એક હજાર ગામડાં ફરીને વીસરાઈ ગયેલી કલાને જીવંત રાખી છે પ્રોફેસરે

સ્પેશિયલ -નિધિ ભટ્ટ
ઘણી વાર એ કલાકો સુધી પ્રવાસ કરે છે અને ઊંઘ વિનાની રાતો પસાર કરે છે, કારણ કે તેણે પશ્ર્ચિમ ઓડિશાના છેવાડાના ગામડામાં પહોંચવાનું હોય છે. તે લોક કલાકારો અને સંગીતકારોને શોધે છે અને જવલ્લે ક્યાંક જોવા મળતી તેમની કલાને દસ્તાવેજી સ્વરૂપ આપે છે. આ ગામડાંઓ એટલાં છૂટાં-છવાયાં છે કે ૨૧મી સદીમાં પણ ત્યાં મોબાઈલ ફોન પહોંચ્યા નથી. અહીં માત્ર ને માત્ર પ્રવાસ ખેડીને ગામડાંમાં જઈને જ લોકોને મળી શકાય છે.
આ પ્રવાસી છે રજત કુમાર પાણીગ્રહી, ઓડિશાની એક કોલેજના પ્રોફેસર, જે કોલેજનું કામ પૂરું થાય એટલે નાશ પામેલી લોકકલાને જીવંત કરવા નીકળી પડે છે.
રજત કહે છે કે તેણે અમુક તહેવારોમાં આ લોકકલાને ભજવાતી જોઈ હતી અને ત્યાંથી આ કલાનું જતન કરવાની યાત્રા શરૂ થઈ. તે પોતે રાજકોના ગામનો છે અને અહીં છત્તર યાત્રા યોજાય છે. રજત કહે છે, ‘મેં તે એક વાર જોઈ હતી અને ત્યારે મને ધ્યાનમાં આવ્યું હતું કે આ કલા સરકારી કે અન્ય કોઈ રેકોર્ડમાં નથી. આનો કોઈ દસ્તાવેજ બન્યો નથી, પરંતુ તે સદીઓથી સચવાઈ રહી છે અને એક પેઢી બીજી પેઢીને આપે છે. જોકે ચિંતાનો વિષય એ છે કે હવે તે ક્યારેક જ જોવા મળે છે અને વીસરાતી જાય છે અથવા મરણપથારીએ પડી છે. છત્તર યાત્રા જેવા બીજા ઘણા તહેવારો આ રાજ્યમાં ઊજવાય છે, પરંતુ વિશ્ર્વ તેનાથી અજાણ છે અને તે ઘડીકમાં અદૃશ્ય થઈ જાય છે. આ કલા અને તહેવારોમાં કોઈ વ્યાવસાયિક હેતુ હોતો નથી, કારણ કે એ અમુક સમુદાય પૂરતા સીમિત હોય છે. આ કલાકારો અન્ય કામ તરફ વળે છે. ઘણાએ તો આ કલાકારી છોડી અન્ય કામ કરી લીધાં છે અને તેઓ અન્ય શહેરોમાં પણ જતા રહે છે. આ કલાસંગીત સાથે વગાડવામાં આવતાં વાદ્યો પણ નાશ પામવા લાગ્યાં છે, કારણ કે અગાઉ તે લાકડા અને લેધરમાંથી બનતાં જે હવે સસ્તા હોવાથી પ્લાસ્ટિકમાંથી બનતાં થઈ ગયાં છે, પરંતુ આનાથી સંગીતની મજા બગડી ગઈ છે.’
રજત કોલેજના દિવસોથી જ આ લોકો સાથે જોડાયેલો હતો અને પોતાના પોકેટમનીના પૈસા આ કલાકારોને આપી મદદ કરતો હતો. તેનો પિતરાઈ સત્યા પાણીગ્રહી અને મિત્ર ગણેશ પ્રધાન પણ તેની સાથે જોડાયા હતા. ૨૦૧૭ સુધીમાં તેઓ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી એક હજાર જેટલાં ગામડાંમાં જઈ આ કલાકારોને શોધી તેમને મદદ કરતા હતા અને પોતાની તમામ આવક તેમની પાછળ ખર્ચી નાખતા હતા. તેમના આ દસ્તાવેજીકરણમાં ચાકોટિયા ભૂંજિયાની લોક સંસ્કૃતિ અને તેમના સંગીત વાદ્યને બનાવનારા નૈપાડાના, કલાહાંડીનો ઘૂમા ડાન્સ, દેવગુરુ અને દાલખાઈ લોક પરંપરાનો સમાવેશ થાય છે. આ સાથે ઘુડકા લોકસંગીત અને સાંરગી, સાંબલપુરમાં કિસન લોકનૃત્ય અને બાવનગીરનાં વાદ્યોનો પણ સમાવેશ થાય છે.
