અરજણદાસનું યોગવિદ્યાકેન્દ્રી અનુભવજગત -૧

ધર્મતેજ

ભજનનો પ્રસાદ -બળવંત જાની

અરજણદાસ વર્ષ્ાો સુધી રવિ-ભાણ પરંપરાના સિદ્ધસંત ત્રિકમસાહેબના ચિત્રોડ આશ્રમમાં રહીને, સિદ્ધપીઠના વલયોને ઝીલીને ઉછરેલા. તેઓ હરિજન-વણકર જાતિના હતા પણ એમની સાધના પરત્વેની રુચિ કોઈ મોટા ૠષ્ાિ-સાધક કક્ષ્ાાની હતી. ચિત્રોડ આશ્રમની જગ્યાના મહંત ખાનસાહેબે તેમને દિક્ષ્ાિત કરેલા. એમની યોગ-સાધના-ઉપાસના અને એની પરિચાયક યોગમાર્ગી સંતવાણી, નિત્ય જન-સેવા, નામ-જાપ ક્રિયાકલાપ તરીકે મુખ્ય હતા. ગુરુ ખાનસાહેબે ગુરુકૃપા રૂપે પ્યાલો પાયો, અને કહેવાય છે કે શક્તિપાતના ફળ સ્વરૂપે એમનું હૃદયકમળ પુલક્તિ થયું. અગમ-અગોચર અનુભૂતિનું દર્શન ર્ક્યું તે, એમના સોળ કડીના પ્યાલા ભજન-પદમાં દૃષ્ટિગોચર થાય છે. તેઓ શિષ્ય છે ખાનસાહેબના, પણ સમગ્ર રવિ-ભાણ પરંપરા પરત્વે અપાર શ્રદ્ધા ધરાવતા. તેમની એ વૃત્તિ પ્રકૃતિનો પરિચય તેમનાં આરતી પદમાંથી મળે છે. તેઓ ગાય છે કે-
‘ધન્ય નેજાધારી, ધન્ય પરચાધારી
ખીમ, ભાણ, ત્રિકમ, ખાન, રવિ મોરારી’
અરજણદાસનું પ્યાલા પદ-ભજન ઉપરાંત આરતી અને બીજું એક પદ પણ પરંપરામાં પ્રચલિત છે. એમાંનો ગુરુ મહિમા એમની શ્રદ્ધાનો પરિચાયક છે. તેઓ ગાય છે કે-
‘પ્રેમે કરીને હરિ પારખું, મારાં નૈનમાં મુર્તિ નિરખું
બાવાજી આતમ ઠેરાણા આપના, ગુરુ ખાન મળ્યા મને સતના
ઉમંગે દરશને આવે, મોટા મહિપત શિશ નમાવે,
ગુરુ ખાન વાડી છે ગતના, મને માર્યા બાણ મહોબતના’
અરજણદાસજી આમ તો છે માત્ર ત્રણ પદ-ભજનોનાં રચયિતા, પણ એમાંની એક પ્યાલો ભજન રચના ખૂબ પ્રખ્યાત છે. મને એમાંના યોગ, અધ્યાત્મ અને સમાધિ-સાધનાના અનુભવજગતને, નીજાનુભૂતિને ત્રિપદી પ્રાસમાં ઢાળવાનું સહજ રૂપ ભારે અર્થપૂર્ણ જણાયું છે. એ સમગ્ર રચના ગુજરાતી જ્ઞાનમાર્ગી, તત્ત્વદર્શી પદ પરંપરામાં આગવી અને અનોખી જણાયેલ છે એની વાચના અને એનું અર્થઘટન આસ્વાદીએ.
