પાકિસ્તાન જેલમાંથી ૨૦ ગુજરાતી માછીમારો મુક્ત કરાયા
વાઘા બોર્ડર ખાતે સોંપણી થઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: પાકિસ્તાન જેલમાંથી પુરાયેલા ૨૦ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. વાઘા બોર્ડર ખાતે સોંપણી થઈ છે. બે દિવસમાં આ માછીમારો પોતાના વતન આવી પહોંચશે. મોટા ભાગના માછીમારો સૌરાષ્ટ્ર અને દીવ-દમણના હોવાનું જાણવા મળે છે. ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરિન સિક્યુરિટી દ્વારા ભારતીય માછીમારોને બોટ સાથે અપહરણ કરવામાં આવે છે. ત્યારે હાલ ૫૭૭ જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાન જેલમાં છે, જેમાંથી ૨૦ જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરી દેવામાં આવ્યા છે અને વાઘા બોર્ડર ખાતે આ માછીમારોને સોંપવામાં આવ્યા છે. બે દિવસ બાદ આ માછીમારો ટ્રેન મારફત પોતાના વતન પહોંચી જશે. આ ૨૦ જેટલા માછીમારો કોડીનાર તથા ઊના પંથકના હોવાનું જાણવા મળ્યું છે. ૨૦ માછીમારો પાકિસ્તાન જેલમાં લાંબા સમયથી હતા. તેઓને મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે તેઓના અને તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળે છે.
---------
ગુજરાતમાં મોસમી રોગચાળો: સરકારી હોસ્પિટલમાં લાંબી લાઈનો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં તાવ, શરદી અને ઉધરસના રોગચાળાના કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા જેવી સ્થિતિ સર્જાઈ છે કોરોના સિવાયના રોગચાળામાં વધારો થતા રાજ્યનાં અનેક મોટાં શહેરોની અને જિલ્લાઓની હોસ્પિટલમાં કેસ બારી પર દર્દીઓની લાંબી કતાર જોવા મળી હતી. જેને પગલે રાજ્ય આરોગ્ય વિભાગે મોટા શહેરોમાં અને જિલ્લાઓમાં ઘનવંતરી રથો દોડાવી લોકોને જરૂરી દવા ઉપલબ્ધ કરવા ટીમો બનાવી ઠેર ઠેર ખડકી હતી. રાજ્યમાં કોરોનાના કારણે અન્ય બીમારીના કેસોમાં પણ મોટો ઉછાળો જોવા મળતા ઠેર ઠેર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં લોકો સારવાર માટે લાઈને લગાડી રહ્યા છે. મોટા શહેરમાં કમળા, મેલેરિયા, ડેન્ગ્યૂ ચિકનગુનિયા જેવા અનેક રોગોનો લોકોને સામનો કરવાનો વારો આવ્યો છે. રાજ્યના હવામાનમાં આવતા ફેરફારને લઈને લોકોને તાવ, શરદી, ઉધરસ જેવા રોગ વધતા જિલ્લા અને મોટા શહેરોની હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. હોસ્પિટલની કેસ બારી અને દવા બારી પર દર્દીઓની લાંબી કતાર જોવા મળે છે. સરકારી હોસ્પિટલ ઉપરાંત હાલ ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઊભરાઈ રહી છે. ઘટનાને પગલે રાજ્ય આરોગ્ય ખાતુ હરકતમાં આવી દોડતું થયુ હતું.