વીસરાઈ ગયેલું વેકેશન ને નાનું થઈ રહેલું સંબંધોનું વિશ્ર્વ

ફોકસ -પૂજા શાહ
કોરોનાકાળના બે વર્ષના વેકેશન જેવા માહોલ બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ ઉનાળુ વેકેશનનો લગભગ એટલો મોહ નહીં રહ્યો હોય. કોરોના દરમિયાન બાળકો સતત સાથે ને સાથે રહ્યાં હોવાથી એક સમયે માતા-પિતા પણ કંટાળી ગયાં હતાં અને સ્કૂલ ખૂલવાની રાહ જોઈ રહ્યાં હતાં. લગભગ ઓક્ટોબરથી તમામ સ્કૂલો રાબેતા મુજબ ખૂલી હતી. જોકે માતા-પિતા ડરનાં માર્યાં બાળકોને મોકલતાં નહોતાં. વળી, એકાદ વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે એટલે ફરી સ્કૂલ અઠવાડિયા માટે બંધ થઈ જતી, આથી સ્કૂલ જેવો માહોલ સર્જાયો નહીં. હવે પરીક્ષાઓ પૂરી થઈ ગઈ ને વેકેશન આવી ગયું. વેકેશનની તારીખો આવ્યાની સાથે જ કોરોનાએ જેમનાં બેંક બેલેન્સ નથી બગાડ્યાં કે જેમણે ફરી સુધારી લીધાં છે તેવા લોકો દેશ કે વિદેશની સેર કરવા નીકળી ગયા હશે. બાકીનામાંથી અમુક સગાંસંબંધીને ત્યાં બે-ચાર દિવસ નહીંતર ઘરે જ.
આજકાલ વેકેશન પડે એટલે બાળકોને સમર કેમ્પ અને એક્ટિવિટી ક્લાસમાં મોકલી આપવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે. સમર કેમ્પના નામે પૈસા પડાવવાની મોટી જાહેરાતો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ જાય છે. આખું વર્ષ ફી અને શૈક્ષણિક સામગ્રીનાં નાણાં ચૂકવી લૂંટાઈ ગયેલાં માતા-પિતા વેકેશનમાં પણ આવા ખર્ચાઓ કરે છે. આ બધા વચ્ચે વેકેશનની ખરી મજા ભુલાઈ ગઈ છે. વિદેશપ્રવાસે ગયેલો બાળક એ જ એસી હોટેલ, હોટેલોનું ખાવાનું, સેલ્ફી, સોશિયલ મીડિયા અને થોડાં ઘણાં નવાં સ્થળો જોઈ પાછો ઘરે આવી જાય છે. પરંતુ નવા લોકોને મળવાનું કે નવા સંબંધો બાંધવાનું તેને ભાગે ઓછું આવે છે. જ્યારે લગભગ વીસેક વર્ષ પહેલાં એંસી-નેવુંના દાયકામાં બાળકો માટે ઉનાળુ વેકેશન એક બહુ મોટો તહેવાર હતો. આખું વર્ષ સ્કૂલમાં કાઢ્યા બાદ અને પરીક્ષા આપ્યા બાદ દોઢેક મહિનો સ્કૂલે નહીં જવાની મજા અને માત્ર રમવા ને રખડવાનો જલસો આજના સમયનાં બાળકો મિસ કરી રહ્યાં છે. વેકેશન પડે એટલે છોકરાઓ કરતાં મમ્મીઓ ખુશ થાય, કારણ કે પિયર જવા મળે. એક સમયે સાસરામાં મર્યાદિત અભિવ્યક્તિ અને વધારે જવાબદારીઓ સાથે જીવતી મોટા ભાગની મહિલાઓને પિયરમાં જ શાંતિ અને પોતાનાપણું મળતું.
