ભારતીય સેના સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા અને દુશ્મનની દરેક ચાલનો જવાબ આપવા માટે સતત હાઈટેક સાધનોની ખરીદી કરી રહી છે. દરમિયાન સેનાએ સૈનિકો માટે નવી જનરેશનના જેટપેક સૂટ, ડ્રોન સિસ્ટમ્સ અને રોબોટ્સની ખરીદી માટે ટેન્ડર બહાર પાડ્યા છે.
સેનાના અધિકારીના જણાવ્યા અનુસાર, સેના 48 જેટપેક સૂટ, 100 રોબોટ્સ અને 130 ફાસ્ટ-ટ્રેક ‘ટીથર્ડ’ ડ્રોન સિસ્ટમ્સ ખરીદશે. જેટપેક સૂટથી સૈનિકો 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકશે. સેનાએ કહ્યું છે કે જેટપેક સૂટમાં સૈનિકો માટે સુરક્ષિત અને નિયંત્રિત ટેક-ઓફ અને લેન્ડિંગ હોવું જોઈએ, જે કોઈપણ દિશામાં ઉતરી શકે છે. આ ઉપરાંત, રોબોટ્સ 10,000 ફૂટ સુધીની ઊંચાઈ પર કામ કરવા સક્ષમ હોવા જોઈએ. ડ્રોન લાંબા સમય સુધી સરહદ રેખા પર દેખરેખ માટે યોગ્ય હોવું જોઈએ.
તેમણે કહ્યું કે ‘બાય-ઈન્ડિયન’ કેટેગરીમાં ફાસ્ટ-ટ્રેક પ્રક્રિયા હેઠળ ઈમરજન્સી પ્રોક્યોરમેન્ટ હેઠળ ટેથર્ડ ડ્રોન ખરીદવામાં આવી રહ્યા છે. ભારતીય સેનાએ 48 જેટ પેક સૂટ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ જેટ પેક સૂટના ઘણા ફાયદા છે. ઈમરજન્સી સ્થિતિમાં સરહદ પર તૈનાત સૈનિકો જેટ પેક સૂટ પહેરીને ઉડી શકે છે. જાણકારી અનુસાર જેટ પેક સૂટમાં પાંચ ગેસ ટર્બાઇન જેટ એન્જિન હોય છે, જે લગભગ 1000 હોર્સપાવરની ઉર્જા ઉત્પન્ન કરે છે. આ સૂટમાં ઇંધણ તરીકે ડીઝલ અથવા કેરોસીન વપરાય છે. આ જેટ પેક સૂટની સ્પીડ 50 કિમી પ્રતિ કલાક સુધીની હોઈ શકે છે.