‘જમ્મુ-કાશ્મીરમાં બંધારણીય કલમ 370 ફરીથી લાગુ નહીં થઇ શકે’, ગુલામ નબી આઝાદની સાફ વાત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદ પોતાની નવી પાર્ટી રચવા જઇ રહ્યા છે. ગયા મહિને કોંગ્રેસ છોડ્યા બાદ કાશ્મીર ખીણમાં તેમની પ્રથમ રેલીમાં સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું હતું કે સંસદમાં બે તૃતીયાંશ બહુમત ધરાવતી સરકાર જ જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાની પુનઃસ્થાપના સુનિશ્ચિત કરી શકે છે.
આઝાદે પોતાની પ્રથમ રેલીમાં કહ્યું હતું કે, તેઓ જાણે છે કે શું કરી શકાય છે અને શું નહી. ‘હું કે કોંગ્રેસ પાર્ટી કે ત્રણ પ્રાદેશિક પક્ષો તમને કલમ 370 પાછી નહીં આપી શકે. TMC ચીફ મમતા બેનર્જી, DMK કે NCP ચીફ શરદ પવાર પણ તમને કલમ 370 પાછીનહીં આપી શકે.’ પૂર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું કે તેઓ એવા કોઇ મુદ્દા ઉઠાવશે નહીં જેના પર તેમનું કોઈ નિયંત્રણ નથી.
નોંધનીય છે કે કૉંગ્રેસ પાર્ટી છોડ્યા બાદ ગુપકર ગઠબંધન (નેશનલ કોન્ફરન્સ, પીડીપી, સીપીએમ અને અવામી નેશનલ કોન્ફરન્સ) અને કોંગ્રેસે આઝાદને નિશાન બનાવતા કહ્યું હતું કે તેઓ બંધારણની કલમ 370ની બહાલી વિશે કોઇ વાત નથી કરતા. આઝાદે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેઓ લોકોને ગેરમાર્ગે દોરવા નથી માગતા, તેથી એવી કોઇ ખોટી વાત નહીં કરે જે શક્ય નથી કે તેમના નિયંત્રણમાં નથી.
આઝાદે કહ્યું કે, ‘સંસદમાં માત્ર બે તૃતીયાંશ બહુમતી ધરાવતો પક્ષ જ અગાઉના રાજ્યના વિશેષ દરજ્જાને પુનઃસ્થાપિત કરી શકે છે, જેને કેન્દ્ર દ્વારા ઓગસ્ટ 2019માં રદ કરવામાં આવ્યો હતો. “દરેક રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીની હાર થઇ રહી છે અને તેની સાથે જ રાજ્યસભામાં તેમની તાકાત ઘટી રહી છે… મને નથી લાગતું કે કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં 350 થી વધુ બેઠકો મેળવી શકે અને કાશ્મીરમાં બંધારણની કલમ 370 પાછી લાગુ કરી શકે.”
ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે તેઓ 10 દિવસમાં નવા પક્ષની રચનાની જાહેરાત કરશે. આ પક્ષની વિચારધારા આઝાદ હશે. તેમની પાર્ટી જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા, તેના લોકોને નોકરીઓ અને જમીનના વિશેષ અધિકારો આપવા અને વિકાસ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.