જ્યારે બાળકો માટે મામાનું ઘર સિંગાપોર કે દુબઈ કરતાં ઓછું નહોતું. મામાને ગામ ભાઈ-ભાંડુડાં તો હોય, પાછા ત્યાં પણ દોસ્તો બની જાય. સવારે રમવાનું. રમતોની પણ વરાઈટી. ગિલ્લી-દંડો, ક્રિકેટ, ખોખો-આંબલીપીપળી, નાગોલ, સાતતાળી, થપ્પો. મન અને શરીર બન્નેને કસરત. બપોરે ગરમીને લીધે ઘરમાં જ બેસી પત્તાં કે કેરમ કે સાપસીડી રમવાની. ફરી તડકો થોડો ધીમો પડે એટલે સેરસપાટા. છોકરાઓ ક્યાં હોય ને ક્યાં રમતા હોય તેની ઘરનાને ખબર ન હોય. વળી, ઉનાળામાં કેરીની મજા. મામાના ઘરે મિજબાની પણ મળે ને સાંજે બરફના ગોળા ને કુલ્ફી. ઘણી વાર ઘરના લોકોએ શોધવા આવવું પડે એમ રખડવાનું. છોકરીઓ હોય તો થોડું ઘણું ઘરનું કામ કરવાનું બાકી પડોશીની છોકરી પાસેથી મેંદી કે સીવણ શીખવાનું. ફળિયામાં બેસીને ગપાટા મારવાના ને સાંજે પાણીપૂરીની લારીનો એક રાઉન્ડ મારી લેવાનો એ પણ ઘરનાને ખબર ન પડે તે રીતે. તે સમયે દૂરદર્શન હતું આથી રાત્રે ઘરના બધા સાથે મળી સિરિયલ જોવા કે પછી રવિવારે ફિલ્મ જોવા બેસી જતા. એ સિવાય ટીવીની જીવનમાં કંઈ બહુ મોટી ભૂમિકા નહોતી. રાત્રે ફળિયામાં કે ધાબામાં સૂઈ જવાનું ને તારા ગણવાની મજા. આ આખા દિવસમાં એક કામ સતત ચાલુ રહે અને એ વાતો કરવાની. ઘરના લોકોએ ચૂપ કરાવવા પડે નહીંતર રેડિયો
ચાલુ ને ચાલુ.
આ બધા વચ્ચે મામી કે નાની ઘઉં વીણવા પણ બેસાડી દે ને ફેક્ટરીએ બરફ લાવવા પણ મોકલી દે. ઉનાળામાં અથણાં, મસાલાની સીઝન આવે. ઘરે ઘરે ઘઉં સાફ થતા હોય એ ચારણાના અવાજો, ખંડાતા સૂકા મરચાની ધાસ અને અથણા માટે સૂકવવા મૂકેલી કાચી કેરીમાંથી એક-બે સેરવી લેવાનું હુન્નર. ઘરનો સૌથી લાડલો કે મીઠડો છોકરો ફરવા જવા માટે બધાને મનાવે. ગામની નજીક મંદિર કે નદી હોય ત્યાં આટો મારી આવવાનો. આમાં ક્યારેક છોકરાઓ વચ્ચે ઝપાઝપી થાય તો ક્યારેક ભાભી-નણંદના ઝઘડાઓમાં છોકરાઓ ફસાઈ જાય. ધોલધપાટ પણ મળે ને મમ્મીએ માર્યું હોય તો મામા ચોકલેટ આપી મનાવી પણ લે. મામા ઉપરાંત ફઈ, કાકા કે અન્ય કોઈ સગાના ઘરે પણ બે દિવસ આંટો મારી આવીએ. વીસેક દિવસ ક્યાં નીકળી જાય ખબર જ ન પડે. ફરી ઘર યાદ આવે. યાદોનો મોટો ખજાનો સાથે લઈ ફરી સૌ પોત-પોતાને ઘેર.
