તુત કરતું હોઈને ભારે મહત્ત્વનું છે.
રામ-પરમેશ્ર્વર સાથે ભક્તે કેવો પ્રેમાદર-રાખવાનો હોય એ સમજાવવા માટે ચકોર - ચક્વોપક્ષ્ાી, બપૈયો-મોર, કુંજ પક્ષ્ાી અને વીંછીના દૃષ્ટાંત દ્વારા સૂચવે છે કે મહિમા સહવાસનાં - સેવનનો છે. ચક્વા-ચકોર પક્ષ્ાીને ચંદ્રની સાથે જ રહેવાનું છે. દિવસે ન દેખાય. બપૈયો અને મોરને મેઘ સાથે પ્રીતિ છે. આવી દૃઢ પ્રીતિ પરમેશ્ર્વર પરત્વે દાખવવાની હોય.
પરમેશ્ર્વરની ઓળખ કૂંજ પક્ષ્ાી દ્વારા દર્શાવે છે. પોતાના ઈંડા છોડીને પશ્ર્ચિમ દેશથી આવેલું કૂંજ પક્ષ્ાી ચાલ્યું જાય. આઠ મહિના પછી એ સ્થળે પુન: આવીને પોતાના ઈંડામાંથી જન્મેલા બચ્ચાને ઓળખીને પાંખમાં લઈ લે - એમ ઈશ્ર્વરપ્રતિ આપણે સંબંધ હોવો જોઈએ.
વીંછીના જેવું સમર્પણ પોતાના બચ્ચાઓની ભૂખ સમાવવા-મીટાવવા પોતાનો દેહ અર્પી દે. પોતાના દેહનું બલિદાન અર્પી દે - એમ ઈશ્ર્વર પરત્વે આપણે આપણી જાત-અસ્તિત્વ સમર્પિત કરી દેવાનું હોય અનળ પક્ષ્ાી આકાશમાં ખૂબ ઊંચે સુધી ઊડે પણ એની નજર તો નીચે એની માદા પર જ હોય છે. સંવનન પણ બન્ને આંખ દ્વારા કરીને એના કૂળને જીવંત રાખતા હોય છે. આવો ઊંડો - ઊંચો સ્નેહ ઈશ્ર્વર પરત્વેનો હોવો જોઈએ.
ભમરો, વાંસને - લાકડાને કોરી-વીંધી નાખવા સક્ષ્ામ હોય પણ જેની પરાગથી પોષ્ાણ મેળવ્યું હોય એ કમળની કળીમાં કમળ રાત્રે પાંખડી બીડી લે અને ભમરો એમાં કેદ થાય પરંતુ કમળ પાંખડીને કોરતો નથી એમ ઈશ્ર્વર પરત્વે અખંડ ભાવ પોષ્ાણ પામેલા આપણે રાખવાનો હોય.
પનિહારીઓ કૂવેથી પાણીભરીને પાણીની હેલને પોતાના મસ્તક ઉપર ધારણ કરીને સખી-સાહેલીઓ સાથે વાતચીત અને તાળીઓના તડાકા લેતી હોય પણ એનું ધ્યાન, ચિત્ત તો મસ્તક ઉપરની હેલ હલે નહીં, પાણીનું ટીપું પણ ન છલકાય એટલી સુરતા પાણી ભરેલ હેલમાં રાખે એ રીતે આપણી નજર નિરંતર ઈશ્ર્વરાભિમુખ રહેવી જોઈએ. ભીમગુરુને શરણેથી દાસી જીવણ કહે છે કે ગુરુના ગુહાનું, પરમકૃપાળુ પરત્વેની ભક્તિનું ગાન સતત ગાતું રહેવું ઈશ્ર્વરને પામવાનો આવો એકાગ્રચિત, સમર્પણભાવ અને ગુણજ્ઞતાને ગ્રહણ કરવાની વૃત્તિ-પ્રકૃતિ ચીંધીને સમાજને ઈશ્ર્વરાભિમુખ અને ભક્તહૃદયી બનાવ્યો છે.