‘પ્યાલો ગુરુએ પાયો ને, પીધા ભેળી ખબર પડી,
એવા હજુર થઈને હાલુ રે, હરિના નામની હાથે છડી… ટેક
પ્રથમ પ્યાલો સતગુરુએ પાયો, પાયો અમીરસ પલ,
અંતરના તાળાં ઉઘાડયાં ને, કુંચી બતાવી દલ,
હૃદયકમળમાં રૂખડું ફૂલ, પાંખડિયે ફળ,
એવું અમીરસ ફળ આપ્યું રે, ચાખી જોયુ તો રકમ જડી…એવો પ્યાલો…૧
બીજે પ્યાલે બાના તણી, ત્રિકમ રાખજો ટેક,
જીવ-શિવ નોતા જુજવા ત્યારે,
અલખ નિરંજન એક,
જોઓ મટાડયો જમરા તણો,
વાલે વડો ર્ક્યો વિશેષ્ા,
એવી દયાળુ મોરછાપ દીધી રે, વાલે મારે આપી વડી…એવો પ્યાલો…ર
ત્રીજે પ્યાલે તીન ગુન તોળ્યાં,
અને તોળ્યાં પાંચે તંત,
જગત ઓધારણ જાદવા તમે શામ ઓધારણ સંત,
નવસે નાડી બોંતેર સો કોઠા, જડયા જકડ બંધ,
એવા કારીગર છે કડિયા રે, ઘણ એરણ વિના કાયા ઘડી.. એવો પ્યાલો…૩
ચોથે પ્યાલે સતગુરુ, મને નાખી રત્નાગર લે’ર,
કામ, ક્રોધ મટાડયા,
વાલે મારે મટાડી મુખડાની વેણ,
નામથી ગોળા ફેંક્યા, એવા સતગુરુ બંદા શેલ,
એવા પ્રેમના બખતર પહેરી રે,
ભાલા લઈ સામે ભળી… એવો પ્યાલો…૪
પાંચમે પ્યાલે પ્રગટયાં, મને સન્મુખ મળ્યાં છે શામ
એક્વીસ બ્રહ્માંડની ઉપર,
જયાં રણુંકારમાં બોલે રામ,
અંતર ખડકી ઉઘાડી કરી,
ને કીધાં પૂર્વ ખડકીએ પ્રણામ,
એવી ઝળહળ જયોતું ઝબકી રે,
દેખી મેં તો હીરલા જળકી.. એવો પ્યાલો…પ
છઠ્ઠે પ્યાલે સતગુરુ, વળી ભાણ ત્રિકમના ભેદ,
પૃથ્વીમાં ક્યાંય પહોંચે નહીં,
ત્યાં વાણી, ખાણીને વેદ,
જાવરલા નર કોક જાણ, જ
ેની કળા અકળ છે કેશ,
એવા નુરિજન હીરલા નીરખી રે,
બંબતણી શોભા બત્તી.. એવો પ્યાલો…૬’
આ પ્યાલા ભજનનો રચનાબંધ વિશિષ્ટ છે. પહેલી કડીની બે પંક્તિ-મુખડાની ધ્રુવ પંક્તિની કડી છે. આ મુખડાની બે પંક્તિ અને પ્રત્યેક કડીની ચોથી પંક્તિ સાથે પ્રાસ મળે છે. દરેક કડીના પ્રથમ ત્રણ પંક્તિમાં પ્રાસ મળે છે, ચોથી પંક્તિનો પ્રાસ ટેક-ધ્રુવ કડી સાથે મળે છે એ રીતે પ્રત્યેક કડી છ પંક્તિની જણાય છે.
સોળ પ્યાલા સંખ્યા, પંદર સંંખ્યા અરજણદાસે શુકલ પક્ષ્ાની તિથિ સાથે નિર્દેશી છે. સોળમી કડી પ્યાલો નથી એ મતિ-ઈચ્છા-છે એમાં નામછાપ અને અંતિમ વિગતો છે. આમ રચનાનો બંધ ભજનના વિશિષ્ટ ઢાળનો છે. આને આરાધ ઢાળના ઢંગમાં પણ ગવાતું સાંભળ્યું છે. પ્યાલો ભજન શુકલપક્ષ્ાની તિથિની રચનાનું રૂપ પ્રગટાવે છે.