સમય બદલાતાં ઘણા બદલાવ આવ્યા ને એમાં હવે મામાનું ઘર લગભગ ભુલાઈ ગયું છે. અગાઉ દીકરી દૂર સાસરે દીધી હોય એટલે વેકેશનમાં જ લાંબો સમય આવવા મળતું. આજકાલ શહેરોમાં રહેવાવાળી છોકરીઓ પોતાના શહેર કે આસપાસમાં જ પરણવાનું પસંદ કરે છે. એક સારી વાત એ છે કે હવે વર્ષમાં એક વાર જ પિયર જવાનો નિયમ મોટે ભાગે લાગુ પાડવામાં આવતો નથી. આજની દીકરી પોતાના બાપના ઘરે ક્યારે જવું તે પોતે જ નક્કી કરે છે, આથી ઉનાળાના વેકેશનમાં જ જવાનું એવું કંઈ રહ્યું નથી. મોટા ભાગના છોકરાઓ થોડા મોટા થઈ જાય એટલે તેમને તેમના સર્કલમાં જ રહેવું ગમે છે. એક એવો મોટો વર્ગ છે જેમના ૧૪-૧૫ વર્ષના છોકરાઓ વેકેશનમાં પોતાનાં માતા-પિતા સાથે પણ નહીં, મિત્રો સાથે ટૂર પર નીકળી પડે છે. આજનાં બાળકો તો શું, માતા-પિતાને પણ અન્યના ઘરે પ્રાઈવસી મળતી નથી અને તેમને ઘરે રહેવું ગમતું નથી. સામા પક્ષે પણ મહેમાન આવે એટલે મોઢું બગડી જાય તેવો જ માહોલ છે. પોતાના રૂટિનમાં ખલેલ પડે, ખર્ચ થાય તે હવે ગણતરીમાં લેવાતું થયું છે. નાના પરિવારોને લીધે આર્થિક સધ્ધરતા હોય, વેકેશનમાં એકાદ અઠવાડિયાની ટૂર પર જાણે ન જઈએ તો મિત્રો-સંબંધીઓમાં મોઢું બતાવવાને લાયક નહીં રહીએ તેવો ઘાટ ઘડાઈ ગયો છે. આમ થવાથી બાળકોનું લાગણીઓ અને અનુભવોનું વિશ્ર્વ નાનું થઈ ગયું છે અથવા તો તે સમાજિક ઢાંચાથી અળગું થઈ ગયું છે. લોહીના સંબંધો ધરાવતા લોકો વચ્ચે પણ અંતર વધી રહ્યાં છે. પોતાના મૂળ સાથેનો નાતો કપાઈ રહ્યો છે. ચલાવી લેવાની ભાવના વિકસતી નથી. નાના-નાની કે દાદા-દાદી બિચારાં સંતાનો સાથે સમય વિતાવવા તરસે છે, પરંતુ સંતાનો વેકેશનમાં પણ વ્યસ્ત રહે છે. આનું એક મોટું નુકસાન એ પણ થાય છે કે શહેરના છોકરાઓ ગામડાના જીવનથી વાકેફ નથી થતા. માતા-પિતાએ વર્ષમાં એકાદ વાર શક્ય હોય તો સંતાનોને પોતાને ગામ અથવા કોઈ ગામડે લઈ જવાં જોઈએ. આપણો દેશ આજે પણ અહીં જ ધબકે છે. મૈત્રી કોઈ પણ વ્યક્તિના જીવનનો સૌથી સુંદર સંબંધ છે જ, પરંતુ મામા-માસી, કાકા-ફઈ કે નજીકનાં સગાં-સંબંધી સાથે પણ એક નાતો છે જે જળવાય તે જરૂરી છે.
ઉનાળો ચાલી રહ્યો છે અને ગરમીને લીધે આ સીઝન સૌથી ભયાનક લાગે છે, પરંતુ ૯૦ના દાયકામાં જન્મેલા માટે ઉનાળો એ સૌથી સોહામણી ઋતુ હતી, કારણ કે લાંબું વેકેશન મળતું. વોટ્સએપ ગ્રુપ પર સ્કૂલ-કોલેજના જૂના મિત્રોના ગ્રુપ છે. તેમના ગ્રુપ પર ભૂતકાળનાં સંસ્મરણોમાં ઉનાળુ વેકેશનની મજાઓની એક મોટી યાદી છે અને આ યાદીમાં એ સમયે જેમણે બાળપણ અને યુવાની માણી છે તેમની પાસે જોડવા માટે ઘણું બધું છે, તો તમારી પાસે શું છે?
સોશિયલ મીડિયાએ ઘણું તોડવાનું તો ઘણું જોડવાનું પણ કામ કર્યું છે. દરેક વ્યક્તિના મોબાઈલમાં લગભગ એક એવું ગ્રુપ હશે તે સ્કૂલ-કોલેજના મિત્રો કે ગામના દોસ્તોએ સાથે મળી બનાવ્યું હોય. આવા ગ્રુપમાં અમુક મેસેજ આવે છે અને એ લઈ જાય છે આજથી વીસેક વર્ષ પહેલાં ઊજવાતા વેકેશન નામના એક તહેવારના સ્મૃતિવનમાં.