મુંબઈ: કુર્લા વિસ્તારમાં ૧૯ વ્યક્તિનો ભોગ લેનારી ઇમારત હોનારત પ્રકરણે નેહરુનગર પોલીસે ફ્લેટ ભાડે આપનારા ૪૦ વર્ષના કોન્ટ્રેક્ટરની ધરપકડ કરી હતી, જ્યારે અમુક ફ્લેટમાલિકો તથા અન્યો વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો.
કુર્લા પૂર્વમાં નાઇક નગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઇમારત સોમવારે મોડી રાતે ધરાશાયી થઇ હતી, જેમાં મૃત્યુ પામેલા મોટા ભાગના લોકો ઉપરોક્ત ઇમારતમાં ભાડા પર રહેતા હતા.
નેહરુનગર પોલીસે બુધવારે ધરપકડ કરેલા શખસની ઓળખ દિલીપ વિશ્ર્વાસ તરીકે થઇ હોઇ તે કોન્ટ્રેક્ટર છે, જેણે પોતાના ફ્લેટ ભાડે આપ્યા હતા.
મહાપાલિકા દ્વારા આ ઇમારતને રહેવા માટે જોખમી કરવામાં આવી હોવા છતાં રજની રાઠોડ, કિશોર ચવાણ, બાલકૃષ્ણ રાઠોડ અને દિલીપ વિશ્ર્વાસે તેમના ફ્લેટ ભાડાં પર આપ્યા હતા. આથી તેમની સામે સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરાયો હતો.
નેહરુનગર પોલીસ સ્ટેશનમાં ફ્લેટમાલિકો અને અન્યો વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ ૩૦૪ (૨) (સદોષ મનુષ્યવધ), ૩૦૮ (સદોષ મનુષ્યવધનો પ્રયાસ), ૩૩૭ અને ૩૩૮ (અન્યોના જાનમાલને જોખમમાં મૂકવાના કૃત્ય દ્વારા ગંભીર ઇજા પહોંચાડવી) અને ૩૪ (એકસમાન હેતુ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પાલિકાના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ઇમારતના રહેવાસીઓને વારંવાર નોટિસ આપવા છતાં સમારકામ કરવામાં આવ્યું નહોતું. (પીટીઆઇ)
