ઇમાનનું એક અવિભાજ્ય અંગ સત્ય પર આચરણ
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
ઇસ્લામની બુનિયાદી તાલીમમાં સત્ય પર આચરણનું શિક્ષણ ઉચ્ચ સ્થાન ધરાવે છે. એક પ્રમાણિક મનુષ્ય રબતઆલાનું સર્વોત્તમ સર્જન છે. દીને ઇસ્લામ ઉમ્મત (પ્રજા)ને હિદાયત (માર્ગદર્શન) આપે છે કે,
* અડગતાથી અડીખમ ઊભા રહો * નિષ્પક્ષ ન્યાય કરો * નિસ્વાર્થ રીતે માત્ર તમારા પરવરદિગારનું સ્મરણ કરતા રહો * અલ્લાહને હાજર-મૌજૂદ સમજી સાચી સાક્ષી આપો.
વહાલા વાચક મિત્રો ! આ ન્યાય અને હક સત્ય સાક્ષીનું તે ધોરણ છે કે સર્જનહાર તે કક્ષા પર ઇમાન (શ્રદ્ધાળુ) વાળાઓને જોવા માગે છે.
જેની તેણે ઉમ્મતને તાલીમ આપી છે. ફરમાવવાવમાં આવ્યું છે કે, ‘અલ્લાહને ખાતર સાક્ષી આપનારા બનો. અને ઇન્સાફ પર પૂરી રીતે મક્કમ બની જાવ. પછી ભલે તેમાં તમને અથવા તમારાં મા-બાપ અથવા સગાસંબંધીઓનું નુકસાન હોય! અગર કોઇ અમીર હોય કે ફકીર! ગમે તેમ, અલ્લાહનો હક તેમના પર સૌથી વધુ છે. તેથી મનેચ્છાઓની પાછળ ન જાવ જેથી સત્યથી વેગળા થઇ જાવ! જો તમે હેરફેર કરો અથવા મોઢું મચકોડો તો યાદ રાખો કે અલ્લાહને તમારાં કાર્યોની ખબર છે.’
કુરાને શરીફના આદેશ અનુસાર બંદાઓના હક્કો પૈકી સૌથી મોટો હક માતા-પિતાનો છે. આમ છતાં એવું કહેવામાં આવ્યું કે, હક-સત્યનો તકાજો એ છે કે નિષ્પક્ષ ગવાહી (સાક્ષી) આપવાની બાબતમાં મા-બાપની પણ તરફદારી કરવામાં ન આવે. તેથી માતા-પિતા સિવાયના જે બીજા લોકો છે તેમની તરફેણ તો ક્યાંથી થાય. આ આયત એવું પણ દર્શાવે છે અને આદેશ આપે છે કે, ગમે તેટલા મોટા મરતબાવાળો અને ધન-દૌલતવાળો હોય, નેતા-પ્રધાન હોય, ક્લેક્ટર કે રાજા-વઝીર હોય. કોઇ પણ કેમ ના હોય, તો પણ જે સત્ય છે તેની જ ગવાહી આપો. કારણ કે ન્યાયની બાબતમાં બધા માનવોને સરખા ગણવાનું ઇસ્લામ ઇચ્છે છે. તેથી જ ફરમાવવામાં આવ્યું કે, અલ્લાહનો હક સૌથી મોટો છે. તેથી તેના કાનૂન અર્થાત્ ન્યાયના કાનૂન સમક્ષ સૌ સરખા છે. મજકૂર આયતના છેલ્લા શબ્દો ખાસ નોંધવા જેવા છે કે, કેટલાક લોકો બંને પક્ષ રાજી થાય, તે રીતે ગોળ ગોળ ગવાહી આપે છે. સાક્ષી આપવામાંથી પીછો છોડાવવાની વૃત્તિ ધરાવે છે. અલ્લાહનો હુકમ થયો કે, જો તમે આવું કરશો તો યાદ રાખો કે અલ્લાહ તમારી કાર્યવાહીઓનો જાણકાર છે.
