મુંબઈની અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે સૌપ્રથમ ટ્રેનનું આગમન

આમચી મુંબઈ

આંધ્ર પ્રદેશથી ૧૩ દિવસે પહોંચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન માટે સૌથી પહેલી રેક (સૌપ્રથમ પ્રોટોટાઈપ ટ્રેન)નું ટ્રેલરનું મંગળવારે મુંબઈમાં આગમન થઈ ગયું છે. કોલાબા-બાંદ્રા-સિપ્ઝ વચ્ચે મેટ્રો-થ્રીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેમાં આરેમાં કારશેડ બનાવવામાં રોક મૂકવામાં આવ્યા પછી કામકાજ ખોટકાયું હતું. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારે આરેમાં જ મેટ્રોનો કારશેડ બનાવવાનો નિર્ણય લીધા પછી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ કામકાજમાં ઝડપ વધી છે, જે અંતર્ગત મેટ્રો-થ્રીનું અંડરગ્રાઉન્ડનું કામકાજ નવી નિર્ધારિત ડેડલાઈન પૂર્વે કામકાજ કરવાની અપેક્ષા છે, એમ એમએમઆરસીએલ (મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ)ના અધિકારીએ જણાવ્યું હતું. આંધ્ર પ્રદેશ (શ્રી સિટી)માંથી લગભગ ૧,૪૦૦ કિલોમીટરનું અંતર કાપ્યા પછી મંગળવારે ચાર ટ્રેલર (પ્રત્યેકમાં ચાર કોચ) મુંબઈમાં વહેલી સવારે લાવવામાં આવ્યા હતા. ચાર કોચની રેક લાવવામાં ૧૩ દિવસથી વધુ સમય લાગ્યો છે, જ્યારે બીજી રેક ટૂંક સમયમાં પહોંચશે. હાલના તબક્કે સરીપુર નગર ખાતેના ડેપોમાં ટ્રેનને રાખવામાં આવશે, જેના સ્પેર પાર્ટસ અલગ અલગ છે, જે એક કરવામાં આવ્યા પછી ટેસ્ટ હાથ ધરવામાં આવશે. શરૂઆતના તબક્કામાં મરોલ નાકા મેટ્રો સ્ટેશન સુધીના ત્રણ કિલોમીટરના કોરિડોરમાં ટ્રાયલ રન હાથ ધરાશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મેટ્રો ટ્રેનની વિશેષતા
અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન સંપૂર્ણ એસી (એરકન્ડિશન્ડ) કોચ, હ્યુમિડિટી કંટ્રોલ તથા પ્રવાસીઓ માટે આરામદાયક કોચ છે. પેસેન્જર એનાઉન્સમેન્ટ સિસ્ટમ, મેટ્રોના કોચના માફક કોચમાં સીસીટીવી કેમેરા (ક્લોઝ સર્કિટ ટેલિવિઝન કેમેરા), ફાયર ડિટેક્ટર, સ્મોક ડિટેક્ટર અને આગના નિયંત્રણ માટે દરેક કોચમાં અગ્નિશામક સામગ્રી તથા ઈમર્જન્સી માટે પ્રવાસીઓ અને કંટ્રોલરની વચ્ચે વોઈસ કોમ્યુનિકેશનની સુવિધા પૂરી પાડવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.