કચ્છમાં રસીનો બીજો ડોઝ ન લેનાર યુવકનું કોરોનાથી મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છમાં મહામારીના વધતા સંકટ વચ્ચે ત્રીજી લહેરમાં પ્રથમ વખત દર્દીનું મોત જાહેર કરવામાં આવ્યું છે.આ દર્દીએ રસીનો બીજો ડોઝ લીધો નહોતો. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢકે જણાવ્યું હતું કે, ભુજ શહેરમાં ૩૭ વર્ષીય ડાયાબિટીસગ્રસ્ત યુવકનું કોવિડથી મોત થયું હતું. હતભાગી યુવકે કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો ન હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.દરમિયાન કચ્છના શહેરી વિસ્તારમાં ૧૫૩ અને ગ્રામ્ય વિસ્તારોમાં ૧૨૯ કેસ મળી કુલ ૨૮૨ કેસ નોંધાયા છે. ત્રીજી લહેરમાં ઝડપભેર કેસો વધી રહ્યા છે ત્યારે જાન્યુઆરી મહિનાના ૨૪ દિવસોમાં કચ્છમાં અત્યાર સુધીના સર્વાધિક ૩૨૩૩ કોરોનાના કેસો નોંધાયા છે.જેમાં સૌથી વધુ ભુજ અને ગાંધીધામ બાદ અંજાર સહિતના વિસ્તારોમાં કેસો આવ્યા છે.