૭૭ વર્ષની ઉંમરે ૫૬મા પ્રયાસમાં પાસ કરી ૧૦માની પરીક્ષા
આપણે ઘણી વખત આપણી આસપાસમાં લોકોને એવું કહેતાં સાંભળતા હોઈએ છીએ કે ઉંમર એ તો એક નંબર જ છે, પણ હકીકતમાં આ વાક્યને જીવનમાં ઉતારનારા ખૂબ જ ઓછા લોકો હોય છે. આજે આપણે અહીં વાત કરીશું એક એવી પર્સનાલિટી વિશે કે જેણે આ વાતને જીવનમાં ઉતારી છે અને હજી પણ આગળ વધવામાં જ તેમનો વિશ્ર્વાસ છે, તો ચાલો વધારે મોડું કર્યા વિના પહોંચી જઈએ રાજસ્થાન, કારણ કે ત્યાં જ છે એ વ્યક્તિ જેના વિશે અહીં વાત થઈ રહી છે. રાજસ્થાનના ૭૭ વર્ષીય દાદાએ એક-બે નહીં પણ પૂરા પંચાવન વખત ધોરણ દસમાની પરીક્ષા આપી હતી અને આખરે ૫૬મા પ્રયાસમાં તેમને સફળતા મળી હતી. હવે તમને થશે કે ચાલો, નિરાંત આટલા લાંબા સમય સુધી પ્રયાસો કર્યા બાદ દાદાજીને સફળતા મળી અને તેઓ હાલમાં તેમની સફળતાનો સ્વાદ મમળાવીને નિરાંતે બેસી રહ્યા હશે તો તમારી આ સૌથી મોટી ભૂલ છે. આ દાદાજી નવરા બેસી રહેવામાં જરાય માનતા નથી અને તેમણે હવે ધોરણ ૧૨ની પરીક્ષાઓની તૈયારી કરવાનું શરૂ કરી દીધું. ભલે તેમની ઉંમર ૭૭ વર્ષની હોય, પણ આજે પણ જુસ્સો તો ૨૨ વર્ષ જેવો છે અને તેમના આ જુસ્સાની કહાણી અન્ય લોકો માટે પ્રેરણાસ્રોત સમાન છે.
જાલોરના સરદારગઢ ગામમાં ૧૯૪૫માં જન્મેલા હુકુમદાસે તીખી ગામમાંથી ધોરણ ૮ સુધીનો અભ્યાસ પૂરો કર્યો હતો અને તેમણે ૧૯૬૨માં મોકલસર ગામથી પહેલી વાર ૧૦માની પરીક્ષા આપી હતી, એ વખતે તેમનું સેન્ટર બાડમેર ખાતે આવ્યું હતું. પહેલા પ્રયાસમાં હુકુમદાસ નિષ્ફળ થયા, પણ તેમણે હાર માન્યા વિના બીજી વખત પ્રયાસ કર્યો, પરંતુ પરિણામ એ જ. બે-બે વખત પરીક્ષામાં નાપાસ થતાં હુકુમદાસના મિત્રો તેમની મજાક ઉડાવવા લાગ્યા કે તું ક્યારેય દસમું ધોરણ પાસ નહીં કરી શકે. બસ મિત્રોની આ મજાકે હુકુમદાસમાં એક જીદને જન્મ આપ્યો અને તેમણે નક્કી કરી લીધું કે ગમે તે થઈ જાય હવે તો દસમું ધોરણ પાસ કરીને જ બતાવવું છે.
આ વિશે વાત કરતાં હુકુમદાસ વૈષ્ણવ જણાવે છે કે ‘હું ભૂગર્ભ જળ વિભાગમાં ચોથા વર્ગના કર્મચારી તરીકે જોડાયો હતો અને ત્યાર બાદ મેં નિયમિત અભ્યાસ કરવાનું છોડી દીધું હતું અને એક વોલિન્ટિયર તરીકે પરીક્ષાઓમાં સામેલ થવાનું શરૂ કર્યું.’
હુકુમદાસ ૨૦૦૫માં નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ ૨૦૧૦ સુધી માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ૧૦મા ધોરણમાં ૪૮ વખત પરીક્ષા આપવા બેઠા હતા. તેમણે સ્ટેટ ઓપન બોર્ડથી પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું. ૨૦૧૯માં તેમણે ધોરણ ૧૦ની પરીક્ષા સેક્ધડ ડિવિઝન સાથે પાસ કરી લીધી. ત્યાર બાદ તેમણે ૨૦૨૧-૨૨ના સત્રમાં ૧૨મા ધોરણમાં એડ્મિશન લીધું અને હવે તેઓ ૧૨માની પરીક્ષા આપશે.
ગયા મંગળવારે હુકુમદાસ વૈષ્ણવે ગવર્નમેન્ટ હાયર સેકેન્ડરી સ્કૂલમાં ધોરણ ૧૨ આર્ટ્સની પરીક્ષા માટે અરજી કરી, જે જાલોર શહેરમાં સ્ટેટ ઓપન માટેનું સંદર્ભ કેન્દ્ર છે. રસપ્રદ વાત એ છે કે તેમના પૌત્રએ આ સમયગાળામાં સ્કૂલ શિક્ષણ પૂરું કરી લીધું છે. જ્યારે તેના દાદા ધોરણ ૧૨ની તૈયારીઓ કરી રહ્યા છે. હવે જોવાની વાત એ છે કે ૧૨મા ધોરણમાં હુકુમદાસને પહેલા જ પ્રયાસમાં સફળતા મળે છે કે પછી અહીં પણ સફળતા તેમના પ્રયાસોની પરીક્ષા લેવા માટે તૈયાર હશે?!
ખેર, એ તો સમય આવ્યે જ ખ્યાલ આવશે, પણ આપણે તો ભાઈ આ બંદાના ક્યારેય હાર નહીં માનવાના એટિટ્યુડ પર જ ફિદા થઈ ગયા!