લગભગ પંદરેય તિથિના પ્રારંભના વર્ણને પૂર્વાર્ધમાં પુનરાવર્તન માટે એ વર્ણથી આરંભાતો શબ્દ અહીં બધી કડીમાં અવલોક્વા મળે છે. પ્રથમ પ્યાલો પાનારા સદગુરુ પોતે છે. એ અભિધામાં જ જણાવી દીધું કે પીધાની સાથે જ ખબર પડી કે શ્રી હરિ હાજરા-હજુર છે એમના નામની છડી મારે હાથે છે.
પ્રથમ પ્યાલા પાનથી જ અમૃતરસપાનની ક્ષ્ાણની પ્રતીતિ થઈ. અંતરમાં બીરાજતા શ્રી હરિને પ્રાપ્ત કરવા માટે ત્યાં લટક્તા તાળાને ખોલવાની કૂંચી પ્રાપ્ત થઈ. હૃદયકમળમાં બીરાજતા પરમની પ્રાપ્તિના ફળને મળવાની અને ચાખવાની એમ બન્ને ક્રિયા અહીં પ્રારંભે જ આલેખાઈ છે.
બીજા પ્યાલામાં જેના આશ્રયે રહેતા હતા એ ત્રિકમસાહેબને તેઓ પ્રાર્થે છે અને એમના દ્વારા જીવ-શિવના એકત્વની અનુભૂતિ કરાવનાર તથા અલખ નિરંજન એક છે એવું ભાન કરાવીને મૃત્યુનો ભય જેમણે દૂર ર્ક્યો અને મને અધ્યાત્મપથના મહત્વના સ્થાને સ્થાપ્યો. વાલાએ-ત્રિકમે મને એક મોટી ઓળખ આપી એની વિગતનું આલેખન થયેલું અવલોક્વા મળે છે.
ત્રીજા પ્યાલાની છ પંક્તિની કડીમાં ત્રણ ગુણ અને પાંચતત્ત્વ નવસો નાડી, બોંતેર કોઠાની કાયા પર કઈ રીતે શાસન કરી શકાય, કાબૂ મેળવી શકાય એનું જ્ઞાન આપ્યું અને સમજાવ્યું કે પરમ કૃપાળુ સર્જનહાર પરમાત્મા એરણ-ઘણ જેવાં હથિયાર વગર કાયાના ઘડનારા પરમેશ્ર્વર છે એની પ્રતીતિનું આલેખન અવલોક્વા મળે છે.
યોગ સાધનામાં કામ, ક્રોધ, સ્વાદ, મોહ, લોભ, સ્વમાનનો મહિમા ત્યજવાનો- છોડવાનો હોય. અહીં ચોથા પ્યાલે એમની ગુરુકૃપાથી રત્નાકરમાં લ્હેર ઉઠે અને પછી વિરમી જાય, શમી જાય એ રીતે એ બધાં ભાવો મટી ગયા. જગતમાં પ્રેમ વર્ણવીને એનું ક્વચ-બખતર-ધારણ કરીને ભાલાના પ્રહારથી એનો સામનો-મુકાબલો ર્ક્યો.
આવી યોગ વિદ્યાકેન્દ્રી સાધનાક્રિયાની ફળશ્રુતિ રૂપે અંત:કરણમાં ઉઠતા-બજંતા રણુંકાર ધ્વનિનું શ્રવણપાન, પરમકૃપાળુ પરમાત્માની સમીપ-સન્મુખ અને તેજથી ઝળહળ જયોતનાં દર્શનની અનુભૂતિનું આલેખન પાંચમા પ્યાલાના સંદર્ભે થયેલું અવલોક્વા મળે છે.
છઠ્ઠા પ્યાલે ગુરુ પરંપરા આદ્ય ગુરુ ભાણ અને પછીના ત્રિકમ સાહેબ વચ્ચે કશો ભેદ નથી એવી એકાત્મભાવની અનુભૂતિનું આલેખન તથા અકળ કળા, અભેદની ઓળખ કોઈ નુરીજન- તેજસ્વી પ્રતાપી સંતને જયોત-બતીનું-દર્શન થાય એની પોતાને થયેલ પ્રતીતિનું નિરૂપણ અહીં જોઈ
શકાય છે. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.