મુંદરા બંદરે ગેરકાયેદસર આયાત કરેલી ૩.૫ કરોડની ૨૫ ટન આયાતી ‘ખસખસ’ ઝડપાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છના મુંદ્રા બંદર પર ખસખસના રૂપિયા સાડા ત્રણ કરોડની કિંમતના ૨૫ ટન જેટલા ગેરકાયદેસર આયાત કરવામાં આવેલા જથ્થા સાથેના ત્રણ ક્ધટેનરને ઝડપી લેવાતા ચકચાર જાગી છે.
આયાતની છૂટ ધરાવતી ભારતીય ભોજનમાં વાપરવામાં આવતી ખસખસ પરની ૪૦ ટકા ડયૂટી બચાવવા માટે કરવામાં આવેલી દાણચોરીની સાથે ખસખસની આયાતમાં મંજૂરી લેવામાં ન આવી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.
નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી) પાસેથી મળેલા ચોક્કસ ઇનપુટને પગલે કસ્ટમ દ્વારા સી બર્ડ સીએફએસમાં ખોલવામાં આવતાં ક્ધટેનરમાં એમોનિયમ સલ્ફેટના જથ્થાની પાછળના ભાગે છુપાવાયેલી ખસખસની એક હજાર બેગ મળી આવી હતી. એક કિલો ખસખસની કિંમત અંદાજે રૂ. ૧૪૦૦ થવા જાય છે તે અનુસાર ૨૫ કિલો વજનની એક હજાર બેગ ખસખસની કિંમત ૩.૫ કરોડ અંકાઇ રહી છે.
અફીણ પરિવારની ખસખસનું વૈજ્ઞાનિક નામ પેપેવર સોમ્નિફેરમ છે અને તેને ખાડીના દેશો સહિત વિશ્ર્વના અનેક દેશોમાં કેફી દ્રવ્ય તરીકે પ્રતિબંધિત કરાઇ છે. ભારતીય ભોજન પ્રણાલીમાં નિર્દોષ સ્વરૂપ ધરાવતી ઝીણી ખસખસની ભારતમાં આયાત ઓસ્ટ્રેલિયા,ફ્રાન્સ,નેધરલેન્ડ, ચીન અને સ્પેન જેવા દેશોમાંથી થતી રહે છે.
અલબત્ત ભારતમાં પણ ખસખસને કેફી દ્રવ્યની આડકતરી ગણતરીમાં સમાવિષ્ટ કરાઈ છે અને એટલા માટે તેની આયાત કરવા ગ્વાલિયર સ્થિત નાર્કોટિક્સ કમિશનરની આગોતરી મંજૂરી લેવાનું ફરજિયાત કરાયું છે. આ ઉપરાંત, આયાતકારે પણ નાર્કોટિક્સ વિભાગમાં નોંધણી કરાવીને પરવાનો મેળવવાનો રહેતો હોય છે.
રાજધાની દિલ્હીના ઇન્ટરનેશનલ ક્ધટેનર ડેપોમાં નોંધાયેલી આયાતકાર કંપનીએ આયાત માટે જરૂરી નોંધણી કે મંજૂરી મેળવી ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને જે રીતે ક્ધટેનરમાં છુપાવીને આ જથ્થો લવાયો તેનાથી સ્પષ્ટ રીતે આયાતકારનો બદઇરાદો હોવાનું સ્પષ્ટ થતું હોવાનું તપાસકર્તાએ જણાવ્યું છે. આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ખસખસની આયાતનો પરવાનો ધરાવતા ૪૦ જેટલા લાઈસન્સધારકોએ એકસાથે તેમના લાઈસન્સ મુંદ્રા બંદરે તબદીલ કર્યાં છે, તેમાં આ જથ્થો ઝડપાયાના બનાવના પડઘા પડે એમ જણાઇ રહ્યું છે.
કસ્ટમ તંત્રે આયાતકારની અને ખસખસનો કોઇ જોખમી ઉપયોગ થવાનો ન હતો તે જાણવાની કવાયત હાથ ધરી છે.