ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, ક્રૂડતેલના ભાવમાં આગેકૂચ અને વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવા છતાં મૂડીબજારમાં આગામી આઈપીઓમાં ડૉલરનો આંતરપ્રવાહ જોવા મળે તેવા આશાવાદે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સતત ત્રણ સત્રના ઘટાડા બાદ સાધારણ એક પૈસાના સુધારા સાથે ૭૫.૦૮ની સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૫.૦૯ના બંધ સામે નરમાઈના ટોને ૭૫.૧૨ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૫.૧૩ અને ઉપરમાં ૭૪.૮૮ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી સાધારણ એક પૈસાના સુધારા સાથે ૭૫.૦૮ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે વર્તમાન સપ્તાહમાં ડૉલર સામે રૂપિયામાં ૬૫ પૈસાનું ધોવાણ થઈ ગયું છે.
દરમિયાન આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૧ ટકા વધીને ૯૭.૩૫ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪૯ ટકા વધીને બેરલદીઠ ૮૯.૭૮ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૭૬.૭૧ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૮.૨૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. આ ઉપરાંત, ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૬૨૬૬.૭૫ કરોડની વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવતા રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.