વિજયનો આનંદ: કતારના લૂસેલસ્થિત લૂસેલ સ્ટેડિયમ ખાતે મંગળવારે ફૂટબૉલ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં આર્જૅન્ટિનાએ ક્રોએશિયા સામે વિજય મેળવ્યા બાદ પ્રેક્ષકોનું અભિવાદન કરી રહેલા ટીમના સભ્યો. (એજન્સી)
દોહા : ફિફા વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં ક્રોએશિયાને ૩-૦થી હરાવીને આર્જેન્ટિના ફાઇનલમાં પહોંચી હતી. આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સીએ પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨માં મેસ્સીનો આ પાંચમો ગોલ છે. જ્યારે ફિફા વર્લ્ડ કપ ઈતિહાસમાં મેસ્સીનો ૧૧મો ગોલ છે. આર્જેન્ટિનાએ હવે ૨૦૧૪ બાદ પ્રથમ વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. આર્જેન્ટિના પાસે ત્રીજું ટાઇટલ જીતવાની તક છે આ સાથે જ જુલિયન અલ્વારેઝે આર્જેન્ટિના માટે બે ગોલ કર્યો હતો. જુલિયન અલ્વારેઝે પ્રથમ ગોલ ૩૯મી મિનિટે કર્યો હતો. આ રીતે આર્જેન્ટિનાને મેચમાં ૨-૦થી આગળ કર્યું હતું. પ્રથમ હાફના અંત સુધીમાં આર્જેન્ટિનાની ટીમ ૨-૦થી આગળ હતી. આ પછી બીજા હાફમાં લિયોનેલ મેસ્સીએ ૬૯મી મિનિટે જુલિયન અલ્વારેઝને બૉલ પાસ કર્યો હતો. ત્યાર બાદ યુવા ખેલાડીએ કોઈ ભૂલ કરી ન હતી. મેચના પહેલા હાફમાં ક્રોએશિયાની ટીમે આક્રમક રમતની શરૂઆત કરી હતી, પરંતુ ૩૪મી મિનિટે મેસ્સીએ પેનલ્ટી પર ગોલ કરીને ટીમને ૧-૦થી લીડ અપાવી હતી. પાંચ મિનિટ બાદ અલ્વારેઝે બીજો ગોલ કરીને ક્રોએશિયાને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધું હતું. પ્રથમ હાફમાં આર્જેન્ટિનાએ ગોલના પાંચ પ્રયાસો કર્યા, જેમાંથી ૪ ટાર્ગેટ પર હતા. જ્યારે ક્રોએશિયાએ ૪ વખત પ્રયાસ કર્યો અને એક પણ શોટ લક્ષ્ય પર ન હતો.
ક્રોએશિયન ટીમનું પ્રથમ વર્લ્ડ કપ ટાઇટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.