મેંદી લગાડવાથી વિશ્ર્વપ્રસિદ્ધ કલાકાર બનવા સુધીની સિન્નીની સિદ્ધિ

સાંપ્રત -કલ્પના મહેતા
બિહારની સિન્ની સોશ્યા પટણામાં એક આર્ટ સ્ટુડિયો ચલાવે છે. આ સ્ટુડિયો દ્વારા એ ૧૫ લોકોને રોજગાર આપે છે અને કલાની તાલીમ આપે છે. તેણે પોતાના હુન્નરને જ પોતાની ઓળખ બનાવી છે અને બિહારની કલાકાર તરીકે દેશભરમાં જાણીતી થઈ ચૂકી છે. માત્ર ૨૭ વર્ષની ઉંમરે તેણે પોતાના દમ પર જે કામ કર્યું છે તે દાદ માગી લે તેવું છે. એક સમયે ડોક્ટર બનવાનું સપનું જોનારી સિન્નીએ આર્થિક તંગીને લીધે મેડિકલનો અભ્યાસ અધૂરેથી પડતો મૂકી દીધો. આ અંગે વાત કરતાં તે કહે છે કે ‘જે પણ થાય છે તે સારા માટે થાય છે. મેં જ્યારે વિજ્ઞાન પ્રવાહમાંથી સામાન્ય પ્રવાહમાં અભ્યાસ શરૂ કર્યો ત્યારે ઘરવાળાઓએ કહ્યું હતું કે બેંકિંગની તૈયારી કર, પરંતુ મેં નક્કી કર્યું કે એ જ કરીશ જે હું સૌથી સારી રીતે કરી શકું છું.’
સિન્નીના પિતા કોચિંગ ક્લાસ ચલાવતા હતા ને માતા નર્સ હતાં. તેઓ ઈચ્છતાં હતાં કે તેમની દીકરી સારું ભણે ને નોકરી કરે, પરંતુ તેઓ સિન્નીની કલા પર પણ પૂરો ભરોસો કરતાં હતાં એટલે તેમણે દીકરીને સાથ આપ્યો. તેને નાનપણથી મેંદીના કોનથી ડિઝાઈન કરવાનું પસંદ હતું. એટલે તે કોનથી અલગ અલગ આકૃતિ બનાવતી હતી. ત્યાર બાદ તેણે એમાં એક્રેલિક કલર નાખીને પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું. પટનાથી ફાઈન આર્ટ્સનો અભ્યાસ કરનારી સિન્ની પેઇન્ટિંગનું કામ પણ કરતી હતી. સિન્નીના કોનથી બનેલાં પેઇન્ટિંગ પણ લોકોને ખૂબ ગમવા માંડ્યાં. તેણે દુનિયાને પોતાની કલા બતાવવા માટે ૨૦૧૭માં પોતાનાં પેઇન્ટિંગનું પ્રદર્શન રાખ્યું. સિન્નીનાં તમામ પેઇન્ટિંગ કોઈ ને કોઈ થીમ સાથે જોડાયેલાં હોય છે. ઘણા સરકારી અધિકારીઓએ તેની કલાને વખાણી, જેથી સિન્નીનો જુસ્સો વધ્યો.
જોકે ત્યારે સિન્ની એ વાતથી અજાણ હતી કે તેના જીવનમાં કેટલો મોટો અવસર આવવાનો છે. પટનાથી ગ્રેજ્યુએશન કરી તે માસ્ટર કરવા માટે દિલ્હી આવવા માગતી હતી. તે દિલ્હી આવતી હતી ત્યારે તેને રાજધાની ટ્રેન પર પેઇન્ટિંગ કરવાનો મોકો મળ્યો. સિન્ની આ વિશે વાત કરતાં કહે છે કે ‘આ માટે મારે એક થીમ રજૂ કરવાની હતી.
મારા જેવા ઘણા અન્ય કલાકારો પણ હતા. મેં આ તકનો લાભ લેવા દિલ્હીમાં એડ્મિશન માટેનો ઈન્ટરવ્યુ જ ન આપ્યો. મેં બિહારની દીકરી... એ થીમ પર મારી કલાને જજની સામે રજૂ કરી, જે તમામને એટલું ગમ્યું કે મને રાજધાની ટ્રેન પર મારી કલા દેખાડવાનું કામ મળ્યું.’
આ તેના જીવનમાં આવેલો નવો વળાંક સાબિત થયો. સિન્નીને વિશ્ર્વાસ આવી ગયો કે કલાના ક્ષેત્રમાં પણ ઘણી તક છે. ત્યાર બાદ તેણે ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા માસ્ટર કરવાનો વિચાર કર્યો અને પેઇન્ટિંગ બનાવવાનું કામ પણ ચાલુ રાખ્યું. તેણે દેશનાં અલગ અલગ પ્રદર્શનોમાં પણ ભાગ લીધો. તેને લગ્નમાં મેંદીના ઓર્ડર પણ ઘણા મળતા હતા. તેણે પટણામાં એક સ્ટુડિયો પણ ખોલ્યો. કોઈનાં ઘર, ઓફિસ કે કોઈ જાહેર સ્થળોએ પેઇન્ટિંગ કરવાનું હોય કે પછી લગ્નોમાં મેંદી મૂકવાની હોય તે તમામ કામ ખૂબ જ કુશળતાપૂર્વક કરતી હતી.
સિન્ની કહે છે કે અમે થીમ મેંદી લગાવીએ છીએ. જેનાં લગ્ન હોય તેને તેના જીવન વિશે પૂછી તે પ્રમાણે ડિઝાઈન તૈયાર કરીએ છીએ, આથી અમારી મેંદી અન્યોથી અલગ હોય છે. અત્યાર સુધીમાં તે ત્રણ ટ્રેનમાં પણ પેઇન્ટિંગ કરી ચૂકી છે. સિન્ની કહે છે, ‘અગાઉ મેંદી મૂકવાવાળાને વધારે માનપાન મળતાં નહોતાં. બધા એને ટાઈમપાસનું કામ સમજે છે, પણ આજે અમને લોકો કલાકાર તરીકે જાણે છે. મારી પાસે ઘણી છોકરીઓ કામ શીખવા આવે છે અને પોતાનું કેરિયર બનાવે છે. આ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. મને પણ મેંદી લગાડવાનો શોખ હતો અને તેના લીધે જ હું અહીં સુધી પહોંચી. હું અન્યને કામ આપી શકું તે લાયક બની.’
સિન્નીની કહાણી એ સાબિત કરે છે કે કોઈ પણ કામ પૂરી નિષ્ઠાથી કરવામાં આવે તો સફળતા મળે જ છે.