ગણેશ આ અંગે જણાવે છે કે ‘નૌપાડાના સુનાબેડા અભયારણ્યમાં રહેતા ચાકોટિયા ભૂંજિયા સમજા દ્વારા ચીની લોકનૃત્ય રજૂ કરવામાં આવે છે. તેઓ લગ્નમાં નૃત્ય કરતા અને ગીતો પણ ગાતા. ખાસ રિધમ ધરાવતા ઢોલ, નિસાન, તાસા, મુહુરી અને જાન જેવાં વાદ્યો પણ વગાડવામાં આવતાં હતાં. ડીજે અને સાઉન્ડ બોક્સ આવ્યા પછી આ બધું ધીમે ધીમે જોખમમાં મુકાતું ગયું ને ઓછું થતું ગયું. નવી પેઢીને બીજા મનોરંજનમાં રસ પડ્યો અને તેઓ આ નૃત્ય કે સંગીત શીખવામાં ખાસ રુચિ ધરાવતા નહોતા. માતીર કલાના ટીમના સભ્યો અને યુવાનોને પારંપરિક લોકકલાને સાચવી રાખવા અંગે સમજાવતા હતા.’
ગણેશ વધુમાં કહે છે કે અમે આ કલા સાથે ધર્મને જોડી દેતા તેમ જ તેમના માટે વિનામૂલ્યે વાદ્યો લાવતા હતા. ઢુકેલ નામના એક વાદ્ય વિશે વાત કરતાં ગણેશ કહે છે કે ‘આ ઓડિશાનું સૌથી જૂનું વાદ્ય છે અને દશેરાના દેવીપૂજન સમયે જ વગાડવામાં આવતું હતું. આ વાદ્ય માટીના નવા ઘડા અને બાંબુની મદદથી બનાવવામાં આવે છે. આ વાદ્ય વર્ષમાં એક જ વાર વગાડવામાં આવતું હોવાથી તેનું મહત્ત્વ ઓછું થઈ જાય છે, આથી આ વદ્યા વગાડતા ઢુકેલિયાઓને શોધવા પણ અઘરા છે, કારણ કે તેઓ ઘણી જૂજ સંખ્યામાં છે. જોકે અમે થોડા એવા લોકોને શોધી કાઢ્યા જેમણે પાંચ દાયકાથી આ વગાડવાનું કામ કર્યું છે અને તેમના પર ડોક્યુમેન્ટરી પણ બનાવી હતી. તેને યુટ્યુબ પર પણ મૂકી હતી, જેથી અન્ય કલાકારો આ વગાડવાનું છોડી ન દે.’
રજત કહે છે કે અમારા આ કામને લીધે ઘણી યુનિવર્સિટીએ પોતાના અભ્યાસક્રમમાં આ વાદ્યો અંગેની સમજ અને તેને શિખવાડવાનું સામેલ કર્યું છે. વિદેશમાં ઘણા વિદ્યાર્થીઓ આ કલા અંગે સંશોધન કરે છે અને અમારા કામને સંદર્ભ તરીકે ઉપયોગમાં લે છે. તેમના કામને લીધે ઘણા કલાકારો પોતાના ગામડે પાછા આવ્યા છે અને કલા સાથે જોડાયેલા રહ્યા છે.
જારણના ગાયક સારબે સ્વારભોયે જણાવ્યું હતું કે ‘મેં મારું કામ પૈસાના અભાવને લીધે છોડી દીધું હતું. મને બહુ ઓછા કાર્યક્રમો મળતા હતા, પણ રજતે મને અન્ય લોકો સાથે જોડી આપ્યો અને મારા કામની કદર થાય તેવી વ્યવસ્થા કરી આપી. હવે મને ઘણી તકો મળે છે જેનાથી હું મારી આ કલા સાથે જોડાયેલો રહી શકું. હવે હું ગાયકી છોડવાનું ક્યારેય વિચારતો નથી.’
રજત કહે છે ‘મારા ઘણા સાથીઓ અને મિત્રો મને મારા કામ મામલે સવાલ કરે છે. તેઓ મને પૂછે છે કે હું મારાં નાણાં અને સમય આ કલાકારોને મદદ કરવા માટે શા માટે વાપરી નાખું છું, આનાથી મને શું મળશે. ત્યારે હું તેમને સમજાવું છું કે અમુક શોખ ભૈતિક લાભથી પર હોય છે. હું આ આત્મતૃપ્તિ માટે કરું છું.’ ઉ