મધ્ય રેલવેમાં રવિવારે સીએસએમટી અને વિદ્યાવિહાર વચ્ચે ચાર કલાકનો બ્લોક
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણાના મેઈન્ટેનન્સ માટે રવિવારે મધ્ય રેલવેમાં સીએસએમટી અને વિદ્યાવિહાર વચ્ચે ચાર કલાકનો મેગા બ્લોક રહેશે. સીએસેમટીથી સવારના ૧૦.૫૫ વાગ્યાથી બપોરના ૩.૫૫ વાગ્યા સુધી અપ એન્ડ ડાઉન સ્લો લાઈનમાં ચાર કલાકનો બ્લોક રહેશે. સવારના ૧૦.૪૮ વાગ્યાથી બપોરના ૩.૩૬ વાગ્યા સુધી સીએસએમટીથી ડાઉન સ્લો લાઈનની લોકલ ટ્રેનોને સીએસએમટીથી વિદ્યાવિહાર વચ્ચે ડાઉન ફાસ્ટ લાઈન તથા સવારના ૧૦.૪૦ વાગ્યાથી બપોરના ૩.૫૨ વાગ્યા સુધીની ઘાટકોપરથી સીએસએમટી વચ્ચેની અપ સ્લો લાઈનની ટ્રેનોને ફાસ્ટ કોરિડોરમાં દોડાવાશે, જેથી તમામ સ્ટેશન પર લોકલ ટ્રેનોનો હોલ્ટ રહેશે.
પનવેલ-વાશી વચ્ચે પાંચ કલાકનો બ્લોક
હાર્બર લાઈનમાં પનવેલ-વાશી વચ્ચે સવારના ૧૧.૦૫ વાગ્યાથી બપોરના ૪.૦૫ વાગ્યા સુધી અપ એન્ડ ડાઉન લાઈનમાં પાંચ કલાકનો બ્લોક રહેશે, જેમાં નેરુલ-ખારકોપર વચ્ચેની ટ્રેનની સર્વિસીસ રદ રહેશે, જ્યારે બેલાપુર-ખારકોપર વચ્ચે ટ્રેન ચાલુ રહેશે. વાશી/પનવેલથી સવારના ૧૧.૩૩ વાગ્યાથી બપોરના ૩.૪૯ વાગ્યા સુધીની સીએસએમટી તથા સવારના ૯.૪૫ વાગ્યાથી બપોરના ૩.૧૬ વાગ્યા સુધીની સીએસએમટીથી પનવેલ/બેલાપુર વચ્ચેની ટ્રેનસેવા રદ રહેશે. એ જ પ્રકારે સવારના ૧૧.૦૨ વાગ્યાથી બપોરના ૩.૫૩ વાગ્યાની થાણેથી પનવેલ તથા સવારના ૧૦.૦૧ વાગ્યાથી બપોરના ૩.૨૦ વાગ્યા સુધીની પનવેલથી થાણેની લોકલ ટ્રેનસેવા રદ રહેશે, એમ મધ્ય રેલવેએ જણાવ્યું હતું.