જે સાક્ષી આપવાની છે તે અલ્લાહને માટે આપવાની છે. ઇમાનવાળાઓને સંબોધીને હુકમ થયો છે તે પણ નોંધપાત્ર છે. જો આપણે ઇમાનવાળા છીએ, તો આપણે હુકમે ઇલાહીને માથે ચઢાવીને ઇન્સાફના પક્ષે અડીખમ ઊભા રહી, સર્જનહારને રાજી કરવાનો છે. રબુલઆલમીન મોમિન બંદાને અસત્યની ગંદકીથી બચાવવા માગે છે. દીને ઇસ્લામના આખરી પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલૈયહિ વસલ્લમ એક પ્રમાણિ આદમીથી પણ ઘણું વિશેષ હતા. આપ પોતાના રોમેરોમ સુધી ચુસ્ત માનવતાવાદી-સત્યવાદી હતા. માનવ હમદર્દી અને માનવપ્રેમ આપના આત્માનું સંગીત હતું. ન ફકત ઇન્સાન જાત પણ જીવ માત્રની સેવા કરવી, સહાય કરવી, તેઓને તાલીમ-શિક્ષણ આપવું એ આપની પ્રણાલી હતી. માનવીને માનવતા શીખવવી તથા ભલા અને બૂરા વચ્ચેનો તફાવત સમજાવવો આપના મિશનનું મુખ્ય ધ્યેય હતું- આપના મુબારક જીવનનો સંપૂર્ણ સાર હતો. વિચારોમાં, શબ્દોમાં, કાર્યોમાં આપના હૈયે જીવ માત્રનું હિત હતું અને આપનો માર્ગદર્શક સિદ્ધાંત પણ હતો.
સાદ્કિ હું અપને કોલ મેં ગાલિબ ખુદા ગવાહ,
કહતા હું સચ કે જૂઠ કી આદત નહીં મુઝે.
‘સાદ્કિ’ એટલે સત્ય બોલનાર, હંમેશાં સત્ય જ ઉચ્ચારનાર અને પયગંબરે ઇસ્લામનો એક લકબ ‘સાદ્કિ’ છે. આપ હુઝૂરે અનવર (સલ.) હંમેશાં સત્ય બોલતા હતા અને સત્યને જ અનુસરતા હતા. સત્યનું આચરણ આપના રોમેરોમમાં પ્રસરેલું હતું.સુજ્ઞ વાચક મિત્રો! સત્ય બોલવું એ ઘણો મોટો સદ્ગુણ છે, પરંતુ ઘણી વખત સગાં-સંબંધી અથવા માતા-પિતા, મિત્રો કે કોઇ મોટા દરજ્જાના માણસના વિરુદ્ધમાં બોલવાનું હોય ત્યારે મન પાછું પડે છે, પગ ડગમગી જાય છે, આવા સમયે દિલમાં સંઘર્ષ થાય છે. સગાં-સંબંધીને નુકસાન થશે તેવો ડર પેદા થાય છે. મોટો-વગદાર માણસ છે તેથી હેરાન કરશે તેવા વિચારો આવે છે, પરંતુ સઘળા વિચારો-અસમંજસને દૂર કરીને માત્ર રબને રાજી કરવા ખાતર ન્યાયના પક્ષે ઊભા રહો. યાદ રહે, અન્યાય અલ્લાહને પસંદ નથી.
બોધ : સૃષ્ટિના સર્જનહાર પર ઇમાન લાવનાર મોમિને સત્ય પર કાયમ રહેવું જોઇએ. સત્ય બોલો, સત્ય પર આચરણ-અમલ ઇસ્લામી તાલીમનું બુનિયાદી શિક્ષણ છે. અને સત્યની પયરબી ઇમાનનો જ એક ભાગ છે.
- સલિમ - સુલેમાન
* * *
જાણવા જેવું
* અરબ દેશમાં પાણીના દરિયા નથી, પરંતુ ત્યાં માનવીઓના દરિયા છે. એ દરિયામાં ચાર વખત પૂર આવવાની ઇતિહાસ સાક્ષી આપે છે. * અરબમાંથી કૌમો નીકળીને આમ તેમ ફેલાઇ છે.* અરબી ભાષા સઘળી સેમેટીક ભાષાઓ પૈકી મૂળ સાચી ભાષાથી વધુ મળતી આવે છે. * અરબોના અવયવોનો ડોળ તદ્ન સામી ડોળ છે અને * તેઓનું સામાજિક જીવન સામી કૌમોનો આરંભની ખરેખરી યાદગાર છે.